• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મોદીજીનું ગુજરાત વિકાસ મોડલ ખોખલું છે: રાહુલ ગાંધી

By Shachi
|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ફરી એકવાર ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે છે અને આ દરમિયાન તેઓ મુખ્યત્વે મધ્ય ગુજરાતની મુલાકાત લેનાર છે. સોમવારે સવારે અમદાવાદ હાથીજણા ખાતે તેમણે આ નવસર્જન યાત્રા શરૂ કરી હતી. આ દરમિયાન ખાત્રેજ ખાતે રાહુલ ગાંધીએ ફરી એકવાર નોટબંધી તથા જીએસટીના મામલે ભાજપ સરકાર તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. ત્યાર બાદ નડિયાદના સંતરામ મંદિર ખાતે તેમણે દર્શન કર્યા હતા. અહીં જનમેદનીને સંબોધતા તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધા પ્રહારો કર્યા હતા. સાથે જ તેમણે સરદાર પટેલના જન્મસ્થળની મુલાકાત પણ લીધી હતી. નડિયાદથી રાહુલ ગાંધીની નવસર્જન યાત્રા પેટલાદ અને ત્યાંથી બોરસદ પહોંચી હતી.

'વિજય માલ્યા લંડનમાં મજા કરે છે'

બોરસદ ખાતે વિશાળ જનસભાનું સંબોધન કરતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'ધર્મ કહે છે કે સૌને માટે દરવાજા ખુલ્લા રાખો. નરેન્દ્ર મોદીજી, એનડીએ દરેક સ્ટેજ પરથી ધર્મની વાતો કરે છે, પરંતુ ગુજરાતમાં માત્ર 10 ઉદ્યોગપતિઓની સરકાર ચલાવે છે. રાજ્યમાં નાના વેપારીઓ, દુકાનદારો, ખેડૂતો, મજૂરો માટે સરકારના દરવાજા બંધ છે. એક તરફ ધર્મની વાતો થાય છે, પરંતુ જ્યારે કામ કરવાનો સમય આવે ત્યારે ધર્મનું પાલન નથી થતું. જેમની પાસે હજારો કરોડ રૂપિયા છે, માત્ર એમની મદદ કરવામાં આવે છે. ખેડૂતોનું દેવું માફ નથી થતું, પરંતુ બેંકો પાસેથી 9 હજાર કરોડ લઇને વિજય માલ્યા લંડનમાં મજા કરે છે.'

'મોદીજીનું વિકાસ મોડલ ખોખલું છે'

'મોદીજીએ કહ્યું હતું કે, તેઓ દર વર્ષે 2 કરોડ યુવાઓને રોજગાર આપશે. દરે 24 કલાકે 30 હજાર નવા યુવાઓ નોકરી શોધવા નીકળે છે. અમે પાર્લામેન્ટને પૂછ્યું કે, તમે 24 કલાકમાં કેટલા લોકોને રોજગાર આપો છો? જવાબ મળ્યો, આખા ભારતમાં 24 કલાકમાં 450 લોકોને રોજગાર મળે છે. જીએસટી લાવ્યા, નોટબંધી કરી, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયાની વાત થઇ, લાખો વેપારીઓનું નુકસાન થયું, ખેડૂતોને નુકસાન થયું. આજે ગુજરાતમાં 30 લાખ યુવાઓ બેરોજગાર છે. તો મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયાથી ફાયદો કોને થઇ રહ્યો છે? ગુજરાતમાં છેલ્લા 22 વર્ષથી આ થઇ રહ્યું છે, ગરીબોને દબાવવામાં આવે છે અને 5-10 લોકોનો વિકાસ થાય છે. અહીં મોંઘવારી વધતી જાય છે અને બીજી બાજુ મોદીજી ગુજરાત મોડલની વાત કરતા જાય છે. પરંતુ આ વિકાસનું મોડલ ખોખલું છે, એની અંદર કંઇ નથી.'

અમિત શાહના નામે કર્યા પ્રહારો

પેટલાદમાં રણછોડજી મંદિર ચોક ખાતે લોકોનું સંબોધન કરતાં રાહુલ ગાંધીએ અમિત શાહના પુત્ર જય શાહના મામલે પ્રહારો કરતાં કહ્યું હતું કે, 'મેક ઇન ઇન્ડિયા અને સ્ટાર્ટ અપ ઇન્ડિયાનો સૌથી વધુ ફાયદો અમિત શાહના પુત્રની કંપનીને થયો છે. આ બંને યોજનાઓ સફળ રહી, પરંતુ નાના વેપારીઓને આનો કોઇ ફાયદો ન થયો. પીએમ મોદીએ કહ્યું હતું કે, તેઓ ખાશે નહીં, ખાવા પણ દેશે નહીં! હવે તેઓ એક પણ શબ્દ બોલી શકતા નથી. તેમણે કહ્યું હતું કે, હું વડાપ્રધાન નહીં, દેશનો ચોકીદાર બની રહ્યો છું. ખબર નહીં ચોકીદાર આ મામલે આટલા શાંત અને ચૂપ કેમ છે?'

