માનવ પર હુમલો કરનાર દીપડા માટે ગીરમાં બનાવવામાં આવી જેલ
ગુજરાતમાં દીપડાના હુમલો કરવાની ઘટના વધી ગઈ છે તાજેતરમાં જ ગીર સોમનાથના પીજીવીસીએલના સંકુલમાં દીપડાએ દેખા દીધી હતી. જેને પાંજરે પૂરવામાં આવ્યો હતો. દીપડાના માનવોના હુમલા પરને જોતા ગીરના દેવળિયા ખાતે દીપડાઓની જેલ બનાવવામાં આવી છે જેમાં માનવભક્ષી દીપડાને કેદ કરવામાં આવે છે.
નોંધનીય છે કે દીપડો માનવભક્ષી બન્યા બાદ પકડાય ત્યારે વન વિભાગ આ દીપડાને રેસ્ક્યુ સેન્ટરમાં લઇ જઇ પાંજરામાં પૂરી દઈ રેસ્ક્યુ સેન્ટરનાં ડોક્ટર દ્વારા દીપડાના સ્વભાવનો અભ્યાસ થાય છે. ત્યારબાદ તેની પૂંછડી પર એક ચિપ લગાવે છે. થોડા દિવસો બાદ દીપડાને જંગલમાં મુક્ત કરી દેવામાં આવે છે. આ દીપડાનું મોનિટરિંગ કરવામાં આવે છે. ત્રણ વખત કે તેથી વધુ એકજ દીપડો માનવ પર હુમલો કરતો ઝડપાઇ ત્યારે આ દીપડાને સાસણ ના દેવળીયા ખાતે બનાવવામાં આવેલી દીપડાની જેલમાં આજીવન કેદ કરવામાં આવે છે. આ જેલની ચારે બાજુ ત્રીસ થી ચાલીસ ફૂટ ઊંચી દિવાલ બાંધવામાં આવી છે.
સૌરાષ્ટ્રમાં આવેલું ગીરનું જંગલ તેની અનેક વિવિધતાને કારણે વિશ્વવિખ્યાત છે. ગીર જંગલમાં અનેક પ્રકારના પ્રાણીઓનો વસવાટ છે. સિંહ, દીપડા, ઝરખ, શિયાળ જેવા શિકારી પ્રાણીઓની સાથે સાબર, હરણ,નીલગાય,સહિતનાં તૃણાહારી પ્રાણીઓ પણ વસવાટ કરે છે. આ દરેક પ્રાણીઓમાં દીપડો અતિ લુચ્ચું, હિંસક તેમજ છુપાઈને રહેનારૂ નિશાચર પ્રાણી છે.અને ઘણી વાર માનવ ભક્ષી બની જતા હોય છે.દીપડાની કોઈ ટેરેટરી નથી. ગમે તેવા વાતાવરણ સાથે તે અનુકૂલન સાધી લે છે. શિકાર ના મળ્યો હોય તો ગમે તેટલો વાસી ખોરાક પણ ખાઈ લે છે.પક્ષીઓ નો પણ શિકાર કરી લે છે.પોતાના બચ્ચાંના રક્ષણ હેતુ ગમે ત્યારે માનવ પર હુમલો કરી બેસે છે. ખાસ કરીને ખેતરમાં રમતા નાનાં બાળકો અને વૃદ્ધાઓ દીપડાના શિકારનો ભોગ બને છે.
જ્યારે વન અધિકારીઓના કહેવા મુજબ દીપડો ડરપોક પ્રાણી હોવાના કારણે પોતાના સ્વબચાવ માં મનુષ્યો પર હુમલો કરતો હોય છે. જોકે દીપડા માનવભક્ષી હોતા નથી નહીં તો જંગલ વિસ્તારમાં વસતા વનકર્મીઓ અને પર્યટકો ઉપર પણ હુમલો કરી શકે પરંતુ તેવું ભાગ્યેજ બને છે. પણ રેવન્યુ વિસ્તારના લોકો દીપડાના વર્તનથી અજાણ હોવાના કારણે દીપડો હમલો કરતો હોય છે.દીપડો એ બિલાડી કૂળનું 2 થી 3 ફૂટની ઉંચાઈ ધરાવતું તેમજ 4 થી 5 ફૂટની લંબાઈ ધરાવતું હિંસક પ્રાણી છે. દીપડાની સરેરાશ આયુષ્ય 5 થી 7 વર્ષની હોય છે. તેમજ સવા બે વર્ષે દીપડો પુખ્ત બને છે. આ પ્રાણી મોટેભાગે રાત્રી દરમિયાન જ શિકારની શોધમાં નીકળે છે. વહેલી સવારે અથવાતો સમી સાંજે પણ લપાઈ છુપાઈ ને શિકાર માટે નીકળી પડે છે.
દીપડો ઝાડ પર ચડી શકવાની પણ કુશળતા ધરાવે છે. દીપડો મોટાભાગે નાના હરણ, વાંદરા, કૂતરા અને નાના વાછરડાં નો શિકાર કરે છે. શિકારની શોધમાં અવાર નવાર ગીર બોર્ડરના ગામોમાં ચડી આવે છે.પોતે બચાવની પરિસ્થિતિમાં મુકાય ત્યારે માનવ પર હુમલો કરવામાં ક્ષણનો પણ વિલંબ કરતો નથી. માનવ લોહી ચાખી ગયા બાદ દીપડો માનવભક્ષી બની જાય છે.