'લવ જેહાદ' પર કાયદો લાવી રહી છે ગુજરાત સરકાર, CM રૂપાણીએ કહ્યુ - આગામી વિધાનસભા સત્રમાં જ બનશે
Law against love jihad in gujarat, વડોદરાઃ ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઘોષણા કરી છે કે લવ જેહાદ મામલા માટે કડક કાયદો બનશે. મુખ્યમંત્રીનુ કહેવુ છે કે આગામી વિધાનસભા સત્રમાં આનો પ્રસ્તાવ લાવવામાં આવશે. તેમણે કહ્યુ કે મહિલાઓની સુરક્ષાનો ધ્યાનમાં રાખીને કડક કાયદાની તૈયારી કરવામાં આવી છે. આગામી સત્ર દરમિયાન આના પર કાયદો બનાવવામાં આવશે. રાજ્યનુ આગામી બજેટ એક માર્ચથી શરૂ થશે.

ત્રીજુ આવુ રાજ્ય હશે ગુજરાત
વડોદરામાં ચૂંટણી સભાને સંબોધિત કરતા સીએમ રૂપાણીએ કહ્યુ કે, 'જે રીતે યુવતીઓને ફોસલાવીને શિકાર બનાવવામાં આવે છે, તે લાંબા સમય સુધી નહિ ચાલે.' તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાનીમાં જ સરકાર આતંકવાદ, ભ્રષ્ટાચાર, સંગઠિત ગુના, લાંચ તથા ગેરકાયદે રીતે સરકાર તેમજ લોકોની ભૂમિ પચાવી પાડવાના વિરોધમાં કાયદા લાવી ચૂકી છે. આ ક્રમમાં હવે મુખ્યમંત્રીએ ફોસલાવીને કે ધમકી આપીને લગ્ન કરીને ધર્મ પરિવર્તન કરવા સામે કાયદાની તૈયારી કરી છે.

બજેટ સત્ર 1 માર્ચથી શરૂ થશે
ભાજપના ઉચ્ચ અધિકારીઓ તરફથી જણાવવામાં આવ્યુ છે કે ગુજરાત વિધાનસભાનુ આગામી બજેટ સત્ર એક માર્ચથી શરૂ થશે. ત્યારબાદ 2 માર્ચથી ઉપમુખ્યમંત્રી તેમજ નાણામંત્રી નિતિન પટેલ બજેટ રજૂ કરી શકે છે. આ સત્રમાં સરકાર લવ જેહાદ સામે કાયદો લાવવા જઈ રહી છે. જણાવવામાં આવી રહ્યુ છે કે ગૃહ વિભાગના ઉપરી અધિકારી લવ જેહાદ કાયદાની રૂપરેખા બનાવવાની તૈયારી કરી રહ્યા છે. આ રીતે થોડા દિવસોમાં જ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ બાદ લવ જેહાદ સામે કાયદો બનાવનાર રાજ્યમાં ગુજરાત પણ શામેલ થઈ જશે.

સૌથી પહેલા યુપીમાં આવ્યો હતો આવો કાયદો
લવ જેહાદ પર સૌથી પહેલા યુપીમાં કાયદો લાવવામાં આવ્યો. ગઈ 27 નવેમ્બરે કાયદો લાગુ થયાના એક મહિના બાદ બરેલીમાં ધરપકડ થઈ. ત્યારબાદ તો આખા રાજયમાં કેસ નોંધાવા લાગ્યા. એટા, ગ્રેટર નોઈડા, સીતાપુર, શાહજહાંપુર અને આઝમગઢ જેવા ઘણા જિલ્લાઓમાં પોલિસ પ્રશાસને કાર્યવાહી કરી. વળી, યુપીની રાજધાની લખનઉમાં પણ આંતરધાર્મિક લગ્ન અટકાવવા સુધીના સમાચાર આવ્યા. આ કાયદા હેઠલ ડિસેમ્બરના અંત સુધી ત્યાં 35 લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. કેસ અદાલતમાં પહોંચી ગયા.