વિદ્યાર્થીઓ છે રોષમાં કારણ-પી.જી મેડીકલના પ્રવેશ નિયમો
પી.જી મેડિલકના પ્રવેશ નિયમો અંગે રાજ્ય સરકારે એક જાહેરાત કરી છે. જે મુજબ પી.જી. ડિગ્રીની 25 ટકા બેઠકો ઈન સર્વિસ ડોક્ટરો માટે અનામત રાખવા આવશે. આ જાહેરાત બાદ જ મેડિકલના વિદ્યાર્થી ઓ આ વાતનો વિરોધ કરી રહ્યા છે. નોંધનીય છે કે એમસીઆઈના નિયમ મુજબ પી.જી. ડિપ્લોમાની સીટો પર 50 ટકા સીટો ઈન સર્વિસ ડોક્ટરોને આપવામાં આવે છે.પરંતુ એમસીઆઈ દ્રારા પી.જી.ડિગ્રીની સીટો પર ઈન સર્વિસ ડોક્ટરો માટે અનામત રાખવાની કોઈ જોગવાઈ નથી. ઉલ્લેખનીય છે કે પી.જી.ની કુલ બેઠકો માંથી 50 ટકા સીટો ઓલ ઈન્ડીયા ક્વોટામાં જતી રહે છે. ત્યારે વિદ્યાર્થીઓનો વિરોધ તે વાત પર છે કે બાકીની 50 સીટોમાંથી પણ જો તમે 25 ટકા સીટો ઈન સર્વિસ ડોક્ટરો માટે અનામત રાખો તો તેમને ક્યાં જવું.
વળી તેમાં પણ એસટી-ઓબીસી બાદ જનરલ સીટો ખાલી 10 ટકા જ બાકી રહે છે. જે અંગે આજે બી.જે. મેડીકલ કોલેજ ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ સુત્રોચ્ચાર કરીને સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. ત્યારે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની માંગ છે કે કોમન કાઉન્સેલીંગમાં સરકાર વિદ્યાર્થીઓને યુનિવર્સિટીનો પ્રેફરેન્સ આપે. વધુમાં ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે સરકારે હાઈકોર્ટના ચુકાદાની ઉપરવટ જઈને યુનિવર્સિટીના પ્રેફરેન્સને હટાવી દીધો છે. ત્યારે આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓ આ મામલે ફરી એક વાર હાઇકોર્ટનો દરવાજો ખખડવાશે તેવું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું.