
કચ્છી માંડુઓનુ નવ વર્ષ અષાઢી બીજે થયુ શરૂ, હર્ષભેર કરવામાં આવી ઉજવણી
કચ્છઃ ભારતીય શાસ્ત્રોમાં જેનો ઉલ્લેખ જોવા મળે છે એ મેરુ અને મેરામણના પ્રદેશ પ્રાચીન કચ્છના નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે. અષાઢી બીજ એ કચ્છી માંડુઓ માટે નવુ વર્ષ છે. કચ્છમાં નવા વર્ષની ઉજવણી થઈ રહી છે. લોકો એકબીજાને શુભેચ્છા આપી કચ્છના નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. છેલ્લા 900 કરતા પણ વધુ સમયથી અષાઢી બીજના દિવસે કચ્છમાં નવુ વર્ષ મનાવવામાં આવે છે. કચ્છમાં વિક્રમ સંવતની શરૂઆત અષાઢી બીજથી થાય છે.

કચ્છની સૂકી ધરતી પર વરસાદનુ ખૂબ જ મહત્વ છે. તેથી ત્યાંના લોકો ચોમાસાની શરૂઆતમાં જ સારા વરસાદની આશા સાથે નવા વર્ષની ઉજવણી કરે છે. અષાઢી બીજના દિવસથી કચ્છી નવા વર્ષનો પ્રારંભ થતા કચ્છી માંડુઓએ એકબીજાને શુભેચ્છા પાઠવી ઉજવણી કરી હતી. રણ, દરિયો અને ડુંગરનો પ્રદેશ જૂના જાહોજલાલીવાળા સમયમાંથી હવે વિકાસની સાથે આગળ વધી રહ્યો છે ત્યારે નવુ વર્ષ પણ સુખમય અને આરોગ્યપ્રદ અને વિકાસશીલ બની રહે તેવી પ્રાર્થના કરાય છે.
ભાજપના આગેવાન દિલીપભાઈ ત્રિવેદીએ જણાવ્યુ કે, 'કચ્છી નવુ વર્ષ એટલે કે શાસ્ત્રો મુજબ અષાઢી બીજને વર્ષોથી કચ્છના નવા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. જેમ હિંદુ પર્વમાં દિવાળી પછી પડવાને નવા વર્ષ તરીકે ઉજવીએ તેમ રાજાશાહીના સમયથી અષાઢી બીજને નવા વર્ષ તરીકે ઉજવવાની પરંપરા વર્ષોથી ચાલતી આવે છે. એનો હેતુ એ છે કે સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત અષાઢ મહિનાથી થતી હોય છે. એ જ રીતે કચ્છના લોકો શુકન તરીકે અષાઢી બીજ એટલે કે અસાંજી બી જો વરસે તો સમગ્ર વર્ષનો વરતારો ખૂબ સારો જાય એ પ્રમાણે આ અષાઢી બીજનુ મહત્વ છે.'