
10 ડિસેમ્બર સુધીમાં મોદી 60 3D સભા યોજશે
ગાંધીનગર, 26 નવેમ્બર : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રૂપિયા 276 કરોડના ખર્ચે એક જ સ્થળેથી અનેક સ્થળે એક સાથે જાહેર સભા સંબોધી શકાય તેવી 3D ટેકનોલોજીનો ઉપયોગ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના ચૂંટણી પ્રચાર માટે કર્યો છે. આ જાદુ માત્ર એક દિવસ પૂરતો સીમિત ન હતો. નરેન્દ્ર મોદી આગામી 10 ડિસેમ્બર સુધીમાં આવી 60 3D જાહેરસભા યોજવાના છે એવા અહેવાલો મળ્યા છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નરેન્દ્ર મોદીની ટેકનિકલ ટીમ દ્વારા કરવામાં આવેલા આયોજન અનુસાર ગુજરાતનાં 26 જિલ્લા મથકો પર 3D સભા થશે. ત્યાર બાદ પ્રથમ તબક્કાની 87 બેઠકમાંથી જરૂર લાગે એવી સૌથી મહત્વની 34 બેઠકો પર 3D સભાથી સંબોધન કરવામાં આવશે
ઉલ્લેખનીય છે કે 18 નવેમ્બર, 2012 રવિવારના રોજ દેશમાં પહેલી વાર 3D ટેક્નૉલૉજીથી ગુજરાતના અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત એમ ચાર શહેરોમાં જાહેર સભા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધી હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલા ખાસ સેટ-એપ દ્વારા નરેન્દ્ર મોદી 10મી ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં બીજી 60 3D જાહેર સભા સંબોધવાના છે.
ગુજરાતમાં અગાઉ ચૂંટણી પ્રચાર માટે થયેલી ચાર 3D જાહેર સભા માટે પાર્ટીએ 104 કરોડનો ખર્ચ કર્યો હતો. જો કે કેશુભાઇ પટેલે આ સભા રૂપિયા 276 કરોડ ખર્ચ્યા હોવાનું કહ્યું હતું. આ વખતે 60 સભા માટે કેટલો ખર્ચ થશે એ વિશે કોઈ કશું કહેવા તૈયાર નથી પણ ધારણા મૂકવામાં આવે છે કે આ સભાઓ માટે અંદાજે એક હજાર કરોડ ખર્ચવામાં આવશે.