જાણો તમારા ઉમેદવારને: દ્વારકાથી ભાજપના પબુભા માણેક
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો દાવો છે કે તે એક એક બેઠક પર પોતાની નજર બનાવીને આ ચૂંટણી લડી રહી છે. વળી વિધાનસભાની સીટ પરના ઉમેદવારોની યાદી અને વિવાદો પણ આ ચૂંટણીને વધારે રસપ્રદ બનાવી રહ્યા છે, ત્યારે 17 નવેમ્બરના ભાજપ દ્વારા ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી હતી. આ યાદીમાં દ્વારકાની વિધાનસભા સીટ પરના ઉમેદવાર તરીકે પબુભા માણેકની પસંદગી કરવામાં આવી છે. તો પબુભા માણેક વિષે થોડુ જાણીએ. પબુભા માણેકના પત્નીનું નામ આશાભા માણેક છે. તેમણે 3જા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તેમની સંપત્તિ વિશે વાત કરવામાં આવે તો તે 31 કરોડ જેટલી છે.
દ્વારકા જનરલ કેટેગરીની વિધાનસભા સીટ છે. પબુભા હાલના અહીંના ધારાસભ્ય છે. તેઓ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા અને 70062 મતોથી વિજેતા બન્યા હતા. 2012ની વિધાનસભાની ચૂંટણી પબુભા કોંગ્રેસના ઉમેદવાર આહિર કંડોરિયા મુલુભાઈને હરાવીને જીત્યા હતા. આ ઉપરાંત પબુભા વર્ષ 1990થી સતત આ સીટ પરથી જીતતા આવે છે. પરંતુ સૌ પ્રથમ તેઓ કોંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણી લડીને 1990માં જીત્યા હતા. એ બાદની 1995, 1998 અને 2002ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ કોંગ્રેસના ઉમેદવાર તરીકે જ લડ્યા હતા અને વિજેતા પણ બન્યા હતા. તેમણે 2007માં ભાજપ સાથે જોડાણ કર્યુ અને 2007 અને 2012ની ચૂંટણી ભાજપના ઉમેદવાર તરીકે લડ્યા અને જીત મેળવી હતી.