ગાંધીનગર, 16 જૂનઃ ગુજરાતમાં વિધિવત ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં મેઘાએ ધમાકેદાર એન્ટ્રી કરતા આખો જિલ્લો જળબંબોળ થઇ ગયો છે. જૂનાગઢમાં જાણે કે આભ ફાટ્યું હોય તેમ કોડીનારમાં 16 ઇંચ, મેંદરડામાં 10 ઇંચ, તાલાલા અને જૂનાગઢમાં 8 ઇંચ અને ઉનામાં 6 ઇંચ વરસાદ પડતાં સર્વત્ર પાણી ફળી વળ્યા છે. રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લામાં ધોરાજી, ઉપલેટા, ગોંડલ પંથકમાં 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે જામનગર, અમરેલી અને પોરબંદર જિલ્લામાં પણ હળવાથી ભારે વરસાદ નોંધાયો છે.
જૂનાગઢ જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાઇ ગયું હતુ અને ઝરમર વરસાદ પડી રહ્યો હતો. સાંજ સુધીમાં મેઘાએ મન મુકીને સાંબેલાધાર બેટિંગ કરતા કોડીનારમાં 16 ઇંચ વરસી પડ્યો હતો અને ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા હતા, જેને લઇને સલામતીને પગલે કોડીનાર શહેર અને આસપાસના ગામોમાં વિજ પૂરવઠો થોડાક સમય માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. આ જ પ્રકારે મેંદરડામાં પણ 10 ઇંચની આસપાસ વરસાદ પડ્યો હતો, જેના કારણે નદી-નાળા છલકાયા હતા. તાલાલામાં પણ આઠ ઇંચ જેટલો વરસાદ પડતાં વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને નદીઓમાં નવા નીર આવ્યા હતા. વેરાવળમાં ત્રણ ઇંચ, સુત્રાપાડામાં છ ઇંચ વરસાદ પડતાં સુત્રાપાડાનું મટાણા ગામ બેટમાં ફેરવાઇ ગયું હતું.
જૂનાગઢ શહેરમાં આઠ ઇંચ જેટલો વરસાદ પડતા અનેક મકાનોમાં પાણી ઘુસી ગયાના અહેવાલ પણ મળી રહ્યાં છે. ગીર અને ગીરનારમાં ચારથી પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. કેશોદમાં ગાજવીજ સાથે ત્રણ ઇંચ, માળિયા હાટીનામાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. ઉનામાં છ ઇંચ, નવાબંદરમાં પાંચ ઇંચ, દીવમાં છ ઇંચ, ભેસાણમાં એક અને માણાવદરમાં અઢી ઇંચ વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે.