• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પહેલીવાર મોદીએ ગુજરાત રમખાણો પર પોતાની લાગણી વ્યક્ત કરી

|

નવી દિલ્હી, 27 ડિસેમ્બર: ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવ્યા બાદ નરેન્દ્ર મોદી પહેલીવાર ગુજરાત રમખાણોને લઇને પોતાની પ્રતિક્રિયા તેમના બ્લોગ પર વ્યક્ત કરી છે. મોદીએ બ્લોગમાં ઊંડાણપૂર્વક દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું કે તેઓ એ દિવસોમાં ખૂબ તકલીફમાં હતા.

ગુરુવારના રોજ કોર્ટથી આવેલા નિર્ણયને તેમણે 12 વર્ષથી ચાલી આવતી પરીક્ષાનો અંત ગણાવ્યો છે. તેમણે માન્યું કે રમખાણમાં ખૂબ જ બધા નિર્દોષ લોકો માર્યા ગયા, તેમના ઘર સળગ્યા અને તેમની પ્રોપર્ટી ખતમ થઇ ગઇ.

આ પહેલા ગુજરાત રમખાણ પર અમદાવાદ કોર્ટમાંથી મળેલી ક્લીન ચિટ બાદ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને માત્ર સત્યમેવ જયતે લખ્યું હતું. આજે તેમણે પોતાના બ્લોગમાં ગુજરાતના નાગરિકોને ઉદ્દેશીને પત્ર લખ્યો છે કે ન્યાયતંત્રનો મત આવ્યા બાદ હું અત્રે મારી લાગણીઓ દેશની સમક્ષ વ્યક્ત કરી રહ્યો છું.

narendra modi
નરેન્દ્ર મોદીએ લખ્યું છે કે પહેલા ભૂકંપ અને બાદમાં રમખાણની ઘટના ઘટતા તેઓ અંદરથી તૂટી ગયા હતા. તે અમાનવીયતાના અનુભવથી જે પેદા થયું તેને શબ્દોમાં વ્યક્ત કરી શકાય નહી.

મોદીએ લખ્યું છે કે એ રમખાણો બાદ તેમણે વારંવાર જણાવ્યું કે શાંતિ, સંયમ અને ન્યાય જરૂરી છે અને તેના માટે તેઓ કામ કરતા રહેશે, પરંતુ તેમના માટે તે ખૂબ જ પીડાદાયક રહ્યું કે તેમની પર આરોપો લગાવવામાં આવ્યા. નરેન્દ્ર મોદીના જણાવ્યા અનુસાર આ નિર્ણયે 12 વર્ષથી ગુજરાતની ચાલી આવેલી અગ્ની પરીક્ષાને પૂર્ણ કરી છે હવે તેઓ આઝાદ છે અને શાંતિનો અનુભવ કરી રહ્યા છે.

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ ર૦૦રના કોમી રમખાણો સંદર્ભમાં ન્યાયપાલિકાએ આપેલા ચૂકાદા અંગે દેશવાસીઓને જે પત્ર આજે પાઠવ્યો છે તે અક્ષરશઃ આ પ્રમાણે છેઃ-

મારા વહાલા દેશવાસીઓ,

હંમેશા સત્યનો જ વિજય થાય છે એ કુદરતી ન્યાયનો સિધ્ધાંત છે-સત્યમેવ જયતે. જ્યારે આપણી ન્યાયપાલિકાએ આ હકિકતને અભિવ્યકત કરી છે ત્યારે દેશની જનતા સમક્ષ હું મારા મનોયોગ અને લાગણીઓને વ્યકત કરવા ઇચ્છું છું.

કોઇ બાબતના અંતથી તેની શરૂઆતના સ્મરણો સ્મૃ્તિપટ ઉપર પ્રદર્શિત થતા જ હોય છે. ર૦૦૧ના વિનાશકારી ભૂકંપમાં જ્યારે આખું ગુજરાત મોતની ચાદર ઓઢીને નિસહાય સ્થિતમાં ભાંગી પડેલું, સેંકડો લોકોએ જીવ ગુમાવેલા, લાખો લોકો બેઘર બનેલા ત્યા‍રે આવી અકલ્પનિય અસહાય પીડાજનક સ્થિતિમાં મારે માથે ગુજરાતને ફરી બેઠું કરવા અને પૂનઃસ્થા‍પનની જવાબદારી મૂકવામાં આવેલી. આપ સૌના સાથ અને સક્રિય સહયોગથી કઠિન કસોટીરૂપ આ પડકારમાંથી આપણે બહાર આવેલા.

