
ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે વરદાન બની ગુજરાત સરકારની માં યોજના
ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પોતાના પરિવારનું પેટ ભરવા માટે તનતોડ મહેનત કરતા હોય છે. રાત-દિવસ કપરી મહેનત કરી લોહી-પરસેવાથી કમાયેલા પૈસાથી માત્ર તેઓનું ભરણપોષણ જ થઈ શકતું હોય છે તેમાં પણ પરિવારમાં કોઈ એક વ્યક્તિ બીમાર પડે કે બધી જ કમાણી દવાખાના પાછળ ખર્ચાઈ જતી હોય છે જેને કારણે જે-તે પરિવારના ભવિષ્ય પર ચિંતાના વાદળો ઘેરાવા લાગતાં હોય છે. ત્યારે ગુજરાત સરકારે રાજ્યના આર્થિક રીતે મધ્યમ વર્ગ અને નબળા વર્ગના લોકોને આવી પરિસ્થિતિનો સામનો ના કરવો પડે તે માટે માં યોજના શરૂ કરી છે. ગુજરાતની ભાજપ સરકારે આ યોજના મારફતે રાજ્યના નાગરિકોને સ્વાસ્થ્ય ક્ષેત્રે બનતી તમામ મદદ પહોંચાડવાનો લક્ષ્ય રાખ્યો છે જેના વરદાન સ્વરૂપ આજે રાજ્યનો એકેય નાગરિક પૈસાની અછતને કારણે પોતાનો જીવ ગુમાવતો નથી. આવા નાગરિકો માટે રાજ્ય સરકાર માં સમાન દેખભાળ કરી રહી છે.
રાજ્યના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે આરોગ્યલક્ષી મોંઘીદાટ સેવા લેવા અને નબળી આર્થિક પરિસ્થિતિના કારણે આરોગ્ય સેવાથી વંચિત ન રહે તેવી જનકલ્યાણકારી યોજના એટલે મુખ્યમંત્રી અમૃતમ યોજના એટલે કે માઁ યોજના. મોઘીદાટ અને મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ થાઓ એટલે અઢળક પૈસો નાખીને સારવાર કરાવવી પડે, પરંતું, આ મુખ્યમંત્રી અમૃતમ યોજના દ્વારા સામાન્ય આર્થિક હાલાત ધરાવતા દર્દીની પાંચ લાખ રૂપિયા સુધી તદ્દન મફત સારવાર કરવામાં આવે છે. ગરીબ અને મધ્યમવર્ગના સેંકડો પરિવારમાં કોઇ આકસ્મિક કે જડ બિમારીના ઇલાજ માટે રાજ્ય સરકારની આ યોજના ઘણી કારગર પુરવાર થઇ છે. સેંકડો પરિવારોમાં આર્થિક બોજ વગર ખુશીઓ લાવી છે અને દર્દીઓને સાજા કરી શકાયા છે. મોંઘીદાટ સારવાર તદ્દન મફત કરવાની સરકારની આ યોજના લોકોમાં માઁ કાર્ડ તરીકે ઓળખાય છે.
રાજ્યની મોટાભાગની મુખ્ય હોસ્પિટલ્સ આ માઁ કાર્ડ હેઠળ સારવાર કરી મરણપથારીએ પડેલા લાભાર્થી દર્દીને અને તેના પરિવારને નવજીવન આપે છે. આ યોજના હેઠળ એક પણ રૂપિયો લેવામાં આવતો નથી. કોરોના કાળ અને તેના બાદ રાજ્યના સેંકડો લોકો આ યોજનાનો લાભ લઇ રોગમુક્ત થયા છે. વાર્ષિક 4 લાખ કે તેથી ઓછી આવક ધરાવતા પરિવારો અને સિનિયર સિટિઝન્સ માટે વાર્ષિક 6 લાખ સુધીની આવક ધરાવતા પરિવારોને આ યોજના હેઠળ 5 લાખના આરોગ્ય કવચનો લાભ મળે છે.
કેન્સરની ગંભીર બિમારીમાં સપડાયેલા અજમલભાઇએ આ યોજના અંગે જણાવ્યુ હતુ કે, મારી નબળી આર્થિક હાલતમાં ગળાના કેન્સરની સારવાર મોંઘી હોસ્પિટલમાં કરાવવી મુશ્કેલ હતી. રાજ્ય સરકારની મુખ્યમંત્રી અમૃતમ યોજનાનો લાભ લઇ સારવાર કરાવી તો મારે તદ્દન મફતમાં હોસ્પિટલ દ્વારા સારવાર કરવામાં આવી અને મને લાગે છે કે, આ મને નવજીવન પ્રાપ્ત થયું છે. ખરેખર, માઁ યોજના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે વરદાન સમાન છે. આ યોજનામાં દર્દીના રજિસ્ટ્રેશન ચાર્જ, કન્સલ્ટેશન ચાર્જ, દર્દીના ખોરાક અને આવન જાવનની મુસાફરી સહિતનો ખર્ચ પણ સંલગ્ન ચુકવવામાં આવે છે.
રાજ્યની સરકારી હોસ્પિટલ્સ, સીએચસી, પીએચસી તથા ખાનગી હોસ્પિટલ દ્વારા પણ સ્થળ પર જ આ કાર્ડ ત્વરિત કાઢી આપવામાં આવે છે. જેના માટે દર્દીના ઓળખ અને રહેઠાણના પુરાવા રજુ કરવાના રહે છે.
આ અંગે ડૉ. રાધિકા પરમારે જણાવ્યું હતુ કે, દેશમાં હેલ્થ ઇન્સ્યોરન્સનું પ્રમાણ ઘણું ઓછુ છે. ત્યારે, કોઇ ગંભીર બિમારીની પરિસ્થિતિ વખતે આર્થિક સંકડામણના કારણે દર્દીને જીવ ખોવાનો વારો આવે છે. પરંતું, રાજ્ય સરકારની મુખ્યમંત્રી અમૃતમ યોજના અને વાત્સલ્ય યોજના જેવી આરોગ્યલક્ષી યોજનાઓના કારણે દર્દીઓને તદ્દન મફત સારવાર મળી રહે છે. જેના કારણે જીવલેણ રોગોમાં ગરીબ અને મધ્યમવર્ગના પરિવારો માટે આર્થિક બોજા વગર આરોગ્યની મોંઘી સેવા મળી શકે છે.
રાજ્ય સરકારે 2012માં શરૂ કરેલી રાજ્યવ્યાપી આ મુખ્યમંત્રી અમૃતમ યોજનામાં પ્રાયમરી, સેકન્ડરી કે ટર્શરી સ્ટેજની 1807 જેટલી પ્રોસિજર માટે તદ્દન કેશલેસ સારવાર પુરી પાડવામાં આવે છે. જેમાં, મોટાભાગની જીવલેણ બિમારી અને સર્જરીનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારની આ માઁ યોજના ખરેખર જનકલ્યાણકારી માપદંડ સિદ્ધ કરનારી યોજના કહી શકાય.