
પીએમ મોદીએ અમદાવાદના બોપલ ખાતે IN-SPACe નું ઉદ્ધાટન કર્યુ!
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના બોપલ ખાતે ઇન-સ્પેસ (IN-SPACe) નું ઉદ્ધાટન કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં કર્યુ હતું. આ પ્રસંગે ઇન-સ્પેસ અને ખાનગી ક્ષેત્રના ૧૦ સ્ટાર્ટઅપ્સ વચ્ચે MoU પણ થયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટરમાં ભારતના અવકાશ ઉદ્યોગમાં ક્રાંતિ લાવવાની ક્ષમતા છે. પ્રાઇવેટ સેકટર હવે સ્પેસ સેક્ટરમાં બીગ વિનરની ભૂમિકા ભજવશે. આવનારા સમયમાં માનવ સમુદાયના ઉજ્જવળ ભવિષ્ય માટે અવકાશ ક્ષેત્રની તાકાત મહત્વની પૂરવાર થશે.
વડાપ્રધાને વધુમાં કહ્યું કે, ૨૧મી સદીના આધુનિક ભારતની વિકાસયાત્રામાં એક વધુ અધ્યાય ઈન-સ્પેસ હેડ ક્વાર્ટર'ના રૂપમાં ઉમેરાયો છે. ભારત આગામી દિવસોમાં સ્પેસ ક્ષેત્રે નવી ઊંચાઈઓ હાંસલ કરશે. ઇન-સ્પેસ ભારતના યુવાનોને, ભારતના બેસ્ટ માઇન્ડને પોતાનું ટેલેન્ટ બતાવવાનો અવસર આપશે પછી ભલે તે સરકારમાં હોય કે ખાનગી ક્ષેત્રમાં હોય ઇન-સ્પેસ તમામ વર્ગના લોકોને શ્રેષ્ઠ અવસર પ્રદાન કરશે.
આ અવસરે વડાપ્રધાનેએ શિક્ષકોને અપીલ કરતા કહ્યું કે, વિદ્યાર્થીઓને સ્પેસથી જોડાયેલી ભારતીય સંસ્થાઓ અને સેન્ટરોની મુલાકાત કરાવે અને તેમને આ વિશે માહિતગાર પણ કરવા જોઇએ.
કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહે જણાવ્યું કે, ઇન-સ્પેસના મુખ્યાલયના ઉદઘાટન સાથે જ ભારતે સ્પેસ ક્ષેત્રે ખૂબ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. સ્ટાર્ટ અપ, ખાનગી ક્ષેત્ર અને યુવાનોના સંશોધનોને જોડીને એક ઈકોસિસ્ટમ બનાવી, ભારતને અંતરિક્ષ ક્ષેત્રમાં આગળ વધારવાનું સપનું બે વર્ષ પહેલા નરેન્દ્રભાઈએ જોયું હતું. આવનારા સમયમાં અંતરીક્ષ ઉદ્યોગ ક્ષેત્ર અર્થતંત્રમાં પણ નોંધપાત્ર રીતે કોન્ટ્રીબ્યુટર બનશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, અવકાશ વિજ્ઞાનમાં રુચી ધરાવતા વિદ્યાર્થીઓ, શિક્ષકો, ખાનગી કંપનીઓ કે ઉદ્યોગો હવે ઈસરો સાથે ભાગીદારીમાં સ્પેસ પ્રોજેક્ટ કરી શકશે. વડાપ્રધાનના માર્ગદર્શનને પરિણામે ભારતે ડિફેન્સ, સ્પેસ, રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ, સ્ટાર્ટઅપ અને ડોમેસ્ટિક પ્રોડક્શન ક્ષેત્રે હરણફાળ ભરી છે.
આ અવસરે નેશનલ સિક્યુરીટ એડવાઇઝર અજીત ડોભાલ, ઇસરોના ચેરમેન સોમનાથજી, ઇન સ્પેસના ચેરમેન પવન ગોયેન્કા, ગુજરાત ભાજપાના અધ્યક્ષ સી.આર.પાટીલ, ભારતના સ્પેસ ઇન્ડ્સ્ટ્રીના પ્રતિનિધિઓ તેમજ ઇન સ્પેસના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.