For Quick Alerts
For Daily Alerts
આજે અમદાવાદમાં એક જ મંચ પર દેખાશે નરેન્દ્ર મોદી અને અડવાણી
અમદાવાદ, 16 ઓક્ટોબર: ગયા મહીને ભોપાલમાં સાર્વજનિકરીતે મંચ પર આવ્યા બાદ બીજેપીના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી અને પાર્ટીના વડાપ્રધાન પદના દાવેદાર નરેન્દ્ર મોદી બુધવારે અત્રે અમદાવાદ ખાતે એક કાર્યક્રમમાં એક સાથે મંચ પર દેખાશે.
અડવાણી અને મોદી સાબરમતી નદીના કિનારે અમદાવાદ નગર નિગમ(એએમસી)એ બનાવેલા ઉદ્યાનોનું ઉદઘાટન સંયુક્તરીતે કરશે. રિવર ફ્રંટ પરિયોજના અંતર્ગત આ ઉદ્યાન બનાવવામાં આવેલા છે.
એએમસીના ઇનવિટેશન કાર્ડમાં જણાવવામાં આવ્યું છે કે મોદીની હાજરીમાં અડવાણી આ ઉદ્યાનોને જનતા માટે ખુલ્લુ મૂકશે. આ કાર્યક્રમ એટલા માટે પણ મહત્વનો છે કારણ કે ગાંધીનગર બેઠકથી સાંસદ અડવાણી 2011 બાદ પહેલીવાર ગુજરાતમાં કોઇ સાર્વજનિક સમારંભમાં હાજરી આપશે.
મોદીને બીજેપીની ચૂંટણી પ્રચાર સમિતિના પ્રમુખ બનાવાયાના વિરોધમાં અડવાણીએ આ વર્ષે જૂનમાં બધા જ હોદ્દાઓ પરથી રાજીનામુ આપી દીધું હતું. જોકે બાદમાં તેમણે પોતાનું રાજીનામું પાછું ખેંચી લીધું હતું. છેલ્લે 25 સપ્ટેમ્બરના રોજ અડવાણી અને મોદી ભોપાલમાં એક મંચ પર દેખાયા હતા.