છોટાઉદેપુર: બોડેલીમાં પાણી માટે વલખા, આખરે સરકાર સુધી ક્યારે પહોંચશે વેદના??
એક તરફ સૂર્યનારાયણ આકરાપાણીએ છે ત્યારે બીજી તરફ છેવાડાના ગામડાઓ પાણી માટે વલખા મારી રહ્યા છે. છોટાઉદેપુરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકો પાણીનો પોકાર કરી રહ્યા છે અહીં બોડેલીમાં આવેલા ફેરકુવા ગામની પરિસ્થિતિ પાણી વગર સાવ કફોડી બની છે. ત્યાના સ્થાનિકોની વેદના આજ સુધી સરકાર સુધી પહોંચી નથી. બોડેલી તાલુકાના ફેરકુવા ગામે ગ્રામજનો પાણી માટે રાતા પાણીએ રોઇ રહ્યા છે.૬૦૦ ફૂટ ઊંડા બોરવેલ હોવા છતાં પાણી ઉપલબ્ધ થતું નથી સ્થાનિક કોઈ પાણી માટે દુર દુર સુધી કતારોમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે.

45 ડિગ્રી તાપમાનમાં તરસે મરતાં સ્થાનિકો
પાણીની હાલાકીને લઈને આ ગામનો એક દયનીય કિસ્સો સામે આવ્યો છે. એક ઘરમાં લગ્ન પ્રસંગ હોવાથી પાણીની તાતી જરૂરિયાત નોંધાઈ હતી. ગામમાં પાણી ન હોવાથી ખુદ કન્યાએ જ ગામથી ત્રણ કિલોમીટર દૂર જઈને પાણી લાવવાની ફરજ પડી હતી.

કૂવાઓ બન્યાં તળિયા ઝાટક
હાલ આ ગામની પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે પશુપાલકો પાસે પશુઓને પીવડાવવા માટે પણ પાણી નથી. ગામના કુવાઓ તળિયા ઝાંટક થઇ ગયા છે. બોડેલી તાલુકાના ફેરકુવા ગામે હાલમાં ૬૦૦ ફૂટ ઊંડા છ બોર છે છતાં તેમાં જોવા માટે પણ પાણી નથી રહ્યું ગામની આ દયનીય પરિસ્થિતિ થી સ્થાનિકો ચિંતામાં મુકાયા છે ગામલોકોએ પાણીની તંગીના કારણે કેટલીક વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે આવા કપરા સમયે પણ વીરકુવા ગામ લોકોની વ્યથા તંત્ર સાંભળતું નથી ગામના યુવાનોએ ગામ બહાર જઈ પાણીની વ્યવસ્થા કરવી પડી રહી છે.

ફરિયાદ કર્યા છતાં તંત્રના આંખ આડા કાન
45 ડિગ્રી તાપમાનમાં પાણી માટે વલખા મારતા ગ્રામજનોની સમસ્યા હજુ સુધી જાણે તંત્રના કાને પહોંચી નથી તેવું લાગી રહ્યું છે. ગામમાં પશુધન પણ પાણી વિના તરસે મરે છે. મહત્વનું છે કે છોટાઉદેપુરમાં વિકાસના કાર્યો થયા છતાં અહીં પાણીની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી. સ્થાનિકોએ જણાવ્યા મુજબ ગામમાં આવેલા પાણી પુરવઠા વિભાગના બોરવેલમાંથી પાંચ ગામોને પાણી પૂરું પાડવામાં આવતું હતું પરંતુ બોરવેલમાં કંઈ ફસાઈ જતા બોરવેલ કામ લાગતો નથી. ગ્રામજનોએ પાણી પુરવઠા વિભાગને આ અંગે ફરિયાદ પણ કરી છે છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. તંત્રને પાણી આપવામાં કોઈ રસ દેખાતો નથી. જ્યારે સરકાર વર્ષે કરોડો રૂપિયાના આયોજનથી પાણીની સમસ્યા દૂર કરવાની યોજનાઓ ઘડે છે છતાંય આ ગામડાઓ સુધી કોઈ વિકાસ પહોંચ્યો નથી.