For Daily Alerts
પાટણઃ વિદ્યાર્થી બસ પલટતાં એકનું મોત, સાતની હાલત ગંભીર
પાટણ, 6 નવેમ્બરઃ પાટણ જિલ્લાના રાધનપુર પાસે વિદ્યાર્થિનીઓને લઇ જઇ રહેલી બસ અચાનક પલ્ટી ખાઇ જતાં તેમાં સવાર એક વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે સાતની હાલત ગંભીર જણાતા તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. આ અકસ્માતમાં અન્ય 16 વિદ્યાર્થિનીઓને ઇજા પહોંચી હોવાના પણ અહેવાલ છે.
મળતી માહિતી અનુસાર, સાંતલપુર પાસે આવેલી ઉત્તર બુનિયાદી સ્કૂલમાં અભ્યાસાર્થે જતી વિદ્યાર્થિનીઓની સહાયતા માટે એક ખાનગી બસની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી હતી. જે વિદ્યાર્થિનીઓને લઇ જતી હતી અને મુકી જતી હતી. આજ રોજ રાબેતા મુજબ એ બસ વિદ્યાર્થિનીઓને લઇ જઇ રહી હતી, તે વેળા અચાનક જ બસ પલ્ટી ખાઇ ગઇ હતી. જો કે, બસ પલ્ટી ખાવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
સ્થાનિક સૂત્રોનું કહેવું છે કે, આ તંત્રની બેદરકારી છે, કારણ કે વિદ્યાર્થિનીઓનો લઇ જવા માટે સરકારી બસ નહીં મુકતા એક એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે જઇ તપાસ પ્રક્રિયા હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરી છે.