ગુજરાતમાં કોરોનાથી અધિકૃત મોત 10,095, જ્યારે વળતર માટે અરજી આવી 12 હજારથી વધુ
અમદાવાદઃ કોરોનાના કારણે મૃત્યુ પામનાર દર્દીઓના સ્વજનોને વળતર આપવાનુ કામ ગુજરાત સરકાર કરી રહી છે. રાજય સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટમાં માહિતી આપીને જણાવ્યુ કે સરકાર પાસે હાલમાં લગભગ 12,718 અરજીઓ આવી છે જેમાંથી 6515નો દાવો સ્વીકારવામાં આવ્યો છે અને ચૂકવણી પણ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકારે જજોને ખાતરી આપી કે આ મુદ્દે એપેક્સ કોર્ટમાં વધુ સુનાવણી 10 ડિસેમ્બરે થાય એ પહેલા બાકીની ચૂકવણી કરી દેશે.
ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા કોવિડ મોતનો અધિકૃત આંકડો 10,095 છે પરંતુ વધુ 2623 અરજીઓમાં કોવિડ-19ની મોતનો દાવો કરવામાં આવ્યો છે. રાજ્યમાં કોવિડ વળતરનો મુદ્દો સતત ચાલી રહ્યો છે. નિષ્ણાતો માને છે કે કોવિડ-19ના કારણે મૃત્યુ પામેલ લોકોની સંખ્યા વાસ્તવમાં વધુ છે. જેના કારણે રૂ.50,000નુ વળતર લેવા આવનારા પરિવારોની સંખ્યા પણ વધી શકે છે.
શહેરના એપિડેમિયોલીજીસ્ટે કહ્યુ કે, 'આનુ સીધુ કારણ એ જ છે કે રાજ્યમાં કોરોના મૃતકોમાં માત્ર એવી દર્દીઓનો સમાવેશ કરાયો છે જેઓ સંક્રમિત થયા ત્યારે તેમને અન્ય કોઈ બિમારી નહોતી. આઈસીએમઆરની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને કોરોનાથી થયેલ મોત નક્કી કરવામાં આવ્યા છે. અન્ય દર્દીઓના મોતનુ કારણ હ્રદય બંધ થઈ જવુ. રેસ્પિરેટરી ઈન્ફેક્શન, રીનલ ફેલ્યોર, મલ્ટી-ઓર્ગન ફેલ્યોર વગેરે ગણવામાં આવ્યુ છે. મૃતકોનો સાચો આંકડો તો સત્તાધીશોને સોંપાયેલી અરજીઓના વિશ્લેષણ બાદ જ સામે આવી શકે છે.'
અધિકૃત આંકડા મુજબ કોવિડ-19 મોતનો આંકડો અમદાવાદમાં સૌથી વધુ(3411), સુરત(1957), વડોદરા(788) અને રાજકોટ(726) છે. ભૂતકાળમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાથી થયેલા મોતનો આંકડો છૂપાવવાનો કે ઓછો આંકવાનો દાવો કર્યો હતો. અગાઉ રુપાણીએ કહ્યુ હતુ કે, 'કોરોનાથી મૃત્યુની નોંધણી કરવાની પદ્ધતિ ICMR દ્વારા જ સૂચવી છે અને ગુજરાત સહિતના તમામ રાજ્યો તેનુ પાલન કરે છે. કોરોના સંક્રમિત થયેલા વ્યક્તિને અન્ય કોઈ બિમારી હોય અને સારવાર દરમિયાન તેનુ મૃત્યુ થયુ હોય તો અન્ય રાજ્યો પણ તેની નોંધણી કોરોનાથી મોત તરીકે કરતા નથી.'
કોરોના મોતના વળતર ચૂકવવા મામલે ગુજરાતની નબળી કામગીરી પર સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી હતી. ત્યારે સોમવારે ગુજરાત સરકારે વળતર ચૂકવવાની પ્રક્રિયામાં કરેલા સુધારા અંગે સુપ્રીમ કોર્ટે માહિતી આપી હતી. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો કે ડેથ સર્ટિફિકેટમાં મોતનુ કારણ જ એકમાત્ર માપદંડ નહિ તેવી જાહેરાત કરવામાં આવે.
જસ્ટીસ એમ આર શાહ અને બીવી નાગરત્નાની ખંડપીઠે નિર્દેશ આપ્યા હતા કે, 'ઓનલાઈન પોર્ટલ, સૂચિત કરેલા ફોર્મેટ, દરેક જિલ્લા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની ગ્રીવન્સ રિડ્રેસલ કમિટીમાં વ્યાપક પ્રચાર થવો જોઈએ કે કોરોના મૃતકોના પરિવારજનોને પોઝિટિવ આરટી-પીસીઆર રિપોર્ટ અને 30 દિવસની અંદર મૃત્યુ થયુ હશે તો વળતર ચૂકવામાં આવશે. ડેથ સર્ટિફિકેટમાં દર્શાવાયેલુ મોતનુ કારણ વળતર મેળવવા માટેનો એકમાત્ર માપદંડ નહિ હોય.' સુપ્રીમ કોર્ટના દબાણ બાદ રાજ્ય સરકારે વળતર ચૂકવવાની પ્રક્રિયામાં ફેરફાર કર્યો હતો. સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યુ કે તેમણે એક્સક્લુઝીવ ઓનલાઈન પોર્ટલ શરુ કર્યુ છે અને 3 ડિસેમ્બરથી તે પબ્લિક ડોમેન પર પણ ઉપલબ્ધ છે.