પ્રાંતિજમાં ઉજવાય છે અનોખી રીતે હોળી, સળગતા અંગારા પર ચાલે છે ગામલોકો
ભારત દેશ સાચા અર્થ વિવિધતાઓથી ભરપૂર દેશ છે. 12 ગામે જેમ બોલી બદલાઈ જાય તેમ દરેકની પરંપરાઓમાં પણ વિવિધતા જોવા મળે છે. સમગ્ર દેશ દરેક સાથે મળીને તહેવાર તો ઉજવે જ છે પરંતુ તેને ઉજવવાની રીતમાં કંઈક વિવિધતા ચોક્કસ જોવા મળે છે. હોળીનો તહેવાર પણ સમગ્ર દેશમાં ખૂબ જ શ્રદ્ધા અને હર્ષોલ્લાસભેર ઉજવાયો. કોરોના વાયરસના ડરની વચ્ચે અલગ અલગ પ્રાંતમાં દરેકે પોતાના રીતરિવાજ અને પરંપરા સાથે હોળી મનાવી. અહીં આપણે ગુજરાતના એક ગામમાં કેવી અનોખી રીતે હોળી ઉજવાય છે તે જોઈએ.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ખાતે છેલ્લા 500 વર્ષથી પ્રાચીન પરંપરા મુજબ ઘરેઘરે જઈને લાકડા, છાણા ઉઘરાવી રાત્રે બે અલગ અલગ હોળી પ્રગટાવવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા યંત્રયુગમાં આજે પણ યથાવત છે. મળતી માહિતી અનુસાર પ્રાંતિજના મજરા ગામમાં ભૈરવનાથ મંદિરના ચોકમાં બે હોળી પ્રગટાવવામાં આવે છે. જેમાં એક હોળીમાં લાકડા મૂકવામાં આવે છે અને બીજી હોળીમાં છાણા મૂકવામાં આવે છે. લાકડાના અંગારા પડ્યા હોય તેના પર બાળકોથી માંડીને યુવાનો, વૃદ્ધો સળગતા અંગારા પર ખુલ્લા પગે ચાલે છે છતાં હજુ સુધી કોઈ દાઝી ગયુ હોય તેવો કોઈ બનાવ બન્યો નથી.

ગામના એક રહેવાસીએ જણાવ્યુ કે છેલ્લા 75-80 વર્ષથી અહીં મજરા ગામમાં હોળી થાય છે. વળી, કરોલ, ગડકન, ચંદ્રાલા જેવા આજુબાજુના 30થી 35 જેટલા ગામમાંથી બધા દાદાના આંગણે આવી શ્રદ્ધાથી દર્શન કરે છે. નવપરિણીત દંપત્તિઓ તેમજ જેમને પહેલા ખોળે બાળક આવ્યુ હોય તેવા દંપત્તિઓ પણ અહીં દર્શન કરવા આવે છે તેમજ શ્રદ્ધાપૂર્વક હોળી પ્રગટાવી તેની પ્રદક્ષિણા કરે છે. ત્યારબાદ શ્રદ્ધાપૂર્વક હોળીના અંગારા પર સૌ ચાલે છે પરંતુ કોઈ આજદિન સુધી દાઝ્યુ નથી.
આ પણ વાંચોઃ વાહ! દીકરીને કરિયાવરમાં 2200 પુસ્તકો આપનાર પિતા વર્લ્ડ રેકૉર્ડ ઈન્ડિયાથી સમ્માનિત