• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

છેલ્લો જંગ : પક્ષનો પરાજય એટલે તેમનો પરાભવ !

By Kanhaiya
|

અમદાવાદ, 23 નવેમ્બર : ગુજરાત વિધાનસભા ચુંટણી 2012 મુખ્યત્વે ત્રણ મહત્વના રાજકારણીઓ આસપાસ કેન્દ્રિત છે અને આ ત્રણેય નેતાઓ માટે આ ચુંટણીમાં પરાજયનો મતલબ હશે પરાભવ.

હા જી. અહીં અમે ખુલાસો કરવા માંગીશું કે પરાજય એટલે તેમનો વ્યક્તિગત કે કોઈ એક વિધાનસભા મત વિસ્તારમાં પરાજય નહિં, પણ તેઓ જે પક્ષમાં છે, તે પક્ષનો પરાજય. પક્ષનો ચુંટણી પરાજય થવાની સાથે જ આ ત્રણેય નેતાઓનો રાજકીય પરાભવ નક્કી જ ભાસે છે.

ચાલો, હવે તમને આ ત્રણેય મહાનુભાવોના નામો પણ બતાવી દઇએ. તેમાં સૌથી ઉપર છે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી. બીજું નામ છે ક્યારેક ગુજરાત ભાજપમાં ભીષ્મ પિતામહની ભૂમિકા ભજવનાર અને હાલ ગુજરાત પરિવર્તન પાર્ટી નામે અલગ પક્ષ રચી ગુજરાતની ચુંટણીમાં ઝંપલાવનાર ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, તો ત્રીજું નામ પણ ખૂબ જાણીતું અને દબંગ પ્રકારનું છે. તે છે શંકરસિંહ વાઘેલા. એક વખતે ભાજપ અને આરએસએસમાં રહી દેશભક્તિ તેમજ હિન્દુત્વના પ્રખર હિમાયતી રહેલાં વાઘેલા હાલ કોંગ્રેસ પક્ષમાં છે. એક વિશિષ્ટતા પણ છે કે આ ત્રણેય નેતાઓ ભુતકાળમાં એક સાથે કામ કરી ચુક્યાં છે.

નરેન્દ્ર મોદી

ભારતીય જનતા પક્ષના નેતા અને લોકસભા ચુંટણી 2014માં ભાજપ તરફથી વડાપ્રધાન પદની ઉમેદવારી માટેના પ્રબળ દાવેદારોમાંના એક નરેન્દ્ર મોદી પહેલી વાર 2002માં કોઈ ચુંટણી લડ્યા હતાં. મોદી તે અગાઉ માત્ર સંગઠનમાં જ કામ કરતા હતાં. 7મી ઑક્ટોબર, 2001ના રોજ ભાજપે તે વખતનાં મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને ખસેડી મોદીને ગુજરાતની સત્તા સોંપી અને મોદીએ પ્રથમ વાર ચુંટણીલક્ષી રાજકારણમાં ઝંપલાવ્યું. તેઓએ પોતાના જીવનની પ્રથમ ચુંટણી ફેબ્રુઆરી-2002માં રાજકોટ-2 વિધાનસભા બેઠક ઉપરથી લડ્યા હતાં. તે પેટા ચુંટણી હતી. પછી 2002 અને 2007માં તેઓ પોતે મણિનગર વિધાનસભા બેઠક ઉપરથી ચુંટાયાં. જોકે તેમના ચુંટાવા કરતાં તેમણે ભાજપને સતત બે વાર બહુમતી અપાવી, તે મહત્વનું છે. મોદી સતત બે વાર ચુંટણી જીતી ગુજરાતમાં છેલ્લા અગિયાર વરસથી મુખ્યમંત્રી પદે બિરાજમાન છે, પરંતુ... જો મોદી આ ચુંટણીમાં હારી જાય તો? ના ના રખે ચુકતા... અમે મોદી મણિનગરથી હારી જશે તેવી વાત નથી કહી રહ્યાં. જો મોદીના નેતૃત્વ હેઠળ ભાજપ બહુમતી હાસલ ન કરી શકે તો? આવી પરિસ્થિતિમાં ભાજપ તો આજે નહીં, તો કાલે સત્તા ઉપર આવી શકશે, પરંતુ મોદી માટે આ પરાજય તેમના રાજકીય પરાભવનું કારણ બની શકે છે. એક વાત તો સૌ જાણે છે કે મોદી વિરુદ્ધ કોમી રમખાણો તથા નકલી એનકાઉંટર જેવા અનેક આરોપો લગાવવામાં આવેલા છે. જો તેઓ સત્તા ઉપરથી ખસી જાય, તો પછી શક્ય છે કે તેમને કાનૂની ગાળિયામાં લેવાના પ્રયત્નો નવી સરકાર દ્વારા થાય. બીજી બાજું પક્ષમાં અત્યારે એક બાજુ તેમનું નામ છેક વડાપ્રધાન પદના દાવેદારોમાં ગણાય છે અને જો તેઓ ગુજરાતમાં હારી જાય, તો તેઓનો રાજકીય કદ સાવ રસાતળે પહોંચી જાય. તેમની કાર્યશૈલી અને ખુમારી ભરી અદાઓ જોઈ એ કહેવું મુશ્કેલ છે કે મોદી વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે બિરાજે. આ તમામ શક્યતાઓ જોતાં સ્પષ્ટ છે કે આ ચુંટણીમાં ભાજપનો પરાજય એટલે મોદીનો રાજકીય પરાભવ જ બની શકે છે.

