ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં પહેલી વાર વપરાશે NOTA
ઉપરોક્તમાંથી કોઇ પણ નહીં એટલે કે NOTA (નન ઓફથી અબાઉ) આ એક વિશેષ અધિકાર છે. જેનો ઉપયોગ ગુજરાતમાં પહેલી વાર રાજ્યસભાની ચૂંટણી વખતે કરવામાં આવશે. આ ચૂંટણી વખતે મતદાતાને એક વિકલ્પ આપવામાં આવશે જેમાં તે હાજર ઉમેદવારમાંથી કોઇને પણ પસંદ ના પણ કરવાના વિશેષ અધિકારનો ઉપયોગ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે 8 ઓગસ્ટના રોજ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી યોજવામાં આવી છે. જેમાં કોંગ્રેસ તરફથી અહેમદ પટેલ અને ભાજપ તરફથી અમિત શાહ, સ્મૃતિ ઇરાની અને બલવંત સિંહ રાજપૂત લડી રહ્યા છે.
નોંધનીય છે કે ગુજરાતના રાજકારણની દ્રષ્ટ્રિએ આ વખતની રાજ્યસભાની ચૂંટણી અસરકારક બની રહી છે. કોંગ્રેસમાંથી એક પછી એક 6 રાજીનામાં પડતા કોંગ્રેસે ભાજપ પર હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવી તેના 42 ધારાસભ્યોને બેંગલુરુ લઇ ગઇ છે. જ્યાં આજે જ આઇટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જેનો કોંગ્રેસે વિરોધ કર્યો છે. વધુમાં શંકરસિંહ વાઘેલા પણ આશ્વાસન આપ્યું છે કે તે અહેમદ પટેલને જ રાજ્યસભાની ચૂંટણી માટે વોટ આપશે. ત્યારે આ નવો વિકલ્પ પણ રાજ્યસભાની ચૂંટણીની મૂકવામાં આવતા પરિણામો વખતે ફરી ગુજરાતનું રાજકારણ ગરમાય તેવી સંભાવનાઓ વધી ગઇ છે.