rahul gandhi in gujarat

સરકારનું કામ લોકોને શિક્ષણ અને રોજગાર આપવાનું હોય છે

'દુનિયાના દેશોમાં પેટ્રોલની કિંમત ઘટી રહી છે, તો ગુજરાતમાં ડીઝલ-પેટ્રોલની કિંમત વધી કેમ રહી છે? આ વધેલી કિંમતનો ફાયદો ખેડૂતો કે મજૂરોને મળે છે? આ કયા લોકો છે, જેને વધુ કિંમતનો ફાયદો થયો છે. એ 10 લોકો છે, હું એમનું નામ નહીં લઉં, એ 10 વેપારીઓનું નામ તમે જાણો છો. ખેડૂતો, નાના દુકાનદારો, નાના વેપારીઓનો ઉધાર માફ થયો? માત્ર 10 લોકોને ફાયદો થયો છે. કોંગ્રેસ પાર્ટી આવશે, તો અમારી શરૂઆત ગરીબ જનતાથી થશે. આજે ગુજરાતમાં ગરીબો માટે કોલેજના દરવાજાઓ બંધ છે, કોંગ્રેસ પાર્ટી આવશે તો યુનિવર્સિટી, કોલેજોના દરવાજાઓ તમારા માટે ખુલશે. સરકારનું કામ લોકોને શિક્ષણ અને રોજગાર આપવાનું હોય છે, સામાન્ય લોકોની જમીન ઝૂંટવવાનું, એડમિશન માટે લાખો રૂપિયા લેવાનું, સારવાર માટે લાખો રૂપિયા લેવાનું નથી હોતું.'

'વાજપાયીજીએ કહ્યું હતું, કોંગ્રેસે વિકાસનું કામ કર્યું છે'

નડિયાદના સંતરામ મંદિર ખાતે જનસભાને સંબોધતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'વાજપાયીજીએ કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીએ વિકાસનું કામ કર્યું છે. કોઇ પણ ભારતીય દેશના વિકાસ અંગે સવાલ કરે, તો એ ભારતના કરોડો લોકો પર પ્રશ્ન કરી રહ્યો છે એમ કહેવાય. કારણ કે આ દેશને દેશની જનતાએ ઊભો કર્યો છે, કોઇ પાર્ટી કે કોઇ વ્યક્તિએ નહીં. જ્યારે મોદીજી કહે છે કે, છેલ્લા 70 વર્ષમાં કંઇ નથી થયું, ત્યારે તેઓ કોંગ્રેસ પાર્ટી તરફ આંગળી નથી ચીંધી રહ્યા, તેઓ તમારા માતા-પિતા, પરદાદા, દાદા અને તમારી તરફ આંગળી ચીંધી રહ્યાં છે.'

PM મોદી પર સીધો વાર

'મોદીજી અને કોંગ્રેસ પાર્ટીમાં માત્ર એ તફાવત છે કે, અમે ભારતના ખેડૂતો, મજૂરો સહિત દરેક વ્યક્તિનો આદર કરીએ છે. અમે ક્યારેય એવુ નહીં કહીએ કે છેલ્લા 70 વર્ષમાં દેશમાં કંઇ નથી થયું. ગુજરાતમાં પરિવર્તન આવી રહ્યું છે. તમે જોયું જ હશે, મોદીજીના ચહેરા પરથી પણ ચમક જતી રહી છે. તેઓ વિકાસની વાતો કરે છે અને જુદી-જુદી યાત્રાઓ કાઢે છે. ગૌરવ યાત્રા, નર્મદા યાત્રા, આદિવાસી વિકાસ યાત્રા, વિકાસ યાત્રા. યાત્રા પર યાત્રાઓ જ કાઢે છે. ચૂંટણીના દિવસે ગુજરાતમાં નવી યાત્રા નીકળશે. એ યાત્રા હશે, ગુજરાતમાં પરિવર્તન લાવવાની યાત્રા. ગુજરાતનો અવાજ સાંભળવાની, ગુજરાતના દરેક વ્યક્તિનો આદર કરવાની યાત્રા, આ યાત્રા ગુજરાતના લોકો કાઢશે.

'મન કી બાત' કાર્યક્રમ અંગે રાહુલ ગાંધી

'ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે, એ ગુજરાતીઓની, ખેડૂતો, મજૂરો, નાના વેપારીઓની સરકાર હશે અને તે તમારી વાત સાંભળશે. આજ-કાલ આખા દેશમાં માત્ર એક વ્યક્તિના મનની વાત સંભળવા મળે છે, અમે તમને અમારા મનની વાત કહેવા નથી માંગતા, અમે તો તમારા મનની વાત સાંભળવા મંગીએ છીએ. આ મંદિરમાં જે પણ વ્યક્તિ જાય છે, ખુલીને પોતાના મનની વાત કહે છે. અમારી પણ આ જ પરંપરા છે.'

English summary
Rahul Gandhi Gujarat Visit Day 1, Rahul Gandhi is on 3 days Gujarat visit before Assembly Elections, he will be visiting Center Gujarat this time.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X