Covid-19 Vaccination in Gujarat: બગસરામાં 3 કેન્દ્રોમાં રસીકરણનો પ્રારંભ થયો
આખરે નાગરિકોની આતુરતાનો અંત આવ્યો, નવી આશાના કિરણે લોકોને કોરોનાના ડરથી હાશકારો આપ્યો છે. ગુજરાત સહિત દેશભરમાં આજે વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે, જેમાં પહેલા તબક્કામાં તબીબી સેવા ક્ષેત્રે જોડાયેલા લોકોને કોરોનાવાયરસની રસીના ડોઝ આપવામાં આવી રહ્યા છે. ગુજરાતના અમદાવાદ, રાજકોટ અને સુરત બાદ હવે અમરેલીમાં પણ 3 કેન્દ્રોમાં રસીકરણનો પ્રારંભ થઈ ચૂક્યો છે. અમરેલીમાં કુલ 300 લોકોને રસીના ડોઝ આપવમાં આવશે.

અમરેલીના બગસરામાં રસીકરણનો પ્રારંભ કરાયો છે. જેમાં ત્યાંના સ્થાનિક આરોગ્ય કર્મચારીઓને કોરોનાવાયરસની રસી આપવામાં આવી રહી છે. અમરેલીમાં રસીકરણ માટે જે ત્રણ કેન્દ્રો ચિહ્નિત કર્યાં તેમાં રાજૂલા, અમરેલી અને બગસરા શામેલ છે. બગસરા સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય જેવી કાકડીયા સહિત આરોગ્ય અધિકારી, પ્રાંત ઑફિસરે પ્રારંભ કરાવ્યો હતો.
નોંધનીય છે કે ગુજરાતમાં કુલ 161 કેન્દ્રો પર રસીકરણ અભિયાન શરૂ કરાયું છે. આજે શનિવારે બધા કેન્દ્રો પર રસી આપવામાં આવશે, જે બાદ રવિવારે વિરામ અને સોમવારે ફરી રસીકરણ અભિયાન પૂનઃ શરૂ કરાશે. પહેલા તબક્કામાં 16100 જેટલા આરોગ્ય કર્મચારીઓને રસીના ડોઝ આપવામાં આવશે જ્યારે બીજા તબક્કામાં કોરોના વોરિયર્સ એવા પોલીસ કર્મચારીઓને પણ રસી આપવામાં આવશે.
રસીકરણ મહાઅભિયાન: ગુજરાતના પંચમહાલ જિલ્લામાં રસીકરણનો પ્રારંભ