ગુજરાત સમેત ભારત ભરમાં પદ્માવત ફિલ્મનો થયો વિરોધ
25મી જાન્યુઆરીના રોજ સંજય લીલા ભણસાળીની ફિલ્મ પદ્માવત રીલીઝ થશે. પણ તે પહેલા જ કરણી સેના દ્વારા ગુજરાત સમેત ભારતભરમાં ઠેર ઠેર જોરદાર વિરોધ પ્રદર્શન કરીને નિર્દેશકોની મુશ્કેલીઓ વધારી દીધી છે. વધુમાં કરણી સેનાએ 25મી જાન્યુઆરીએ વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. જોના પગલે ગુજરાતના અનેક થિયેટરો આ ફિલ્મને ના લગાવા અંગે વિચારી રહ્યા છે. નોંધનીય છે કે ગુજરાતમાં કોઇ ફિલ્મનો આટલા મોટા પ્રમાણમાં વિરોધ થયો હોય તેવી આ પહેલી ઘટના છે. બીજી તરફ સરકાર પ્રદર્શનકારીઓને શાંત રહેવાની અપીલ કરી છે. તેમ છતાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અનેક સ્થળે ભરેલા અગ્નિ જેવી સ્થિતિ છે. વધુમાં સૌરાષ્ટ્રના સાધુ સમાજે પણ પદ્માવતના વિરોધને સમર્થન આપતા પોતાનો ટેકો જાહેર કર્યો છે.
આ મામલે ગુજરાતમાં 6થી વધુ બસો સળગાવતા શનિવારથી મોટી સંખ્યામાં એસ.ટી. બસોની અવર જવર બંધ કરી દેવામાં આવી છે. જો કે પદ્માવત ફિલ્મ રીલિઝના દિવસે થિયેયરને પોલીસ સુરક્ષા આપવાની વાત પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે. જો કે ખાલી ગુજરાતમાં જ નહીં પણ દિલ્હી, નોયડામાં પણ કરણી સેના દ્વારા મોલની તોડફોડ અને વિરોધની ઘટનાઓ સામે આવી છે. કુરુક્ષેત્ર, લખનઉમાં કરણી સેનાના કાર્યકર્તાઓ ફિલ્મનો વિરોધ કર્યો છે. રવિવારે પણ ગુરુગ્રામના ડીએનડી બ્લોકમાં કરણી સેનાના પ્રદર્શન પછી 200થી વધુ લોકો સાથે ફરિયાદ નોંધવામાં આવી હતી. ગુજરાતમાં પણ રાજહંસ જેવા મોલ પર તોડફોડ પછી ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે હાલ જ્યારે આ ફિલ્મની રિલિઝને બે દિવસની જ વાર છે ત્યારે ઠેર ઠેર થઇ રહેલા આ વિરોધના પગલે સામાન્ય જનજીવન ખોરવાયું છે.