રૂપાલાના ચાબખા, 'દડો ત્યાં જ રહી ગયો અને બેટ બાઉન્ડ્રી બહાર'
પુરષોત્તમ રૂપાલાએ વડાપ્રધાન મનમોહનસિંહે ચૂંટણી પ્રચારમાં કરેલા એક ભાષણ પર વળતો પ્રહાર કર્યો હતો. વડાપ્રધાને જણાવ્યું હતું કે ગુજરાતમાં લઘુમતીઓ સલામત નથી. પુરષોત્તમ રુપાલાએ જણાવ્યું કે દેશમાં લઘુમતી ક્યા સલામત છે મને સરનામું આપો તો તેમને ત્યાં મોકલીએ. તેમણે આકરા પ્રહારો કરતા જણાવ્યું કે એક દેશના વડાપ્રધાન તરીકે આવી ટીપ્પણી કરાતી હશે.
રૂપાલાએ કહ્યું કે તમારે ચૂંટણી પ્રચારમાં તમારા કોઇ એવા નેતાનું તો ઉદાહરણ આપવુંતું કે જેણે વિકાસાત્મક કામ કર્યું હોય. હું તો કાશ્મીરથી તમિલનાડુ સુધી અમારા નરેન્દ્ર મોદીનું ઉદાહરણ આપુ છું. પીએમે કહ્યું હતું કે ગુજરાતમાં છોકરાઓ ભુખ્યા મરે છે માટે અમને મત આપો. અરે ગુજરાતમાં તો કૂતરી વિવાયને તો એને શીરો બનાવીને ખવડાવવાનો ગુજરાતની પ્રજાનો રિવાઝ છે.
દિલ્હીમાંથી આખું ટોળુ ગુજરાતમાં ઉમટી પડ્યું હતું ગુજરાતને બદનામ કરવા. પરંતુ એ લોકોને તો ગુજરાતના મતદારોએ બરાબરનો પાઠ ભણાવ્યો છે. અરે ચૂંટણી આવી રીતે લડાતી હશે? હજી તો દિલ્હીના નેતાઓ એમ કહે છે કે કોંગ્રેસ જીતી છે ગઇ વખત કરતા વધારે બેઠક મેળવી છે, ભગવાન કરે આવા પરિણામ આવતા રહે અને તમે જીતનો સંતોષ માનતા રહો.
પુરષોત્તમ રુપાલાએ મોદીના રાજમાં 108 સેવાની વાત કરતા જણાવ્યું કે નરેન્દ્ર ભાઇ મુખ્યમંત્રી બન્યા એ પહેલા હોસ્પિટલ પહોંચ્યા પહેલા લોકો મરી જતા, આવી વ્યવસ્થા ન્હોતી. હવે 108 ડાયલ કરો અને દસ મિનિટમાં તો એમ્બ્યુલન્સ હાજર થઇ જાય છે. અરે ઇન્દ્રના ત્યાંય સોંપો પડી ગયો છે. ઇન્દ્ર યમને પૂછે છે કે ગુજરાતનો કોટા કેમ પૂરો નથી કરતો, યમ કહે છે કે શું કરું મારી જોડે જુનુ જ વાહન છે પાડો, હું પહોંચું એ પહેલા તો 108 પહોંચી જાય છે. તેમણે કહ્યું કે સુવાવળ થઇ ગયેલી મહિલાઓને ઘરે મુકવા જવાની એમ્બ્યુલન્સ 'ખિલખિલાટ' પણ અલગ છે. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી રાત્રે 11.30 સુધી મારુ ગુજરાત, મારા ગુજરાતીઓ એટલા માટે કરતા કેમકે એમને તમારા પર વિશ્વાસ હતો.
રૂપાલાએ કેશુભાઇનું નામ લીધા વગર જ તેમની પર પ્રહારો કરતા જણાવ્યું કે 'લોકો જબરા ચૂંટણીમાં અપપ્રચાર કરતા હતા પણ 'દળો પીચ પર રહી ગયો અને બેટ બાઉન્ડ્રી બહાર જતુ રહ્યું.' તો પણ મોદીના સંસ્કાર તો જુઓ કે સામે ચાલીને તેમને વડીલ ગણીને મળવા ગયા. તેમણે મણિનગરના મતદારોને ઉલ્લેખીને કહ્યું કે તમને સલામ કરવાનું મન થાય છે તમે આવા ધારાસભ્યને ચૂંટી લાવ્યા છો. એની જનેતાને એના દૂધને સલામ કરવી પડે કે તેણે આવો સપૂત જણ્યો. તેમણે છેલ્લે જણાવ્યું કે
ગુજરાતમાં શાંતિ અને સલામતિ જીતી ગઇ છે.