પરંતુ ઓકટોબર-ર૦૦૧માં મેં રાજ્યશાસનનું દાયિત્વ સંભાળેલું તે પછીના માત્ર પાંચ જ મહિનામાં તો, ર૦૦રના ફેબ્રુઆરીમાં ફરી એકવાર ગુજરાતના કેટલાક ભાગોમાં કમનસિબે અમાનવીય હિંસાના રમખાણો થયા. કમનસિબે, નિર્દોષોએ જાનગૂમાવ્યા, પરિવારો નિરાધાર થઇ ગયા, મહેનતથી સર્જેલી માલ-મિલ્કિતનો વિનાશ થયો, ભૂકંપની કુદરતી આફતમાંથી હજુ તો ગુજરાત સાંગોપાંગ બહાર આવ્યું ત્યાં જ આ માનવસર્જિત કોમી રમખાણની આફતે ગુજરાતની પીડા અને યાતનામાં ઓર વધારો કર્યો.

મારૂ અંતરમન એવી ગહન સંવેદનાથી ભરાઇ આવેલું જેનું શબ્દોમાં વણર્ન થઇ શકે તેમ નહોતુ. દુઃખ, પીડા, યાતના, વેદના, વ્યથા - કોઇ શબ્દથી એની અભિવ્યકિત થઇ શકે નહી એવી આ હ્રદય વલોવતી ઘટના હતી. આજે પણ એ કમનસિબ અમાનૂષી બનાવોની યાદ આવતા કંપારી છૂટે છે.

પરંતુ શાસક માટે પોતાની પીડામાં કોઇ સહભાગી બને એવી સ્વાભાવિક સ્થિતિ નથી હોતી. શાસક તરીકે તો એકલાએ જ તે જીરવવી પડે. પોતાની વ્યથા અને વેદનાને અંતરમનમાં ગોપિત રાખીને મેં કોમી રમખાણોમાં પરિસ્થિતિ કાબૂમાં લેવા કેવી સ્વસ્થતા રાખી તે એકમાત્ર મારૂં મન જાણે છે અને બીજો પરમાત્મા.

એ દિવસો એવા યાતનામય હતા કે એક તરફ ભૂકંપ પીડિતોની મને પીડા હતી બીજી તરફ રમખાણ-પીડિતોની. એ વખતે મારા અંતરમનની અકથ્ય પીડાને મેં કયાંય પ્રગટ થવા દીધા વગર શાંતિ, ન્યાય અને પૂનઃવસન ઉપર જ ધ્યાન કેન્દ્રીત કર્યું. ઇશ્વરે મને આપેલી બધી જ મારી શકિત, મારે પૂરી તાકાતથી ત્વરિત કામે લગાડવાની હતી. આ કસોટીરૂપ સમયે આપણા પુરાતન શાસ્ત્રો નું દિશાદર્શન જ મને સતત સાંત્વના અપાવતું રહયું કે શાસનમાં બેઠેલો છે તેને પોતાની પીડાં અભિવ્યકત કરવાનો અધિકાર નથી, બીજાની પીડાનું શમન એ જ તેનું પ્રાથમિક દાયિત્વ છે. મેં મારા આંતરમનમાં જે પીડા-વ્યથા ખૂબ તીવ્રતાથી અનુભવી હતી. તે વખતના તીવ્રતમ દુઃખભર્યા દિવસોને હું યાદ કરૂં છું ત્યારે એક જ સંવેદના મારા મનમાંથી પ્રગટે છે અને હું ઇશ્વયને પ્રાર્થના કરૂં છું કે કોઇ વ્યકિત, સમાજ, રાજ્ય કે રાષ્ટ્રના જીવનમાં આવા અસહય વ્યથા-વેદનાના દિવસો, કયારેય ના આવે.

આ દિવસો દરમિયાન મેં કેવા તીવ્ર આઘાત અને વેદનાનો અનુભવ કરેલો તે અંગેના મારા આ સંવેદનશીલ વિચારો અને લાગણીઓ હું ભલે આજે આપની સમક્ષ વ્યકત કરી રહયો છું પણ તે આજની મનોસ્થિતિમાંથી જન્મેલા નથી જ નથી. કોમી રમખાણોની શરૂઆતથી મેં તેને લાગણીસભર અભિવ્ય્કત કરેલા છે. જ્યારે ગોધરામાં ટ્રેનમાં નિર્દોષ લોકોને જીવતા સળગાવી દેવાની અત્યંત અમાનુષી હત્યાકાંડની ઘટના બની ત્યારે જ મેં જનતા જનાર્દન સમક્ષ અપિલ કરી હતી.

