અમદાવાદઃ ગુરૂ ગોવિંદસિંહની 350મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી
સોમવારે ગુરુ ગોવિંદસિંહની 350મી જન્મ જયંતિ નિમિત્તે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પ્રકાશ પર્વ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સ્તરના આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાજરી આપી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી આ પ્રસંગે કહ્યું કે, આ મહાન વિભૂતિનું યથોચિત ગૌરવ-સન્માન કરવાની રાજ્ય સરકારને તક મળી એ ઘણી ખુશીની વાત છે. રાષ્ટ્ર પર જ્યારે-જ્યારે આપત્તિ આવી છે ત્યારે બલિદાન અને ત્યાગ આપવામાં શીખ સમુદાયે પાછી પાની કરી નથી.
તેમણે આ સંદર્ભે આગળ કહ્યું કે, આઝાદીના કાળખંડમાં કે આઝાદી પૂર્વે દેશમાં જનજુવાળ જગાવવામાં શીખ સમુદાયના સંતોએ પ્રેરણા આપી છે. મુખ્યમંત્રીએ ગુજરાત અને શીખ સંપ્રદાયના સંબંધની ઐતિહાસિક ભૂમિકા આપતાં જાહેર કર્યું કે, ગુરૂ ગોવિંદસિંહના શિષ્ય મોહકમસિંઘના વતન બેટ દ્વારકાના ગુરૂદ્વારાના સર્વાંગી વિકાસ માટે રૂપિયા 5 કરોડ તથા કચ્છના લખપતમાં ગુરૂ નાનક સાહેબે જ્યાં મુલાકાત કરી હતી, તે ગુરૂ્દ્વારાના વિકાસ માટે 5 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. કુલ રૂપિયા 10 કરોડના ખર્ચે પ્રવાસન વિભાગ દ્વારા આ બન્ને સ્થાનોનો સર્વગ્રાહી વિકાસ કરવામાં આવશે.
