લોકાયુક્ત મામલે સુનાવણી 6 નવેમ્બર સુધી મુલતવી
પહેલા ગુજરાત હાઇકોર્ટે રાજ્યપાલ દ્વારા કરવામાં આવેલી નિમણૂકને યોગ્ય ઠેરવી હતી, બાદમાં આ મામલો સુપ્રિમમાં પહોંચ્યો હતો. જ્યાં મંગળવારે ન્યાયમૂર્તિ ડો. બી.એસ ચૌહાણ અને ન્યાયમૂર્તિ ફકીર મહંમદ ઇબ્રાહમ, કલિમુલ્લાની ખંડપીઠે સુનાવણી હાથ ધરી હતી. સુનાવણી દરમિયાન બન્ને પક્ષો તરફથી ધારદાર દલીલો કરવામાં આવી હતી. ઉક્ત ખંડપીઠે બન્ને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ વધુ સુનાવણી 6ઠ્ઠી નવેમ્બરે કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
સૂત્રોએ જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો દોર ચાલું થઇ ગયો છે. ત્યારે સુનાવણી મોકુફ રહે એ માટે રાજ્યના અધિકારીઓ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા સુનાવણી ચૂંટણી સુધી મુલતવી રહે તે માટેની અરજી કરવામાં આવી હતી. નોંધનીય છે કે, રાજ્યપાલ દ્વારા જે લોકાયુક્તની નિમણૂક કરવામાં આવી તેને રાજ્ય સરકાર દ્વારા પહેલા હાઇકોર્ટમાં અને પછી સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો હતો.