Magfali Godown aag : થાનગઢ મગફળી ગોડાઉન આગ મુદ્દે ખેડૂત નેતા પાલ આંબલિયાના તીખા સવાલ, જાણો શું કહ્યું?
Magfali Godown aag : થાનગઢમાં મગફળી ગોડાઉનમાં આગ લાગવાની ઘટનાએ ઘણા કૌભાંડો તરફ ઈશારો કર્યો છે. આ ઘટનાને લઇ કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા છે.
પાલ આંબલિયાએ જણાવ્યું કે, ગુજરાતમાં મગફળી ગોડાઉનમાં આગ લાગવી હવે સામાન્ય ઘટના બની ગઈ છે. ભૂતકાળમાં પણ આવી અનેક ઘટનાઓ બની છે, પણ કોઈ સખત કાર્યવાહી નથી કરાઈ.

પાલ આંબલિયાએ આ ઘટનાને સીધો ભ્રષ્ટાચાર સાથે જોડતા આરોપ મૂક્યા અને કહ્યું કે, ભ્રષ્ટાચાર છુપાવવા માટે સરકારના મળતીયાઓ જ આગ લગાવે છે. ભાજપના આગેવાનો ગોટાળો કરે, ગોડાઉનમાં આગ લગાવે અને ત્યાર બાદ તપાસ સમિતિ નિમાય અને નિર્દોષ જાહેર થાય, આ એક નક્કી થયેલો ગેમ પ્લાન છે.
પાલ આંબલિયાએ વધુમાં જણાવ્યું કે, શું કારણ છે કે ક્યારેય એફસીઆઈના ગોડાઉનમાં આગ લાગતી નથી? માત્ર મગફળીના ગોડાઉન જ શા માટે બળે? તેમણે વધુમાં આરોપ મૂક્યો કે, જો અગાઉ મગફળી ગોડાઉનમાં લાગેલી આગમાં કડક કાર્યવાહી કરાઈ હોત તો આજે આ ઘટના ન બની હોત.
પાલ આંબલિયાએ અગાઉની ઘટનાઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, ગોંડલમાં એક ગોડાઉનમાં આગ લાગી હતી, જેનો સોર્ટ સર્કિટના નામે રિપોર્ટ આપવામાં આવ્યો હતો, પરંતુ તે ગોડાઉનમાં PGVCL નું કોઈ કનેક્શન જ ન હતું. આ ઘટનાથી પણ સાબિત થાય છે કે આવી આગ કૌભાંડ છુપાવવા માટે જ લગાવવામાં આવે છે.
આંબલિયાએ પ્રશ્ન ઉઠાવ્યો કે, થાન ગોડાઉનમાં મગફળી કઈ સહકારી મંડળીની આવી હતી? એના માલિક કયા પક્ષ સાથે જોડાયેલા છે? ગોડાઉનમાં કઈ કઈ મંડળીમાંથી કેટલો જથ્થો આવ્યો હતો અને ગોડાઉનના માલિક કોણ છે? ગોડાઉનમાં મગફળી આવી ત્યારે તેની ચકાસણી કોણે કરી? શું યોગ્ય રજીસ્ટર રાખવામાં આવ્યું હતું?
આગ લાગ્યા બાદ મગફળીનો કેટલો જથ્થો બળી ગયો અને કેટલો બચ્યો છે તે અંગે પણ આંબલિયાએ પ્રશ્ન ઉઠાવ્યો. તેમણે જણાવ્યું કે, જો બચેલા જથ્થો બાકી હોય તો તેની ગુણવત્તાની ચકાસણી સરકાર કરશે?
પાલભાઈ આંબલિયાએ જણાવ્યું કે, જો સરકાર ખરેખર દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માંગતી હોય તો તાત્કાલિક એક તપાસ સમિતિ નિમવી જોઈએ. તપાસ સમિતિમાં બે સત્તાપક્ષના, બે વિરોધપક્ષના, બે નિવૃત અધિકારીઓ અને બે ખેડૂત આગેવાનોને સામેલ કરીને એક ન્યાયસંગત સમિતિ બનાવવી જોઈએ.
આ બનાવને લઈને ખેડૂતોએ પણ નારાજગી વ્યક્ત કરી છે અને સરકાર પાસે તાત્કાલિક તપાસની માંગ ઉઠાવી છે. હવે જોવાનું એ રહેશે કે, આ ઘટનાને પગલે સરકાર શું પગલાં ભરે છે અને આ કેસની સંજોગોમાં સત્ય સામે આવે છે કે કેમ.












Click it and Unblock the Notifications
