
હિંમતનગર: મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસના મહિલા મોર્ચાએ કર્યુ વિરોધ પ્રદર્શન
દેશભરમાં મોંઘવારીએ માઝા મુકી છે. સતત વધતા ભાવોને લઇ લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કોરોનાના સમયમાં નૈતિક જરૂરીયાતોથી લઇ પેટ્રોલ ડીઝલના ભાવો વધતા જતા સામાન્ય માણસને જીવન નિર્વાહ કરવા મુશ્કેલ થઇ રહ્યો છે. આ મામલે વિરોધ પક્ષો અવાર નવાર અવાજ ઉઠાવતા હોય છે પણ કઇ ખાસ પરિણામ જોવા મળતું નથી.

આજે સાબરકાંઠાના હિંમતનગર ખાતે મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારી તેમજ વધતા જતા ભાવો વિરૂદ્ધ પોસ્ટર્સ સાથે દેખાવો કર્યા હતા. ભાવવધારાનો વિરોધ કરતી કોંગ્રેસની મહિલાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. કોરોનાના કારણે લોકો પિસાઇ રહ્યાં છે ત્યારે દેશભરમાં દીન પ્રિતીદીન વધતી જતી મોંઘવારીએ માઝા મુકી છે. રોજીંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચી જતા લોકો કફોડી પરિસ્થિતિમાં મુકાયા છે.
આવા સમયે પ્રજાની વેદનાને વાચા આપવા માટે મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારી વિરૂદ્ધ દેખાવો કરવામાં આવ્યા હતા. જેમાં હિંમતનગરના ટાવર ચોક પાસે મહિલાઓએ ગેસના બાટલા અને પ્લેકાર્ડ સાથે દેખાવો કર્યા હતા. આ ઉપરાંત મહિલાઓએ ભાજપ સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. હિંમતનગર પોલીસે દેખાવો કરતી કોંગ્રેસની મહિલાઓ સહિત નેતાઓની અટકાયત કરી હતી.