ટીચીંગનો યુગ પૂરો થઇ ગયો છે, હવે યુગ છે લર્નિંગનો...
ગાંધીનગર, 5 સપ્ટેમ્બર : આજે 5મી સપ્ટેમ્બર એટલે ડૉ. રાધાકૃષ્ણ સર્વોપલ્લીનો જન્મદિવસ. જેને આપણો દેશ શિક્ષક દિવસ તરીકે ઉજવે છે. આજના દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકારે શિક્ષણમાં પણ વિવિધક્ષેત્રોમાં ઉત્તમ કાર્યપ્રદાન કરવા બદલ શિક્ષકોને પુરસ્કૃત કર્યા. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાં, શિક્ષણ રાજ્યમંત્રી વસુબેન ત્રિવેદી અને રાજ્યપાલ કમલા બેનિવાલની ઉપસ્થિતિમાં શિક્ષકોને સમ્માનિત કરવામાં આવ્યા હતા.
ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, શિક્ષણમંત્રી
ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પોતાના વક્તવ્યમાં શિક્ષણને પોતાના જીવતમાં ઉતારવાની નેમ અપવવા જણાવ્યું હતું, તેમણે જણાવ્યું કે દરેક માતાપિતાએ પોતાના બાળકોને યોગ્ય શિક્ષણ સાથે યોગ્ય સંસ્કાર પણ આપવા આહ્વાન કર્યું હતું, જેના થકી એક સારા રાષ્ટ્રનું નિર્માણ થઇ શકશે.
નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી
નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે શિક્ષકો અને વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું કે શિક્ષણ પ્રેમીઓ, વ્હાલા નાગરીકો, જેમનું સમ્માન થયું છે તે સૌ વ્હાલા શિક્ષકો. આ દેશના એક રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણ સર્વોપલ્લીના જન્મદિવસને આપણે શિક્ષક દિવસ તરીકે ઉજવીએ છીએ. આ દેશના પ્રધાનમંત્રીઓ, રાષ્ટ્રપતિઓ.. ખૂબ લાંબી શૃંખલા છે, અનેકોએ આ હોદ્દાઓ જવાબદારીઓ નિભાવી છે. તેમાંથી કેટલાંક લોકોએ તો ખૂબ સારી જવાબદારીઓ અદા કરી છે. તેમાંથી એક છે ડૉ. રાધાકૃષ્ણ સર્વોપલ્લી. તેમણે શું કામ કર્યું, તેમણે કઇ ફાઇલ પર સિગ્નેચર કરી, તે આજે કોઇને યાદ નહીં હોય પરંતુ, તેઓ પોતાને રાષ્ટ્રપતિ કરતા શિક્ષક ગણાવવાનું વધારે પસંદ કરતા હતા જે તેમની મહાનતા હતી.
એવોર્ડ તો પહેલા પણ શિક્ષકોને મળતા હતા. નાના નાના કાર્યક્રમોમાં, કોઇ નાના હોલમાં પુરસ્કાર અપાઇ જતા હતા અને વાત પતી જતી હતી. અમે વિચાર્યું કે શિક્ષકોને સમ્માન વધુ સારી રીતે મળવું જોઇએ. મેં કોઇ કાર્યક્રમ છોડ્યો નથી. દરેક કાર્યક્રમમાં આવ્યો છું અને તેના માટે હું ગૌરવ અનુભવું છું. મારા મનમાં એક વિચાર ચાલી રહ્યો છે, અત્યારે આપણે રાજ્યકક્ષાએ શિક્ષકોને પુરસ્કાર આપીએ છીએ તેમાં વ્યાપ વધારીએ, રાશિની કિંમત પણ વધારીએ. અત્રે નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકાર પર આડકતરી રીતે કટાક્ષ કરતા જણાવ્યું કે પુરસ્કાર રાશિમાં વધારો કરવો પડે તેમ છે શું કરીએ રૂપિયો આઇસીયુમાં પડ્યો છે.
