
Mass promotion: 1થી 8 ધોરણ સુધીના 51 લાખથી વધુ બાળકોને કરવામાં આવ્યા પ્રમોટ
ગાંધીનગરઃ કોરોના કાળમાં અટકી ગયેલ શૈક્ષણિક સત્ર પ્રભાવિત ન થાય તે માટે ગુજરાત સરકારે એક મોટી ઘોષણા કરી છે. સરકારે પહેલાથી આઠમાં ધોરણ સુધીના બાળકોને પરીક્ષા આપ્યા વિના જ પાસ કરવાનો નિર્ણય કર્યો છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ખુદ સોશિયલ મીડિયા પર આની ઘોષણા કરી છે.
તમને જણાવી દઈએ કે ગુજરાતમાં પહેલાથી આઠમાં ધોરણ સુધી 51.25 લાખ વિદ્યાર્થી રજિસ્ટર્ડ છે. હવે આ બધા વિદ્યાર્થીઓ પાસ થઈ જશે અને પોતાના આગલા ધોરણમાં જઈ શકશે. આ વિશે શિક્ષણ વિભાગના અધિકારીઓએ જણાવ્યુ કે 2020માં કોરોના ફેલાવા ઉપરાંત વર્ષ 2021-22માં પણ મોટાભાગનો સમય ઑફલાઈન સ્કૂલો બંધ રહી. એવામાં બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પહેલાથી 8માં ધોરણના બાળકોને માર્ક્સ, ગ્રેડ પર ધ્યાન આપ્યા વિના માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય હેઠળ અહીં લગભગ 51.25 લાખ બાળકોને પ્રમોટ કરવામાં આવશે.
આ પહેલા ગુજરાત સરકારે વર્ષ 2019માં નિયમોમાં ફેરફાર કરીને પહેલાથી આઠમાં ધોરણ સુધીના બાળકોને પાસ કરવાના બદલે તેમના પરિણામના આધારે આગળના ધોરણમાં પ્રમોશન આપવાનો નિર્ણય લીધો હતો. જો કે, બાદમાં 2020 કોરોના મહામારી ફેલાવા લાગી. જેના કારણે 2 વર્ષ સુધી સતત માસ પ્રમોશન આપવામાં આવ્યા. આ વર્ષે પણ બધા ધોરણની પરીક્ષાઓ પૂરી થઈ ગઈ છે પરંતુ મોટાભાગનો અભ્યાસ ઑનલાઈન થવાના કારણે સરકારે આ નિર્ણય લીધો છે કે કોઈ બાળક નાપાસ નહિ થાય.