કેશુભાઈ પટેલ

ગુજરાતમાં જનસંઘ અને પછી ભાજપના સંસ્થાપક સભ્યોમાં જેમનો સમાવેશ થાય છે તેવા પીઢ નેતા કેશુભાઈ પટેલ એમ તો 11 વરસથી ભાજપની નેતાગીરી સામે નારાજ છે. 2001માં જ્યારે તેમને હટાવી મોદીને મુખ્યમંત્રી બનાવાયાં, ત્યારથી જ તેઓ ભાજપની નેતાગીરી તેમજ મોદી વિરુદ્ધ થઈ ગયાં છે. તેમણે તેમના ઇરાદાઓ લોકસભા ચુંટણી 2004માં ગુજરાતમાં ભાજપના નબળા પ્રદર્શન વખતે જ વ્યક્ત કર્યા હતાં. પછી તેઓ વિધાનસભા ચુંટણી 2007માં પણ મોદી વિરુદ્ધ હતાં, પરંતુ છેલ્લી ઘડીએ તેઓ પાણીમાં બેસી ગયા હતાં. ભાજપ તરફથી કેશુભાઈને મનાવવાના અનેક પ્રયત્નો થયાં, પરંતુ કેશુભાઈ માત્ર મોદીના માથાથી જ સંતોષ માને એમ હતાં. અંતે કેશુભાઈ આ ચુંટણીમાં ખુલીને બહાર આવી ગયાં. અત્યાર સુધી પક્ષમાં રહીને નેતાગીરી અને મોદીનો વિરોધ કરનાર કેશુભાઈએ ભાજપ સાથે છેડો ફાડી નવી ગુજરાત પરિવર્તન પાર્ટી બનાવી અને વિધાનસભા ચુંટણી 2012માં મોદી સામે પડકાર ફેંક્યો છે. કેશુભાઈનો એકમાત્ર ધ્યેય મોદીને પરાજિત કરવાનો છે, પરંતુ... જો એવું ન બને તો? કેશુભાઈ ગુજરાતમાં 1995માં પ્રથમ વાર ભાજપની સરકાર બનતાં મુખ્યમંત્રી બન્યા હતાં. જોકે સાત માસમાં જ તેમની સરકાર પડી ભાંગી હતી. શંકરસિંહ વાઘેલાએ બળવો કરી ભાજપ સાથે છેડો ફાડ્યો અને પછી કોંગ્રેસના ટેકાથી પોતે મુખ્યમંત્રી બની ગયાં, પણ ટેકાવાળી સરકાર ચાલી નહીં. 1998માં થયેલ મધ્યસત્ર ચુંટણીમાં કેશુભાઈ ફરી સત્તા ઉપર આવ્યાં. કેશુભાઈએ સ્પષ્ટ રીતે જોયું કે પક્ષ સાથે દ્રોહ કરનાર વાઘેલાને પ્રજાએ પાઠ ભણાવ્યાં. છતાં પણ તેઓ એ જ રસ્તે ચાલી નીકળ્યાં છે. જો કેશુભાઈનો પક્ષ આ ચુંટણીમાં પરાજયનો સામનો કરે, તો ઉંમર પ્રમાણે જોતાં કેશુભાઈ પછી ક્યારેય બેઠા નહીં થઈ શકે. કેશુભાઈ માટે પણ આ ચુંટણીનો પરાજય તેમના રાજકીય પરાભવનો કારણ જ બની રહેશે.

