ગુજરાતમાં એક જ દિવસમાં કોરોના વાયરસના 2265 કેસ નોંધાયા, આરોગ્ય સચિવ પણ કોરોના પોઝિટીવ!
અમદાવાદ : દુનિયાભરમાં હાલ કોરોનાની ભયંકર લહેર ચાલી રહી છે. આ લહેરની ઝપેટમાં હવે ભારત પણ લપેટાઈ રહ્યું છે. હવે હાલત એ છે કે રોકેટ સ્પીડે કોરોનાના કેસ ડબલ થઈ રહ્યા છે. હાલ ગુજરાતમાં પણ રોકેટ સ્પીડે કેસ વધી રહ્યાં છે. ગઈકાલે જે આંકડો 1200 પાર હતો તે આજે 2000 ને પાર કરી ગયો છે. હવે સ્થિતી એ છે કે જો સમયસર સ્થિતીને સંભાળવા યોગ્ય પગલા લેવામાં નહીં આવે તો કોરોના કેટલાને ભરખી જશે તે કહેવું મુશ્કેલ છે.
રાજ્યના આંકડાઓની વાત કરીએ તો આજે અધધ 2265 નવા કોરોનના વાયરસના કેસ નોંધાય છે. આ સાથે સાથે છેલ્લા 24 કલાકમાં બે લોકોએ કોરોનાથી પોતાના જીવ ગુમાવ્યા છે. સૌથી મોટી અને ડરાવણી વાત એ છે કે ગઈકાલે આ આંકડો માત્ર 1290 હતો, જે આજે 2200 પાર પહોંચ્યો છે. ગુજરાતમાં જે સ્પીડે કોરોનાના કેસ વધી રહ્યાં છે એ જોતા લાગે છે કે અઠવાડીયાભરમાં આ આંકડો ક્યાંય પહોંચી જશે.
તમામ આંકડાઓ પર વિગતે વાત કરીએ તો, અમદાવાદ શહેરમાં સૌથી વધુ 1290 કેસ નોંધાયા છે. ત્યારબાદ સુરતમાં 415 કેસ, વડોદરામાં 86 કેસ, આણંદમાં 70 કેસ, કચ્છમાં 37 કેસ, રાજકોટમાં 36 કેસ, ખેડામાં 34 કેસ, ભરૂચમાં 26 કેસ, મોરબીમાં 24 અને ગાંધીનગરમાં 23 કેસ નોંધાયા છે.
રાજ્યના કુલ આંકડાની વાત કરીએ તો, અત્યારસુધીમાં કુલ 8,37,293 લોકો કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. જેમાંથી 10,125 લોકોના મોત થયા છે. આ ઉપરાંત કુલ 8,19,287 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ રાજ્યમાં 7881 લોકો સારવાર હેઠળ છે, જેમાંથી 18 દર્દી વેન્ટિલેટર પર છે.
આ ઉપરાંત આજે રાજ્યમાં ઓમિક્રોન વેરિઅન્ટના પણ બે કેસ નોંધાયા છે. સૌથી મોટી વાત એ કે ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ મનોજ અગ્રવાલ પણ કોરોના સંક્રમિત થયા હોવાના અહેવાલ છે. મળતી વિગતો અનુસાર, મનોજ અગ્રવાલ હાલ તેમના નિવાસ્થાને આઈસોલેશનમાં રહીને સારવાર મેળવી રહ્યાં છે. અહીં ઉલ્લેખનિય છે કે કોરોના કેસ વધતા હવે રાજ્યમાં નાઈટ કર્ફ્યૂનો સમય પણ વધારવામાં આવ્યો છે. હવે 11 વાગ્યાથી કર્ફ્યૂ અમલમાં આવે છે.