જિજ્ઞેશ મેવાણી નીકળ્યા આવેદનપત્ર આપવા, પોલીસ સાથે થયું ઘર્ષણ
બનાસકાંઠના વડગામથી અપક્ષ તરીકે ચૂંટણીમાં ઝળહળતો વિજય મેળવનાર જિજ્ઞેશ મેવાણીએ આજે ક્લેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ આવેદન વડગામના ખરાબ રોડ રસ્તા અંગે હતું. તેમણે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે જનતા વર્ષોથી ખરાબ રોડ રસ્તા અને માળખાગત સુવિધાના પ્રશ્ને અભાવભરી પરિસ્થિતિનો સામનો કરી રહી છે. ત્યારે જિજ્ઞેશ મેવાણીએ હવે વડગામના વિકાસનો મુદ્દો હાથમાં લીધો છે.
જોકે જ્યારે જિજ્ઞેશ મેવાણી આવેદન પત્ર આપવા જઈ રહ્યા હતા ત્યારે પોલીસ અને મેવાણીના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું. લાંબા ઘર્ષણ બાદ જિજ્ઞેશ મેવાણીને તેમના 8-9 સમર્થકો સાથે કલેક્ટર ઓફિસમાં જવા દેવામાં આવ્યા હતા અને આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. જો કે મેવાણીએ જીત્યાના બીજા જ દિવસે શપથવિધી કર્યા વિના જ કામ કરવાની શરૂઆત કરી દીધી હતી. જે સરાહનીય છે. વધુમાં જિજ્ઞેશ મેવાણીએ સરકાર સામે મોરચો માંડવાની શરૂઆત કરી છે તે ચર્ચાનો વિષય બન્યો છે.