હવે અમદાવાદની રથ યાત્રા પર ઉડતા કેમેરા નજર રાખશે!!!
રથયાત્રા સાથે અનેકની આસ્થા જોડાયેલી છે અને દર વર્ષે ભગવાન જગન્નાથની આ યાત્રામાં હજારો ભાવિકો જોડાય છે. ખુદ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી પહિંદવિધિ કરીને યાત્રાનો પ્રારંભ કરાવે છે, ત્યારે આ યાત્રાને વધુ સુરક્ષિત બનાવવા ગુજરાત પોલીસે કમર કસી છે. રથયાત્રા દરમિયાન આધુનિક સુરક્ષા વ્યવસ્થા અપનાવવાના ભાગરૂપે ગુજરાત પોલીસે પાઈલટ પ્રોજેક્ટ અંતર્ગત બે ઊડતા કેમેરાની ખરીદી કરી છે.
આ માનવરહીત (અનમેન એરિયલ વિહીકલ) કેમેરા અંગે સૂત્રોએ જણાવ્યુ કે, આ બંને કેમેરાને નેત્રા નામ અપાયું છે. આ ઊડતા કેમેરા ગુજરાત પોલીસને સલામતીનો બર્ડ આઈ વ્યૂ આપશે. આ જીપીએસ આધારિત ઓટોમેટેડ ડિવાઈસ છે જે ઈન્ફ્રારેડ કેમેરા સાથે ફિટ કરવામાં આવશે. એરિયલ સલામતી ક્ષેત્રે ઉપલબ્ધ હોય તેવી આ સૌથી આધુનિક ટેક્નિક છે.આઈઆઈટીના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ચલાવાતી એક કંપનીએ આ યુએવીનુ નિર્માણ કર્યુ છે અને તેમને એક કેમેરા દીઠ રૂપિયા 55 લાખ ચૂકવાયા છે.
આ નેત્રા યુએવી એક વખત ટેક ઓફ કરે પછી બેટરી પાવર આધારિત ડિવાઈસ ઓટોપાયલટ મોડ પર આવી જાય છે. તેને એન્ટી કાલાઈઝન સેન્સર્સની મદદથી કંટ્રોલ કરી શકાય છે. બે કિલોનુ વજન ધરાવતા આ કેમેરા અમુક કિલોમિટરના અંતરેથી પણ એક-એક મિનિટનુ રેકર્ડિંગ કરે છે. આ યુએવી જ્યારે ઊડી રહ્યું હોય ત્યારે ચાલુ રેકર્ડિંગ દરમિયાન પણ તેના ફૂટેજ કંટ્રોલ રૂમ ખાતે જોઈ શકાય છે અને ચાંપતી નજર રાખી શકાય છે. એક કેમેરા 30 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે ઊડી શકે છે. સૂત્રોના મતે આ કેમેરાની મદદથી પોલીસ દૂર બેસીને પણ રથયાત્રા જેવા પ્રસંગે અથવા વીઆઈપીના આગમન સમયે, ટ્રાફિકની ગતિવિધીઓ સહિતની હિલચાલ પર ચાંપતી નજર રાખી શકશે.