સહુને શાંતિ, સંયમ અને સદ્દભાવના રાખવા માટે લગાતાર અપીલો કરેલી. ફેબ્રુઆરી-ર૭ ગોધરાકાંડના કમનસિબ દિવસથી લઇને મેં ફેબ્રુ-માર્ચ-ર૦૧રમાં દરરોજ પ્રેસ-મિડિયા સમક્ષ દૈનિક ધોરણે આવી વારંવાર અપીલ કરેલી. એની સાથોસાથ રાજ્યમાં શાંતિની સ્થા્પના, ન્‍યાય અપાવવા અને અમાનવીય હિંસામાં જવાબદારને દાખલો બેસે એવી શિક્ષા માટે પોતાની નૈતિક જવાબદારી અને રાજકીય ઇચ્છાશકિતથી આ સરકાર પ્રતિબધ્ધ છે એવી જાહેરમાં ખાતરી આપેલી. સદ્દભાવના મિશનના મારા અભિયાન દરમિયાન પણ મારા તમામ સંબોધનોમાં, મેં સ્વયંસ્પષ્ટા વાત કરેલી કે કોઇપણ સભ્ય સમાજ માટે આવી હિંસા કયારેય શોભાસ્પદ નથી. અને હું આ ઘટનાઓને કારણે મનથી ખૂબ દુઃખી છું.

વાસ્ત્વમાં મેં હંમેશા એકતાની ભાવનાને મજબૂત અને બળવત્તમર બનાવવાની નિષ્ઠા દાખવી છે. મુખ્યમંત્રીશ્રીની જવાબદારી સંભાળી તેની શરૂઆતથી જ મેં "મારા પાંચ કરોડ ગુજરાતી ભાઇઓ અને બહેનો"ની પરિભાષા આપી હતી જે આજે દેશભરમાં પ્રચલિત થઇ ગઇ છે.

ગુજરાત સરકારે ઘડીનાય વિલંબ વગર કોમી હિંસાને જે નિણાંયકતા અને દ્રઢતાથી ડામી દેવાની ત્વરિતતા દાખવી હતી તે ભૂતકાળના કોઇ કોમી રમખાણોમાં જોવા મળી નહોતી. ભારતની ન્યાય પ્રણાલિની અભૂતપૂર્વ ઘટનારૂપે દેશની સર્વોચ્ચો અદાલતે તપાસની સમગ્ર ન્યાનયીક પ્રક્રિયાનું સતત અને તલસ્પર્શી મોનીટરીંગ કર્યું હતું જેને ગઇકાલે ન્યાયપાલિકાએ આપેલા ચૂકાદાથી સંપૂર્ણ સમર્થન મળ્યું છે.

પરંતુ આમછતાં, એ વખતે મારા ઉપર આટ-આટલી વ્યથા અને વેદનાનો બોજ ઓછો હોય એમ તે પછી મને મારા જ સ્નેહીજનો, મારા ગુજરાતી ભાઇ બહેનોના મોત અને વ્યથા અને પીડા માટે દોષિત ગણવામાં આવ્યો. તમે કલ્પી શકો છો કે આ પ્રકારની એકેએક ઘટના અંગે મારા ઉપર થયેલા એક પછી એક દોષારોપણથી મારા વેદનામય માનસ ઉપર કેટલા કુઠારાઘાત થયા?

આટઆટલા વર્ષોથી હું મારા ઉપરના આ જૂઠાણાના પ્રહારોનો માર અને ઘાવ ઝીલતો રહયો પરંતુ મારા ગુજરાત અને મારા ગુજરાતી પરિવારોની પ્રગતિ માટે હું એક ક્ષણ માટે તસુભાર પણ ચલિત થયો નથી. જેમણે જેમણે પોતાના સ્વાર્થી વ્યકિતગત અને રાજકીય હિતો માટે પૂરી તાકાતથી લગાતાર મને બદનામ કરવા, મારી નિષ્ઠા અને સેવાની ભાવના ઉપર જૂઠાણાની ભરમાર ચલાવી તેનાથી મારી નહીં, મારા ગુજરાત અને મારા દેશની બદનામી જ તેઓએ કરી છે. કોમી રમખાણોના પીડિત પરિવારોના ઘા રૂઝવવાને બદલે તેમના ઘાવ ખોતરી ખોતરીને વધુ પીડા દેવાનું નિર્દયી અને વિકૃત પાપ કર્યું છે. જેમના માટે તેઓ ન્યાયના નામે લડત કરવાનો મકસદ ધરાવતા હતા તે ન્યાયમાં વિલંબ પણ તેમના આ મલિન ઇરાદાથી જ થયો. કદાચ તેમને એ વાતનો ખ્યાલ નથી કે તેઓ પીડિતોની પીડા અને દુઃખમાં વધુ યાતનાઓનું ઉમેરણ જ કરી રહયા હતા.

