વિજય નગર ખાતે કોરોના રસી લેવા સોશિયલ ડિસ્ટંસીંગના ઉડ્યા ધજાગરા
વિજયનગર આરોગ્ય કેન્દ્ર ખાતે આજે કોરોના વેક્સીન લેવા માટે એકસાથે લોકોનો ધસારો જોવા મળ્યો હતો. બે દિવસ માટે રસીકરણ પ્રક્રિયા બંધ રહી ત્યારપછી આજથી ફરીથી રસીકરણ ચાલુ થયુ હોઈ લોકો વેક્સીન લેવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ દરમિયાન સોશિયલ ડિસ્ટંસીંગના ધજાગરા ઉડ્યા હતા. આ દ્રશ્યો જોઈને લાગતુ હતુ કે હજુ હમણાં જ કોરોના મહામારીની બીજી લહેર પૂરી થઈ છે ત્યાં જાણે લોકોને કોરોનાનો કોઈ ડર જ ન હોય એમ રસીકરણ માટે વિજયનગર આરોગ્ય કેન્દ્ર પર ધસારો કરી મૂક્યો હતો.

વેક્સીનની પ્રક્રિયા દરમિયાન આજે વિજયનગર જાણે કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે આરોગ્ય વિભાગના રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે ગુજરાત રાજ્યમાં 11 જુલાઈ સુધી 2,42,96,959 કોરોના વાયરસ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે અને કોરોના વાયરસ વેક્સીનની 2,76,37,323 ડોઝ પૂરો પાડવામાં આવી ચૂક્યો છે. રિકવરી રેટ પણ વધીને 98.7% થઈ ગયો છે. એટલે કે દર 100 દર્દીઓમાંથી 98 લોકો રિકવર થઈ રહ્યા છે.