અમદાવાદ-રાજકોટ વચ્ચે દોડશે હાઈ સ્પીડ ટ્રેન, ગુજરાત સરકારની મંજૂરી
'એનડીટીવી'ના એક અહેવાલ પ્રમાણે ગુજરાત સરકાર ભારતીય રેલવે સાથે મળીને અમદાવાદ-રાજકોટ વચ્ચે હાઈ સ્પીડ ટ્રેન દોડાવવા માટે રેલવે લિંક નાખશે.
એક વરિષ્ઠ અધિકારી દ્વારા અપાયેલ માહિતી અનુસાર આ રૂટ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાથે લિંક હશે.
ગુજરાત મુખ્ય મંત્રીકાર્યાલયના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસે આ પ્રોજેક્ટ અંગે કહ્યું હતું કે આ અંગે કેન્દ્ર અને ગુજરાત સરકારે જરૂરી મંજૂરી આપી દીધી છે.
શુક્રવારે 'ASSOCHAM ફાઉન્ડેશન વીક પ્રોગ્રામ' અંતર્ગત યોજાયેલી એક વર્ય્યુલઅલ કૉન્ફરન્સ દરમિયાન એમ. કે. દાસ દ્વારા આ અંગે જાહેરાત કરાઈ હતી.
તેમણે કહ્યું કે, "ગુજરાત સરકાર ભારતીય રેલવે સાથે ભાગીદારી કરીને અમદાવાદ-રાજકોટ વચ્ચે નવી રેલવે લિંકની શરૂઆત કરશે. આ ટ્રેન બુલેટ ટ્રેન નહીં હોય પરંતુ એક ખૂબ જ હાઇ સ્પીડ ટ્રેન હશે. આ ટ્રેન ખૂબ જ ઝડપથી રાજકોટ પહોંચાડશે."
દૂધસાગર ડેરીની ચૂંટણી માટે વિપુલ ચૌધરીને નામાંકન ભરવાની મંજૂરી
ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી વિપુલ ચૌધરીને અમદાવાદ સેશન્સ કોર્ટ દ્વારા દૂધસાગર ડેરીની ચૂંટણીમાં ઉમેદવારી પત્રક ભરવાની મંજૂરી આપી દેવાઈ છે.
નોંધનીય છે કે તાજેતરમાં CID દ્વારા 14.80 કરોડ રૂપિયાના બોનસ કૌભાંડમાં તેમની ધરપકડ઼ કરાઈ છે.
કોર્ટે 5 જાન્યુઆરીના રોજ યોજનાર દૂધસાગર ડેરીની મૅનેજિંગ કમિટીની ચૂંટણી માટે તેમને નામાંકનપત્ર ભરવાની રાહત આપી છે.
દૂધસાગર ડેરીની ચૂંટણીમાં નામાંકન પત્ર ભરવાની અરજી અંગે ઍડિશન સેશન્સ જજ દિવ્યેશ વિપિનચંદ્ર શાહે નોંધ્યું હતું કે, "આરોપીને ચૂંટણીમાં ભાગ લેવાનો અધિકાર છે. માત્ર FIR દાખલ કરવાથી તેમને ચૂંટણી લડવાના અધિકારથી વંચિત ન રાખી શકાય."
નિત્યાનંદે પોતાના 'દેશ કૈલાશા' માટે વિઝા અને ફ્લાઇટની જાહેરાત કરી
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના એક અહેવાલ પ્રમાણે ભાગેડુ નિત્યાનંદે પોતે સ્થાપિત કરેલા કથિત 'હિંદુ સાર્વભૌમ દેશ' કૈલાશાની યાત્રા માટે ટુરિસ્ટો માટે ખાસ ત્રણ દિવસીય વિઝા ઇસ્યૂ કરવાની જાહેરાત કરી છે.
આ રહસ્યમયી ટાપુની મુલાકાત માટે વિઝા ધરાવનાર લોકોએ ઑસ્ટ્રેલિયાથી સફર કરવી પડશે. જ્યાંથી 'ગરુડા' નામક પ્રાઇવેટ ચાર્ટર્ડ ફ્લાઇટ સર્વિસ થકી તેમને કૈલાશા લઈ જવાશે.
નિત્યાનંદે હાલમાં જ એક વીડિયો જારી કરી આ જાહેરાત કરી છે.
નોંધનીય છે કે ભારતમાં નોંધાયેલા રેપ કેસની ટ્રાયલથી બચવા માટે વર્ષ 2019થી નિત્યાનંદ ભારતમાંથી નાસી છૂટેલ હતા.
નિત્યાનંદે આ વીડિયોમાં મુલાકાતીઓને માત્ર ત્રણ દિવસ સુધી જ કૈલાશામાં રહેવાનું સૂચવ્યું હતું. જે દરમિયાન તેમને પરમ શિવના દર્શન કરવા દેવામાં આવશે તેવી વાત કરાઈ હતી.
ભારતીય અમેરિકન વેદાંત પટેલને વ્હાઇટ હાઉસના આસિસ્ટન્ટ પ્રેસ સેક્રેટરી નિયુક્ત
https://www.youtube.com/watch?v=SqxzhASC48Y
અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ જો બાઇડને શુક્રવારે ભારતીય અમેરિકન વેદાંત પટેલને આસિસ્ટન્ટ પ્રેસ સેક્રેટરી નિયુક્ત કર્યા હતા.
નોંધનીય છે કે જો બાઇડને વ્હાઇટ હાઉસ કૉમ્યુનિકેશન અને પ્રેસ સ્ટાફના સભ્યોનાં નામ જાહેર કરતી વખતે ઉપરોક્ત જાહેરાત કરી હતી.
'હિંદુસ્તાન ટાઇમ્સ'ના એક અહેવાલ પ્રમાણે પટેલ બાઇડન કૅમ્પેનના એક ભાગ હતા અને તેઓ રિજનલ કૉમ્યુનિકેશન ડાયરેક્ટર તરીકે ભૂમિકા ભજવી ચૂક્યા છે.
અહેવાલ અનુસાર આ પહેલાં તેઓ ભારતીય અમેરિકન કૉંગ્રેસવુમન પ્રમિલા જયપાલના કૉમ્યુનિકેશન ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.
ભારતમાં જન્મેલા અને કેલિફોર્નિયામાં ઉછરેલા પટેલે યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયા અને યુનિવર્સિટી ઑફ ફ્લોરિડામાં અભ્યાસ કર્યો છે.
- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો