
બનાસકાંઠામાં કોરોના સંક્રમણ અટકાવવા ફરજીયાત માસ્કનું ફરમાન
નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ને વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન ધ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. જે બાબતે કેન્દ્ર અને ગુજરાત સરકાર ધ્વારા સમાંયતરે નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને બનાસકાંઠા જિલ્લામાં કોવિડ-૧૯ના સંક્રમણને અટકાવવા તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવરજવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાય૨સને વધુ ફેલાતો અટકાવવા જાહેર હિતમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.
જિલ્લા કલેક્ટરે બનાસકાંઠા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવરજવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા જાહેર જગ્યાએ હોય ત્યારે કામના સ્થળોએ ફરજિયાત પણ માસ્ક પહેરવું જોઈશે અથવા હાથરૂમાલ કે મોંઢા અને નાકની ફરતે યોગ્ય રીતે બાંધેલા કાપડથી મોઢું અને નાક ઢાંકી રાખવાનું રહેશે. આ હુકમ તા.૧૫ જૂનથી ૩૦ જૂન સુધી અમલમાં રહેશે.
બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકના દરજજાથી હેડ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને, જિલ્લામાં ફરજ ઉપરના હાજર એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ, નગરપાલિકાના અધિકારીઓને, આરોગ્ય ખાતાના અધિકારીઓને, પંચાયત ખાતાના વર્ગ-૩ તથા તે ઉપરના કર્મચારી/ અધિકારીઓને અધિકૃત કરવામાં આવે છે. આ જાહેરનામાના ભંગ કરનાર ઈસમો સામે આ હુકમનો ભંગ થયે રૂા.૧૦૦૦નો દંડ વસુલ કરવામાં આવશે. સ્થળ ઉપર આ દંડ ભરવામાં ચુક થયે ભારતીય દંડ સંહિતા સને ૧૮૬૦ ની ક. ૧૮૮ તથા ધી ગુજરાત એપિડેમિક ડીસીઝ એકટ-૧૮૯૭ની જોગવાઈ હેઠળ શિક્ષાને પાત્ર થશે.