આ માર્ગ ઉપર બાર વર્ષથી પણ વધુ સમય ચાલેલી અગ્નિ પરિક્ષામાંથી ગુજરાત બહાર આવી ગયું છે, તે અંગે હું રાહતનો અનુભવ કરી રહયો છું.

આપણે હિંસાને બદલે શાંતિ પસંદ કરી. ભાગલાવાદી નીતિઓ સામે એકતા અપનાવી, તિરસ્કાંરને બદલે સૌહાર્દની ભાવના અપનાવી. આ સહેલું તો નહોતું જ પરંતુ આપણે તેના લાંબાગાળાના સુફળ માટે પ્રતિબધ્ધ હતા. એકસમયે રોજીંદા ભય અને અચોકકસતાના વાતાવરણમાંથી મારું ગુજરાત શાંતિ, એકતા અને સદ્દભાવનાના માર્ગે વળ્યું.

આ કસોટીના કાળમાં જે લોકો વિરોધીઓના જુઠ્ઠાણાં અને છળકપટને જોઈ શક્યા અને મારી પડખે ઉભા રહ્યા એ સૌનો હું અંતઃકરણથી આભારી છું.

અપપ્રચારના વાદળો વિખેરાઇ ગયા છે ત્યારે મને એવી પણ આશા છે કે જે લોકો નરેન્દ્ર મોદીને સાચા પરિપ્રેક્ષ્ય માં ઓળખી અને સમજી રહયા છે તેમની શકિત બળવત્તોર બનશે.

જેમને અન્યની પીડા દુઃખ જોઇને આનંદ થાય છે તેવા લોકો કદાચ મારી સામેના તેમના કાવાદાવા ચાલુ જ રાખશે. હું તેમની પાસે કોઇ અપેક્ષા પણ નથી રાખતો. પરંતુ હું વિનમ્ર પ્રાર્થના કરૂં છું કે છ કરોડ ગુજરાતીઓને બેજવાબદારીપૂર્વક બદનામ કરવાનું હવે તો બંધ કરે.

યાતનાની આ લાંબી સફરની ફલશ્રુતિ એ રહી કે હું ભગવાનને પ્રાર્થના કરૂં છું કે મારા મન-હ્રદયમાં કોઇ કટુતા ન રહે.

આ અદાલતી ચૂકાદાને હું વ્યકિતગત જય-પરાજયના તરાજૂમાં તોળતો નથી. એટલું જ નહીં. મારા મિત્રો-ખાસ કરીને મારા વિરોધીઓને પણ હું આ લેખા-જોખાં ન કરવા વિનંતી કરૂં છું. ર૦૧૧માં જ્યારે સર્વોચ્ચ અદાલતે પોતાનો નિર્ણય આ બાબતે જણાવ્યો ત્યારે પણ મેં આ જ અભિગમ અપનાવેલો. મેં ૩૭ દિવસ સદ્દભાવના ઉપવાસની તપસ્યા કરી, અને અદાલતના સકારાત્મક નિર્ણયને સૌહાર્દ-સંવાદિતાના વ્યાપક સ્વરૂપે પરિવર્તિત કરવા, સમસ્ત્ સમાજમાં એકતા અને ભાઇચારાનું વ્યાપક સ્તરે નિર્માણ કરવા હું પ્રયત્નશીલ રહયો છું.

હું દ્રઢપણે માનું છું કે કોઇપણ સમાજ, રાજ્ય કે રાષ્ટ્ર નું ઉજ્જવળ ભાવિ પારસ્પારિક સદ્દભાવ અને સૌહાર્દમાં જ સમાયેલું છે. આ જ એક માત્ર એવા આધારસ્થંભ છે જેના ઉપર વિકાસ અને શ્રેષ્ઠતાની ઇમારતની રચનાની સંભાવના છે. એટલા માટે હું આપ સૌને વિનંતી કરૂં છું કે આવો, આપણે સૌ વિકાસ અને પ્રગતિની દિશામાં સાથે મળીને કાર્યરત થઇએ અને હરેક ચહેરા પર ખુશાલીની મુસ્કાન લહેરાવવા પ્રતિબધ્ધ બનીએ.

ફરી એકવાર, સત્યમેવ જયતે

વંદેમાતરમ્

નરેન્‍દ્ર મોદી

English summary
Narendra Modi written blog, first time expressed emotion over Gujarat riot.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more