વાગડ પંથકમાં ઉનાળા પહેલા જ નર્મદા કેનાલમાંથી પાણીચોરીની ફરિયાદ
હજી ચોમાસા પહેલા આકરો ઉનાળો પસાર કરવાનો બાકી છે ત્યારે કચ્છ ગાંધીધામના વાગડ પંથકમાં પાણીનો કકળાટ અત્યારથી શરૂ થઈ ગયો છે. અને નર્મદા કેનાલમાંથી પાણી ચોરી થતું હોવાની ફરિયાદો પણ વ્યાપક બની છે. અત્યારથી નર્મદા નીરની બેફામ થઈ રહેલી ચોરીના પગલે વાગડ અને તેની આસપાસના લોકો પાણી માટે અત્યારથી જ વલખા મારે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. કચ્છમાં પીવાના પાણીની વિકરાળ બનતી સમસ્યા ભૂતકાળ બને તે માટે કચ્છ સુધી નર્મદાના નીર પહોંચતા કરાયા છે, પરંતુ પાણી પુરવઠા તેમજ બની બેઠેલ આગેવાનોની મિલીભગતના કારણે નર્મદાના પીવાના પાણી લોકો સુધી પહોંચવાના બદલે ઔદ્યોગિક એકમો, હોટલોમાં જતા રહે છે.જેના લીધે નર્મદાના નીર કચ્છ સુધી પહોંચ્યા હોવા છતાં લોકોને હજુ પણ પીવાના પાણી માટે વલખા જ મારવા પડી રહ્યા છે.
હજુ ઉનાળાનો પ્રારંભ થયો ન હોઈ જિલ્લામાં પાણીની ચોતરફા બૂમરાડ ઉઠી નથી, પરંતુ વાગડમાં પાણીચોરો બેફામ બન્યા હોઈ અત્યારથી જ પાણીની ગંભીર કટોકટી સર્જાવવાની શરૂ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે વાગડ પંથકમાં પાછલા ચાર વર્ષથી પાણી ચોરીની પ્રવૃત્તિ બેફામ ચાલી રહી છે જે પાછલા થોડા મહિનાઓથી વિકરાળ બની જવા પામી છે. આધોઈ હેડવર્કમાંથી ત્રણ મોટરો દરમ્યાન ચોવીસ કલાકમાં ર૮ એમએલડી પાણી પમ્પીંગ કરવામાં આવે છે જે ચિત્રોડ સુધી પહોંચતા માત્ર ૧ર એમએલડી જેટલું જ બચે છે. આધોઈથી ચિત્રોડ વચ્ચે નર્મદાના પીવાના પાણીનો પ૦ ટકાથી વધુનો જથ્થો એટલે કે ૧૬ એમએલડી જેટલું પાણી ૩૦થી ૩પ જેટલી હાઈવે હોટલો તેમજ ખેતીવાડીમાં ચોરી કરવામાં આવે છે. આ બધું ઓછું હોય તેમ એક માત્ર લાકડિયા નીક જ ૪૦૦ એકર ખેતીમાં નર્મદાના પીવાના પાણીનો ગેરકાયદેસર વપરાશ થતો હોવાની ફરીયાદ ઉઠી છે.