શંકરસિંહ વાઘેલા

ગુજરાતમાં સશક્ત અને દબંગ ક્ષત્રિય નેતા તરીકે પ્રસિદ્ધ શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ પક્ષમાં છે. તેઓ પણ ગુજરાતમાં જનસંઘ તેમજ ભાજપના સંસ્થાપક સભ્યોમાંના એક છે. વાઘેલા એક સમયે ગુજરાત ભાજપના પ્રમુખ પણ રહી ચુક્યાં છે, પરંતુ 1995માં પહેલી વાર જ્યારે ગુજરાતમાં ભાજપને બહુમતી મળી, તો પક્ષે તેમને હાસિયે ધકેલી કેશુભાઈને મુખ્યમંત્રી પદે બેસાડ્યાં. બસ, ત્યારથી જ વાઘેલા પક્ષ સામે નારાજ થયાં અને તેમની નારાજગીએ માત્ર સાત માસમાં જ કેશુભાઈની સરકારનો ભોગ લઈ લીધો. વાઘેલા પક્ષના કેટલાંક ધારાસભ્યો તોડ્યાં અને કેશુભાઈ સરકારની પડી ભાંગી. જોકે વચલા માર્ગ તરીકે કેશુભાઈની જગ્યાએ સુરેશ મહેતાને મુખ્યમંત્રી પદે બેસાડવામાં આવ્યાં, પણ તેઓ લાંબુ ટકી ના શક્યાં. અંતે સુરેશ મહેતાની સરકાર પડતાં રાષ્ટ્રપતિ શાસન આવ્યું અને પછી સુષુપ્ત વિધાનસભા દરમિયાન વાઘેલાએ રાષ્ટ્રીય જનતા પક્ષ રચી કોંગ્રેસના ટેકા સાથે સરકાર રચવાનો દાવો કર્યો. 1996માં વાઘેલા કોંગ્રેસના ટેકાથી પહેલી વાર ગુજરાતનાં મુખ્યમંત્રી બની ગયાં. તેઓ પણ માત્ર એક જ વરસ આ પદે રહી શક્યાં. કોંગ્રેસના દબાણ સામે વાઘેલાએ મુખ્યમંત્રી પદેથી ખસવું પડ્યું અને વચલા માર્ગ તરીકે રાજપમાંથી જ વાઘેલાના પ્રબળ ટેકેદાર દિલીપ પરીખને મુખ્યમંત્રી બનાવાયાં. પરીખ પણ લાંબુ ન ટકી શક્યાં અને અંતે બે વરસની રાજકીય અસ્થિરતા બાદ ગુજરાતમાં 1998માં મધ્યસત્ર ચુંટણીઓ આવી પડી. વાઘેલાએ પછી તો કોંગ્રેસનું શરણું લઈ લીધું, પણ કોંગ્રેસમાં તેમની કદર ન થઈ શકી. વિધાનસભા ચુંટણી 2002માં કોંગ્રેસે વાઘેલાની આગેવાનીમાં ચુંટણીઓ લડી, પણ મોદી આગળ તેઓ ચાલી શક્યાં નહિં. 2004માં વાઘેલા લોકસભામાં ચુંટાયાં અને મંત્રી પણ બન્યાં. કેન્દ્રમાં સત્તામાં હોવા છતાં વિધાનસભા ચુંટણી 2007માં વાઘેલાનો કોઈ પ્રભાવ દેખાયો નહિં અને પક્ષ હારી ગયો. લોકસભા ચુંટણી 2009માં તો વાઘેલા પોતે જ પંચમહાલથી ચુંટણી હારી ગયાં. હવે ફરી એક વાર પક્ષે તેમને વિધાનસભા ચુંટણી 2012ની બાગડોર સોંપી છે. તેમને કોંગ્રેસની ચુંટણી ઝુંબેશ સમિતિના પ્રમુખ બનાવાયાં છે, પરંતુ.... જો આ વખતે પણ કોંગ્રેસ પક્ષ હારી જાય તો? વધતી ઉંમરને જોતાં વાઘેલા માટે આ ચુંટણીમાં પક્ષનો પરાજય કમ સે કમ ગાંધીનગરની સત્તાની દાવેદારી બાબતમાં તો રાજકીય પરાભવ સમાન જ ગણાશે, કારણ કે જો કોંગ્રેસ હારી જાય અને મોદી ફરીથી સત્તામાં આવે, તો તેવી પરિસ્થિતિમાં નવી ચુંટણી 2017માં થાય. ત્યાં સુધી વાઘેલા કદાચ વધતી વય સામે લાચાર પણ બની શકે છે. એટલે જ કહી શકાય કે વાઘેલા માટે પણ આ ચુંટણીમાં તેમના પક્ષનો પરાજય તેમના રાજકીય પરાભવનું કારણ બની શકે છે.

