India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવલખી બંદરને બંધ કરવા પોલ્યુશન કન્ટ્રોબ બોર્ડનો આદેશ

|
Google Oneindia Gujarati News
રાજકોટ, 16 મે : માળિયા મીંયાણા તાલુકાના નવલખી બંદરને પ્રદુષણના કારણે બંધ કરી દેવાનો પોલ્‍યુશન કંટ્રોલ બોર્ડે આદેશ આપતા ખળભળાટ મચી ગયો છે અને 15 મે, બુધવારે બપોરથી જ પોર્ટ બંધ કરી દેવાની ક્રમશઃ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રાજાશાહીના સમયમાં બનાવવામાં આવેલ નવલખી બંદર સૌરાષ્‍ટ્રનું એક માત્ર બંદર એવું હતું જે બારમાસી બંદર તરીકે ઓળખાતું પરંતુ છેલ્લા 13-14 વર્ષ પહેલાં આ બંદર પર આયાતી કોલસો ઉતરવાનું શરૂ થતાં અહીંથી નિકાસ થતા અનાજ-કઠોળ-મીઠા સહિતના વેપાર બંધ થઇ ગયા અને છેલ્લા આ વર્ષો બાદ માત્ર ચાયના અને ઇન્‍ડોનેશીયાથી આયાત થતા કોલસાના પરિવહન માટેનું બંદર બની ગયું.

મેરીટાઇમ બોર્ડ દ્વારા સંચાલિત આ બંદર છેલ્લા ઘણા સમયથી પ્રદુષણ અને ભ્રષ્‍ટાચારના મામલે અવાર નવાર અખબારોમાં ચમકતું રહ્યું છે. અને પ્રદુષણથી તંત્ર આવી ગયેલા આજુબાજુના ગ્રામજનો અને સામાજીક કાર્યકરોએ તે બાબતે અનેક વખત રજુઆતો કરી છે અને આંદોલનો પણ ચલાવાયા છે. છતાં નવલખી પોર્ટના પેધી ગયેલા અધિકારીઓએ કાયમ આંખ આડા કાન કર્યા છે.

પ્રદુષણ નિયંત્રણની જવાબદારી જેના શીરે છે તેવા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓએ નવલખી બંદર પરથી પ્રદુષણ (કોલસાની ઉડતી ડસ્‍ટ-દુર્ગંધ) દુર કરવા અનેક વખત નોટીસો આપી હતી અને એકાદ માસ પૂર્વે 20 દિવસની છેલ્લી નોટીસ આપી પ્રદુષણ સદંતર નાબુદ કરવા અલ્‍ટીમેટમ આપ્‍યું હતું.

નોટીસ પાઠવ્‍યાના 20 દિવસ ઉપરાંતનો સમય ગાળો વીતી જવા છતાં નવલખી બંદર પર જવાબદાર અધિકારીઓના પેટનું પાણી પણ ન હલતાં પાંચેક દિવસ પૂર્વે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પોર્ટનું વીજ કનેકશન કાપી નાખવામાં આવ્‍યું હતું.વીજ કનેકશન કાપી નાખવાના પાંચ દિવસ વિતવા છતાં તંત્રવાહકો કુંભકર્ણની નિંદ્રામાંથી નહીં જાગતા 15 મેના રોજ સવારે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા બંદરનો વહીવટ તાત્‍કાલીક બંધ કરી દેવાનો લેખિતમાં હુકમ કરવામાં આવતા અળભળાટ મચી ગયો હતો.

આ બાબતે પોર્ટ ઓફીસર કેપ્‍ટન મોહંતીનો સંપર્ક કરતાં તેમણે આ વાતને સમર્થન આપ્‍યું હતું અને બુધવારે 11 વાગ્‍યાથી જ બંપર પરથી ટ્રકોને નીકળી જવા સહિત બંદર બંધ કરવાની કાર્યવાહી આરંભી દીધાનું જણાવ્‍યું હતું. માત્ર અને માત્ર પોર્ટ અધિકારીઓની બેદરકારીના કારણે આજે પોર્ટને બંધ કરી દેવામાં આવતાં ઘણી વિષમ પરિસ્‍થિતિઓનું નિર્માણ થશે તે સ્‍વાભાવિક છે.

નવલખી પોર્ટ પર ચાયના અને ઇન્‍ડોનેશીયાથી ઇન્‍ડસ્‍ટ્રીયલ કોલસો આવે છે અને અહીંની લગભગ 15 થી 20 પાર્ટી આયાતી માલ પોર્ટ પર ઉતારે છે. આ બંદર પર કાયમ પાંચ લાખ ટન કોલસો પડયો હોય છે અને ત્‍યાંથી રોજના બે થી ત્રણ હજાર ટન કોલસો ટ્રક અને ટ્રેન માફરતે બ્‍યાવર અને સાબરમતી પાવર પ્‍લાન્‍ટમાં ઉદેપર સ્‍થિત હિન્‍દુસ્‍તાન ઝીંકમાં સીમેન્‍ટ પ્‍લાન્‍ટમાં તમામ સિરામીક ઇન્‍ડસ્‍ટ્રીઝ અને ઇંટોના ભઠ્‍ઠ્ઠામાં મોકલવામાં આવે છે.

સ્‍વાભાવિક છે કે નવલખી બંદર પરથી કોલસાની પરિવહન બંધ થશે અને જરૂરતમંદ એકમોને મુખ્‍ય ઇંધણ એવો કોલસો નહીં મળે તો પાવર પ્‍લાન્‍ટ અને ઇન્‍ડસ્‍ટ્રીઓ મુશ્‍કેલીમાં મુકાશે. આજથી જ આ પોર્ટ પરથી નિયમિત પરિવહન કરતા 300થી વધારે ટ્રકના પૈડા થંભી ગયા છે. આ કોલસાના પરિવહન પાછળ સીધી કે આડકતરી રીતે હજારો લોકો નભી રહ્યા છે પોતાની રોઝી રળી રહ્યા છે તેઓ પણ આજથી બેકાર બની ગયા છે.

પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા અનેક વખતની નોટીસો આપવા છતાં પોર્ટ અધિકારી સહિત તંત્રની આંખ નહીં ખુલતાં પ્રદુષણ બોર્ડે નિયમાનુસાર કાર્યવાહીના આદેશ આપ્‍યા છે બાકી હજારો લોકોની છીનવાયેલ રોઝી રોટી અને ઇંધણની જરૂરીયાતના પગલે ઉભી થનાર તમામ મુશ્‍કેલીઓ માટે બંદરનું વહિવટી તંત્ર જ જવાબદાર હોવાનો લોકમત પ્રવર્તી રહ્યો છે.

English summary
Pollution Control Board's order to close Navlakhi Port.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X