For Daily Alerts
ઇશરત કેસ : સુપ્રીમે પી પી પાંડેની અરજી ફગાવી
નવી દિલ્હી, 11 જૂન : સુપ્રીમ કોર્ટે મંગળવારે ગુજરાત પોલીસના એડિશનલ ડાયરેક્ટર જનરલ પી પી પાન્ડે દ્વારા કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. પાન્ડેએ વર્ષ 2004માં ઇશરત જહાં અને અન્ય 3ના નકલી એન્કાઉન્ટર કેસમાં પોતાની સામે બહાર પાડવામાં આવેલા એરેસ્ટ વોરન્ટને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી.
જસ્ટિસ જ્ઞાન સુધા મિશ્રાની અધ્યક્ષતાવાળી બેંચે જણાવ્યું કે "અરજદાર ભારતીય પોલીસ સેવાના ગુજરાત કેડરના પોલીસ અધિકારી છે. તેમણે સ્થાનિક કોર્ટે આપેલા આદેશને હાઇકોર્ટમાં પડકારવાને બદલે સીધો સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. આમ થઇ શકે નહીં."
પાન્ડેએ વોરન્ટને પડકારવા ઉપરાંત ઇશરત જહાં કેસની તપાસ સીબીઆઇને સોંપવામાં આવી ત્યાર બાદ ગુજરાત હાઇકોર્ટના નિર્દેશ અનુસાર ફાઇલ કરવામાં આવેલી બીજી એફઆઇઆર અંગેની વિગતો પણ માંગી હતી.
અમદાવાદના મેજિસ્ટ્રેટે 2 મે, 2013ના રોજ પાન્ડે સામે બિનજામીનપાત્ર વોરન્ટ આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે 15 જૂન, 2004ના રોજ અમદાવાદ પાસે ગુજરાત પોલીસે કરેલા નકલી એન્કાઉન્ટરમાં મુંબઇની કોલેજ વિદ્યાર્થીની ઇશરત જહાં, પ્રણેશ ગોપીનાથ પિલ્લઇ, અમજદ અલી અને જિશન જોહરને ઠાર કરવામાં આવ્યા હતા.