ખેડામાં નરેન્દ્ર મોદીના પ્રચાર અભિયાનમાં જોડાયો ઇરફાન
ગુજરાતમાં 13મી ડિસેમ્બરે પ્રથમ ચરણનું વોટિંગ થવાનું છે અને તેના એક દિવસ પહેલાં ઇરફાન પઠાણે ખેડામાં મુખ્યમંત્રી મોદી સાથે મંચ શેર કર્યું હતું. ખેડામાં 17 ડિસેમ્બરે મતદાન થવાનું છે. પઠાણ વડોદરાનો છે અને હાલ તે ઇજાના કારણે ટીમ ઇન્ડિયામાંથી બહાર છે.
નરેન્દ્ર મોદીએ ખેડામાં જનમેદનીને સંબોધતી વખતે સિતારવાદક દિવંગત પંડિત રવિશંકરને શ્રદ્ધાજંલિ અર્પી હતી. આ સાથે જ તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે પૈસા ખર્ચીને કોંગ્રેસ ન્યુઝપેપર અને ટેલિવિઝનમાં સ્થાન મેળવી શકશે પરંતુ લોકોના હૃદયમાં તે સ્થાન મેળવી શકશે નહીં.
મોદી ગુજરાતમાં સતત ત્રીજી વખત સત્તા પર આવવા માટે ચૂંટણી અભિયાનમાં જોતરાયેલા છે, પરંતુ સામાજિક કાર્યકર્તા અને વિપક્ષ તેમના પર લઘુમતિ વિરોધી હોવાનો આરોપ લગાવી રહ્યાં છે, રાજ્યમાં 2002માં ભયાનક રમખાણો થયા હતા, એ રમખાણોમાં 1500 લોકો માર્યા ગયા હતા, જેમાં સૌથી વધારે મુસ્લિમો હતા. મોદીએ રમખાણો કરનારાઓ પ્રત્યે કુણું વલણ રાખવાનો આરોપ લગાવાઇ રહ્યો છે. ટીકાકારોના મતે મોદી ઇરફાન પઠાણને પોતાના મંચ પર લાવીને એવો સંદેશ આપવા માંગી રહ્યાં છે કે તે લઘુમતિઓની સાથે છે.