
ભાવનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી 70 કરોડના કામોનું લોકાર્પણ કરશે
મુખ્યમંત્રી વિજય રૂપાણી 20 જુલાઈ ભાવનગરની મુલાકાતે જઈ રહ્યા છે. ભાવનગરમાં મુખ્યમંત્રી 70 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી ભાવનગરમાં કેન્સર કેર એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટયૂટને ખુલ્લુ મુકશે. આ ઇન્સ્ટીટ્યૂડનું લોકાર્પણ થતા ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના લોકોને ભાવનગરમાં જ કેન્સરની સારવાર મળશે. આ ઉપરાંત ભાવગનરમાં 292 પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લોકાર્પણ કરશે. ૧૯ કરોડના ખર્ચે આ મકાનોનું નિર્માણ થયુ છે.
બીજા વિકાસ કાર્યોની વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી પાંચ એમ.એલ.ડી ક્ષમતાના પ.ર૭ કરોડના વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ અને સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના ૧૩.રપ કરોડના વિકાસ કામો ખુલ્લા મુકશે. સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ર.રપ કરોડના ખર્ચે સિટી બ્યૂટિફિકેશન અંતર્ગત નિર્માણ થયેલા નારી ગામના તળાવ, દુ:ખી શ્યામ બાપા સર્કલથી અધેવાડા તરફ ભાવનગર મહાપાલિકાની હદ સુધી ૧૦.૯૯ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા સી.સી. રોડના કામનું લોકાર્પણ કરશે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહેશે.
ભાવનગરમાં ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટયુટ સંચાલિત ભાવનગર કેન્સર કેર એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટયુટનો સર તખ્તસિંહજી હોસ્પિટલમાં પ્રારંભ થતા કેન્સરના દર્દીઓના અમદાવાદના ધક્કા ઓછા થશે. આ ઈન્સ્ટીટ્યૂટ અને અમદાવાદની ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટયુટ વચ્ચે MoU થયા છે. જેનો લાભ ભાવનગરના દર્દીઓને મળશે. ૩ર.૧૧ કરોડના ખર્ચે અદ્યતન સારવાર સાધનો સાથે ભાવનગર કેન્સર કેર એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટયૂટ નિર્માણ પામ્યુ છે.