કાશીરામ રાણા

ઉપરોક્ત તસવીરમાં ગુજરાત ભાજપના ચાર સ્તંભો એક સાથે ચર્ચા કરતાં દેખાય છે. તેમાંથી ત્રણ વિશે તો આપને જણાવ્યું. હવે સ્વર્ગસ્થ કાશીરામ રાણાની પણ વાત કરી લઇએ. કાશીરામ રાણા પણ શરુઆતથી ભાજપ સાથે હતાં, પરંતુ તેઓ પણ મોદીની નેતાગીરી સામે નારાજ હતાં. એટલું જ નહિં, તેમને લોકસભા ચુંટણી 2009માં પક્ષ તરફથી ટિકિટ પણ ન અપાઈ હતી. તેમનો અસંતોષ ત્યારે સામે આવી ગયો કે જ્યારે કેશુભાઈએ નવો પક્ષ રચ્યો. કાશીરામ રાણા કેશુભાઈના પક્ષમાં જોડાઈ ગયાં. કાશીરામ પણ ગુજરાત ભાજપમાં મુખ્યમંત્રી પદના ઉમેદવારોમાંના એક હતાં. તેમની રાજકીય ખેવના ક્યારેય પૂરી ન થઈ શકી. જોકે તેઓ કેન્દ્રમાં ભાજપ-એનડીએની સરકારમાં મંત્રી બની ચુક્યા હતાં, પરંતુ ગુજરાતમાં મોદીના નેતૃત્વ વિરુદ્ધ તેઓ કેશુભાઈ સાથે ગયાં. પક્ષની બેઠકમાં તેઓ ભાગ લેવાના હતાં કે અચાનક તેમને હૃદય રોગનો હુમલો આવ્યો અને તેઓ આ ફાની દુનિયા છોડી ચાલ્યા ગયાં. તેમના ભાવી અંગે હવે કઇં પણ કહેવાનો કોઈ મતલબ જ નથી રહેતો.

English summary
Gujarat assemly election 2012 is the last war for Narendra Modi, Shankar singh Vaghela and Keshubhai patel.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X