'વટહુકમના વટ' સાથે રાહુલ આવી પહોંચ્યા અ'વાદમાં!
અમદાવાદ, 3 ઓક્ટોબર: કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે સવારે દસ વાગે અમદાવાદના હવાઇ મથક પર આવી પહોંચ્યા હતા. રાહુલ ગાંધી અમદાવાદમાં આજે અને આવતી કાલ માટે રોકાવાના છે અને કાર્યકર્તાઓને મળીને આગામી ચૂંટણી માટે રણનીતિ ગઢવાના છે. વટહુકમના વટ સાથે એટલા માટે કારણ કે કેન્દ્રની યુપીએ સરકારે કલંકિત નેતાઓને બચાવવાના વટહુકમ પર તેમનો વિરોધ નોંધાવ્યા બાદ પરત ખેંચી લીધો છે.
કોંગ્રેસ ઉપાધ્યક્ષે સવાલે દસ વાગ્યાની આસપાસ અમદાવાદમાં આવી પહોંચ્યા હતા, ત્યાંથી તેઓ સીધા ગાંધીજીના સાબરમતી આશ્રમની મુલાકાતે ગયા હતા, ત્યાં તેમણે હૃદયકુંજ, સંગ્રહાલયને બારીકાઇથી જોયું હતું. અત્રે તેમણે આશ્રમની વીઝીટ બુકમાં લખ્યું હતું કે ''હું મહાત્મા ગાંધી અને તેમના વિચારોનો અનુયાયી છું. - રાહુલ ગાંધી" બાદમાં તેમણે કોંગ્રેસી નેતાઓને પણ મળ્યા હતા. અત્રેથી તેઓ સીધા રાજીવ ગાંધી ભવન જવા માટે નીકળી ગયા હતાં.
રાહુલ ગાંધી અત્રે રાજીવ ગાંધી ભવન ખાતે અમદાવાદ, આણંદ, ખેડા, દાહોદ, પંચમહાલ, વલસાડ, નવસારી, ડાંગ, સુરત શહેર, સુરત જિલ્લો, તાપી, ભરૂચ, નર્મદા, વડોદરા શહેર, વડોદરા જિલ્લાના પદાધિકારીઓ સાથે વાર્તાલાપ કરશે. ત્યારબાદ એન.એસ.ય.આઈ.ની રાષ્ટ્રીય કારોબારી અને ગુજરાતના એન.એસ.યુ.આઈ.ના કારોબારી સભ્યોને માર્ગદર્શન આપશે.
ત્યારબાદ સાંજે 4.૦૦ કલાકે ગુજરાત યુનિવિસર્ટી કન્વેન્શન હોલ, હેલ્મેટ સર્કલ ખાતે દક્ષિણ અને મધ્ય ગુજરાતના ચૂંટાયેલા પ્રતિનિધીઓ સાથેની બેઠકમાં રાહુલ ગાંધી હાજર રહેશે.
તારીખ 4 ઓક્ટોબર
તારીખ 4 ઓક્ટોબરના રોજ અખિલ ભારતીય કોંગ્રેસ સિમિતના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સૌરાષ્ટ-કચ્છના રાજકોટ શહેર, રાજકોટ જિલ્લો, જૂનાગઢ શહેર, જૂનાગઢ જિલ્લો, પોરબંદર શહેર, પોરબંદર જિલ્લો, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર શહેર, ભાવનગર જિલ્લો, જામનગર શહેર, જામનગર જિલ્લાના પદાધિકારીઓ સાથે નીલ સીટી ક્લબ શેરી મોનીયલ ગાર્ડન શેરી મોનીયલ ગાર્ડન રાજકોટ ખાતે સવારે 1૦-૦૦ કલાકે બેઠક કરશે. તેમજ સાંજે 5-૦૦ કલાકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ એક્ષટેન્ડેન્ટ એક્ઝિક્યુટિવ કમીટીની બેઠકમાં હાજરી આપી સંબોધન કરશે.
આગામી પડાવ ઉત્તર પ્રદેશ
ગુજરાત બાદ રાહુલ ગાંધીનો આગામી પડાવ ઉત્તર પ્રદેશ હશે, જ્યાં તે તાબડતોડ રેલીઓ કરવાના છે. તેમાં સૌથી મહત્વપૂર્ણ અલીગઢની રેલી માનવામાં આવી રહી છે 27 સપ્ટેમ્બરના રોજ નવા ભૂમિ અધિગ્રહણ બિલ પર રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પોતાની મોહર લગાવી પાસ કર્યા બાદ રાહુલ ગાંધી હવે અલીગઢ આવીને ખેડૂતોને એ સંદેશો આપવા માંગે છે કે કોંગ્રેસ ખેડૂતોની હિતેચ્છુ છે.
કોંગ્રેસના રણનિતીકારોના મત મુજબ પાર્ટી શાસિત રાજ્યો હરિયાણા અને દિલ્હીમાં ભૂમિ અધિગ્રહણ કાયદો લાગૂ કરીને કોંગ્રેસ બીજા રાજકીય દળો કરતાં સારી સ્થિતીમાં છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ સરકારે તેને હજુ સુધી લાગૂ કર્યો નથી, માટે પાર્ટી પોતાના પક્ષમાં માહોલ તૈયાર કરવા માટે મોટા હથિયાર તરીકે ઉપયોગ કરી શકે છે.