મિત્રો જે શિક્ષકો પિરસ્યા જ કરે પિરસ્યા જ કરે, અને તેના મનમાં સતત હોય કે બાળકો સામે કંઇક નવું લઇને જવું તે શિક્ષક ઉત્તમ શિક્ષક હોય છે. અને આજે તો વિદ્યાર્થીઓ અપડેટ રહે છે, શિક્ષકો ત્યારે જ વિદ્યાર્થીને કસોટીમાં પાર પાડી શકે જ્યારે તેની અંદર વિદ્યાર્થી જીવતો હોય. શીખવા માટેની કોઇ ઉંમર જ નથી હોતી મિત્રો. કે.કા. શાસ્ત્રીએ 250 જેટલા ગ્રંથો લખ્યા હતા, 80 વર્ષની ઉંમરે તેઓ સાયકલ ચલાવતા હતા. મેં તેમને એક વખત કહ્યું હતું બસ હવે દાદા હવે રહેવા દો ક્યાં સુધી કર્યા કરશો? એ વખતે તેમની ઉંમર 90 વર્ષની હતી, તેમણે જણાવ્યું કે હજી તો મારે કમ્પ્યુટર શીખવાનું બાકી છે. મિત્રો કેટલી તાલાવેલી? શિક્ષક એને કહેવાય જે જીવન પર્યંત શિખ્યા જ કરે.
આજકાલ માતાપિતા વ્યસ્ત થઇ ગયા છે અને શિક્ષકોની જવાબદારી વધી છે. સમયની માંગ છે ટીચીંગનો યુગ પૂરો થઇ ગયો છે, હવે યુગ છે લર્નિંગનો... બાળકને લર્નિંગની આદત કેવી રીતે પાડવી તેનું ઉદાહરણ આપતા મોદીએ જણાવ્યું કે અમારા શિક્ષક અમને એવું ન્હોતા શિખવતા કે આને ચણા કહેવાય, આને મગ અને આને ચોખા.. તેઓ અમને દરેકને કહેતા કે કાલે તારે પાંચ દાણા ચોખા, તારે પાંચ દાણા મગ અને તારે પાંચ દાણા ચણા લાવવાના છે, એટલે પેલું બાળક આખા રસ્તામાં યાદ કરતું જશે મારે કાલે ચણા લઇ જવાના છે... ટીચીંગ કરતા લર્નિંગની તાકાત વધારે હોય છે. આપણે ભલે માનતા કે હું શિક્ષક છું કે હું ગુરુ છું, પરંતુ આવનારા સમયમાં બધાનો ગુરુ ગુગલ છે. દરેક લોકો હવે ગુગલને પૂછવા જાય છે. અને શિક્ષકે હવે ગુગલ સમાન બનવાની જરૂર છે. જીવન જીવવાની કળા શિક્ષણ આપે છે. ગુજરાતભરના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દોઢ કરોડ જેટલા લોકો ટેકનોલોજીના માધ્યમથી આ કાર્યક્રમ નિહાળી રહ્યા છે તેમને પણ હું વંદન કરું છું.
કમલા બેનિવાલ, રાજ્યપાલ
રાજ્યપાલ કમલા બેનિવાલે આ પ્રસંગે જણાવ્યું કે આપણા પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણ સર્વોપલ્લીના જન્મદિવસે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેઓ એક રાષ્ટ્રપતિ હોવાની સાથે સાથે સારા અને કુશળ શિક્ષક હતા. અને તેઓ પોતાને શિક્ષક જ ગણાવતા હતા. પહેલાની શિક્ષણ વ્યવસ્થા કરતા હાલની શિક્ષણ વ્યવસ્થામાં હવે ઘણો સુધાર છે જેને ધ્યાનમાં રાખીને આપણે જીવનમાં શિક્ષણને મહત્વ આપવું જોઇએ.
આ કાર્યક્રમને જુઓ વીડિયોમાં...