NEET 2020: ગુજરાતના 36,398 ઉમેદવારોએ નીટ પાસ કરી
અમદાવાદઃ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ શુક્રવારે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રાન્સ ટેસ્ટ (NEET)નું રિઝલ્ટ જાહેર કરી દીધુ્ં છે, જેમાં ગુજરાતના 56.16 ટકા એટલે કે 36,398 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. જણાવી દઈએ કે ગુજરાતમાંથી 64,719 વિદ્યાર્થીઓએ મેડિકલ એન્ટ્રાન્સ એક્ઝામ આપી હતી. ગયા વર્ષ કરતાં ગુજરાતી વિદ્યાર્થીઓએ આ વર્ષે NEETની પરીક્ષામાં વધુ સારું પરિણામ લાવ્યા. ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના અહેવાલ મુજબ ગયા વર્ષે 75,889 વિદ્યાર્થીઓએ NEET આપી હતી જેમાંથી 46.35% વિદ્યાર્થીઓ પાસ થયા છે.
જણાવી દઈએ કે કોરોના વાયરસના કહેર વચ્ચે 13 સપ્ટેમ્બરના રોજ NEET પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. અગાઉ બે વખત કોવિડ 19 મહામારીને કારણે સ્થગિત થયેલ પરીક્ષાને હજી પાછળ ધકેલવા માટે પણ કેટલીય અરજીઓ થઈ હતી, આ બધાની વચ્ચે સફળતાપૂર્વક તંત્રએ પરીક્ષા યોજી. દેશભરમાંથી કુલ 13.66 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી જેમાંથી 7 લાખ 71 હજાર 500 ઉમેદવારોએ આ પરીક્ષા ઉતીર્ણ કરી.
ઓલ ઈન્ડિયા રેન્કિંગમાં ગુજરાતના બે વિદ્યાર્થીઓ ટૉપ 50માં જગ્યા મેળવી શક્યા છે. રાજકોટના માનિત માત્રાવાડિયા 720 માર્ક્સમાંથી 710 સ્કોર સાથે ઓલ ઈન્ડિયા રેન્કિંગમાં 10મું સ્થાન મેળવ્યું. અને 705 માર્ક્સ સાથે અમદાવાદના અજિંક્ય નાયકે ઓલ ઈન્ડિયા રેન્કિંગમાં 42મું સ્થાન મએળવ્યું.
ટીઓઆઈ મુજબ ગુજરાતના 15થી 20 ઉમેદવારોએ 700 કે તેથી વધુ માર્ક્સ મેળવ્યા છે. આ વખતે કમ્પિટિશન વધી જવાના કારણે કટ ઑફ માર્ક્સ પણ વધુ ઉંચે રહે તેવી શક્યતા છે. ગયા વર્ષે 588 માર્ક મેળવનાર વિદ્યાર્થીઓ એવરેજ 10500મા રેંકમાં હતા જ્યારે આ વર્ષે 588 માર્ક મેળવનારા વિદ્યાર્થીઓનો રેંક 25700મો છે.
NEET 2020: ઓરીસ્સાના શોએબ આફતાબે કર્યું ટોપ, 100 ટકા માર્કસ મેળવ્યા
ઉલ્લેખનીય છે કે NEET (National Eligibility cum Entrance Test) કુલ 11 ભાષામાં લેવામાં આવે છે, જેમાં અંગ્રેજી, હિન્દી, બંગાળી, ગુજરાતી, કન્નડા, મરાઠી અને તમિલ ભાષાઓ સહિતની કેટલીક ભાષા સામેલ છે. આ વખતે અંગ્રેજી અને હિન્દી પછી સૌથી વધુ સંખ્યામાં પરીક્ષા આપનાર ગુજરાતી ભાષાના વિદ્યાર્થીઓ હતા. 77% ઉમેદવારોએ અંગ્રેજીમાં ટેસ્ટ આપી હતી, 13% ઉમેદવારોએ હિન્દીમાં ટેસ્ટ આપી હતી અને 4% ઉમેદવારોએ ગુજરાતીમાં ટેસ્ટ આપી હતી.
જણાવી દઈએ કે ગુજરાતમાં 5400 મેડિકલ સીટ, 1200 ડેન્ટલ સીટ, 3600 આયુર્વેદા સીટ અને 3300 હોમિયોપેથી સીટ છે.