વડતાલના સ્વામીનારાયણ મંદિરના સંતની રહસ્યમયી હત્યા
વડતાલના સ્વામીનારાયણ મંદિરના સ્વામી ધર્મતનમયદાસજીની રહસ્યમયી હત્યાને પગલે ચકચાર જાગી છે. મંદિરના આ 50 વર્ષીય સ્વામી મંદિરથી થોડે જ દૂર આવેલ સંત નિવાસમાં રહેતા હતા. તેમની હત્યા કોણે કરી, શા માટે કરી એ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. શુક્રવાર સાંજથી શનિવાર બપોરની વચ્ચે સ્વામીની હત્યા થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્વામીજી છેલ્લે શુક્રવાર રાતની આરતીમાં જોવા મળ્યા હતા.
ત્યાર બાદ શનિવારે બપોરે સ્વામીજી જમવા નહોતા પહોંચ્યા, આથી બપોરે 2.15 વાગે કેટલાક સંતો સ્વામીજીને બોલાવવા માટે સંત નિવાસ પહોંચ્યા ત્યારે તેમને આ હત્યા અંગે જાણ થઇ હતી. સ્વામી ધર્મતનમયદાસજી મૂળ મહારાષ્ટ્રના હતા અને નાનપણથી જ ધર્મ કાર્યોમાં પરોવાયા હતા. સ્વામીજીના શરીરે પેટ, છાતી અને પીઠ ઉપર તિક્ષ્ણ ઘાના નિશાન જોવા મળ્યા છે. તેમને માથાના ભાગે પણ ગંભીર ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું છે. ભીંત સાથે માથું અથડાતા તેમનું મૃત્યુ થયું હોવાનું કહેવાઇ રહ્યું છે. તેમનું શબ બાથરૂમ પાસે મળી આવ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, લૂંટના ઇરાદે આ હત્યા થઇ હોવાની આશંકા છે.