જાણો તમારા ઉમેદવારને: જામનગર ગ્રામીણથી ભાજપના રાઘવજીભાઈ પટેલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો દાવો છે કે તે એક એક બેઠક પર પોતાની નજર બનાવીને આ ચૂંટણી લડી રહી છે. વળી વિધાનસભાની સીટ પરના ઉમેદવારોની યાદી અને વિવાદો પણ આ ચૂંટણીને વધારે રસપ્રદ બનાવી રહ્યા છે, ત્યારે 17 નવેમ્બરના ભાજપ દ્વારા ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં જામનગર ગ્રામીણની વિધાનસભા સીટ પરના ઉમેદવાર તરીકે રાઘવજીભાઈ પટેલની પસંદગી કરવામાં આવી છે. તો રાઘવજીભાઈ પટેલ વિષે થોડુ જાણીએ. રાઘવજીભાઈનો જન્મ 1 જૂન 1958ના રોજ જામનગરના ધ્રોલમાં થયો હતો. રાઘવજીભાઈ પટેલ સપ્ટેમ્બર 2017માં ભાજપમાં જોડાયા હતા. તે પહેલા તેઓ કોંગ્રેસમાં હતા. તેમણે અહીં કોંગ્રેસને પંચાયતની ચૂંટણીમાં જીત અપાવી હતી.
વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં રાઘવજીભાઈ 60,499 મતોથી વિજયી થયા હતા. તેમણે ભાજપના ઉમેદવાર રણછોડભાઈ ફલડુને હરાવ્યા હતા. પરંતુ કોઈક કારણસર કોંગ્રેસ સાથે તેમને અણબનાવ થતા 2017માં જ તેમણે કોંગ્રેસથી છેડો ફાડ્યો અને ભાજપમાં જોડાયા. ભાજપે પણ જુના અને જીતેલા ઉમેદવારને ફરી આ જ સીટ પરથી ઊભા રાખ્યા છે. myneta. in પરથી મળતી માહિતી અનુસાર તેમણે બી.એ. એલ.એલ.બી. સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પત્નીનું નામ કાંતાબેન છે. રાઘવજીભાઈના પિતાનું નામ હંસરાજ પટેલ છે. 1990માં રાઘવજીભાઈ પહેલી વખત વિધાનસભાની ચૂંટણી લડ્યા હતાં