For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોણ બનશે મોદીના અનુગામી? ભારે મતદાનને પગલે ચર્ચા શરૂ

|
Google Oneindia Gujarati News

anandi-patel-narendra-modi
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના પ્રથમ તબક્કાની બેઠકો માટે 13 ડિસેમ્બર, 2012ના રોજ યોજાયેલા મતદાને વિક્રમ સર્જ્યો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીઓના છેલ્લા બે દાયકાના ઇતિહાસને જોઇ જઇએ તો આ વખતે અભૂતપૂર્વ મતદાન નોંધાયું છે. અભૂતપૂર્વ મતદાને રાજકીય વિશ્લેષકોનો ચોંકાવી દીધા છે. આ અણધાર્યા મતદાનથી ગુજરાતની સાથે રાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચા શરૂ થઇ છે અને ઉચ્ચતમ મતદાનથી ગુજરાતની આગામી સરકારની રચનાના સમીકરણોમાં શું અસર પડી શકે તેની અટકળોને વીજળીવેગે પ્રસરાવાનું શરૂ કર્યું છે. આ સાથે મોદીની દિલ્હી જઇને વડાપ્રધાન બનવાની ઇચ્છા સફળ થશે એ વાતને સમર્થન મળ્યું છે. ત્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી પદ માટે નરેન્દ્ર મોદીના અનુગામીની ચર્ચાએ ગરમાવો લાવી દીધો છે.

ગુજરાતમાં ભારે મતદાન ચૂંટણી પંચના મતદાન વધારવાના પ્રયાસોનું ફળ છે?, નરેન્દ્ર મોદી અને ભાજપના સફળ પ્રચારનું પરિણામ છે?, કેશુભાઇ માટે બગાસું ખાતા પતાસું મળે એવી સ્થિતિ છે? કે પછી કોંગ્રેસ માટે ગુજરાતની ગાદી વધારે નજીક આવી છે તેનું ચિત્ર હજી 17 ડિસેમ્બર, 2012ના રોજ યોજાનારા બીજા તબક્કાની બેઠકોના મતદાનની ટકાવારી બાદ વધારે સ્પષ્ટ બનશે. જો કે આ બધામાં સામાન્ય લોકોમાં તો ફરી એકવાર નેરેન્દ્ર મોદીના દિલ્હી તરફ પ્રયાણની શક્યતાઓ જ હોટ ટોપિક બની રહી છે.

ગુજરાતમાં અન્ય શક્યતાઓને બાજુ પર મુકી ભાર મતદાને નરેન્દ્ર મોદીની દિલ્હી તરફ જવાની દિશા પાક્કી બની તેમની દશામાં સુધારો થવાની શક્યતાઓને પ્રબળ સમર્થન પૂરું પાડ્યું છે એમ પણ કહી શકાય. જો આ શક્યતા પ્રબળ હોય તો તરત જ બીજો પ્રશ્ન એ પણ ઉભો થાય કે નરેન્દ્ર મોદી દિલ્હીની વાટ પકડે તો ગુજરાતની ગાદી કોણ સંભાળશે?

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના અનુગામીઓના નામોમાં ગુજરાતના મહેસૂલમંત્રી આનંદીબેન પટેલ, ઉદ્યોગ પ્રધાન સૌરભભાઇ પટેલ અને ભાજપના સાંસદ પુરસોત્તમ રૂપાલાનું નામ ચર્ચામાં ટોચ પર છે. મોદીના અનુગામી બનવાની ખેંચતાણ છેલ્લા કેટલાક સમયથી આનંદીબેન પટેલ અને સૌરભ પટેલ વચ્ચે ચાલી રહી છે અને અવારનવાર તે સપાટી પર દેખાય છે.

આવા સમયે પ્રશ્ન ઉભો એ થાય કે મોદીના અનુગામીમાં જેમના નામ સૌથી વધુ ચર્ચામાં છે તેમાંથી નરેન્દ્ર મોદી જેવી ક્ષમતા અને લોકપ્રિયતા કોનામાં છે. નરેન્દ્ર મોદી ગુજરાતની કમાન એવી વ્યક્તિના હાથમાં સોંપવા માંગે છે જે ગુજરાતમાં ભાજપનો દબદબો કાયમ રાખે અને પાર્ટીની સાખમાં વધારો કરી શકે.

આ દ્રષ્ટિએ જોઇએ તો ગુજરાતમાં જેમનો વિશેષ દબદબો છે એવા પાટિદાર સમાજમાંથી ત્રણે નેતાઓ આવે છે. આનંદીબેને પોતાની જીત પાક્કી કરવા માટે આ વખતે પાટણને બદલે અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. તો સૌરભ પટેલે પણ બોટાદને બદલે આકોટામાં પોતાનું નસીબ અજમાવવાના છે.

બીજી તરફ આનંદીબેન અને સૌરભ પટેલ બંને ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે ઘરોબો ધરાવે છે જેના કારણે પક્ષને જરૂરી ફંડ માટે મુશ્કેલી રહે તેમ નથી. એવી જ રીતે પુરસોત્તમ રૂપાલા પણ પોતાનો અલગ ચાહક વર્ગ ધરાવે છે. જો કે આ રેસમાં રૂપાલા કરતા આનંદીબેન અને સૌરભભાઇ રેસમાં આગળ છે.

અમેરિકાથી એમબીએ કરીને આવેલા 54 વર્ષીય સૌરભ પટેલ પર કોઇ મોટા રાજકીય આક્ષેપો નથી અને તેઓ સ્પષ્ટ છબી ધરાવે છે. જ્યારે આનંદીબેનની છબી રાજકીય નેતાઓમાં એક કડક વ્યક્તિત્વ ધરાવનારા અને અતડા રહેનારા પ્રધાન તરીકેની છે.

અહીં 71 વર્ષીય આનંદીબેનની તરફેણમાં એક મહત્વની બાબત એ પણ છે કે તેમની સક્ષમતાને આધારે તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવે તો તેઓ ભાજપના મહિલાઓને વિશેષ મહત્વ આપવાના વલણ અંતર્ગત ગુજરાતને પ્રથમ મહિલા મુખ્યમંત્રી મળી શકે છે. આ ગૌરવ ભાજપ મેળવી શકે છે.

જો કે આ પહેલા એ જોવું મહત્વનું રહેશે કે બીજા તબક્કામાં કેટલું મતદાન થાય છે. સામાન્ય રીતે એવી ધારણા છે કે સામાન્ય ટકાવારી કરતાં મતદાન વધારે થાય ત્યારે એન્ટિઇન્કમ્બન્સીની શક્યતા વધી જાય છે. બીજી બાબત એ પણ છે કે મતદાનની ઊંચી ટકાવારી ગુજરાતમાં ભાજપની તરફેણમાં રહેતી આવી છે. જો કે આ વખતે કેશુભાઇ પટેલનું લેઉવા પાટીદાર ફેક્ટર ભાજપને ચક્કર લાવી શકે એમ છે.

આગામી સમયમાં એ જોવાનું મજેદાર રહેશે કે ચૂંટણીનું ઘમ્મર વલોણું કોના માટે માખણ કાઢે છે અને કોના માટે છાશ?

English summary
Highest voting start up discussion on Narendra Modi's successor.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X