કોંગ્રેસમાં આંતરિક ઉથલ-પાથલ વચ્ચે આજે દાહોદ આવશે રાહુલ ગાંધી, આદિવાસી સત્યાગ્રહ રેલી કરશે
ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટી સંપૂર્ણપણે એક્ટિવ છે. આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આજે દાહોદમાં નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના મેદાનમાં એક આદિવાસી સમ્મેલનને સંબોધિત કરશે. જો કે રાજ્ય કોંગ્રેસ એકમના વરિષ્ઠ નેતાઓ મુજબ, રાહુલ ગાંધી ગુજરાતના પોતાના એક દિવસીય પ્રવાસના ભાગરૂપે દાહોદમાં રહેશે અને 2022ની વિધાનસભા ચૂંટણી પહેલાં 'આદિવાસી સત્યાગ્રહ' રેલીના ભાગ રૂપે સવારે 10 વાગ્યે સમ્મેલનને સંબોધિત કરશે. તેમણે જણાવ્યું કે સંબોધન બાદ બપોરે 2 વાગ્યે કોંગ્રેસના તમામ ધારાસભ્યો સાથે બેઠક મળશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે ભાજપ ભારતમાં આદિવાસી ભાઈઓ અને બહેનો માટે આપવામાં આવેલા સંવૈધાનિક વિશેષ અધિકારો છીનવી લેવાની કોશિશ કરી રહી છે. જ્યારે આદિવાસી લોકોનો અવાજ સાંભળવા માટે કોંગ્રેસના નેતા હંમેશા જમીન પર લડતા રહે છે. જેને પગલે અમારા નેતા રાહુલ ગાંધી મંગળવારે દાહોદ આવશે. જ્યાં તેઓ એક સમ્મેલનને સંબોધિત કરશે અને આદિવાસી બેલ્ટમાં સમુદાયના નેતાઓ સાથે વાતચીત કરશે.
કોંગ્રેસમાં ઉથલ-પાથલ
જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભા ચૂંટણી ડિસેમ્બરમાં થાય તેવી સંભાવના છે. ત્યારે કોંગ્રેસમાં આંતરિક ઉથલ-પાથલ ચાલી રહી છે. જેની સાથે જ પાર્ટી ગત દિવસોથી ભાજપ અને આમ આદમી પાર્ટીમાં પોતાના વરિષ્ઠ નેતાઓનો સતત પક્ષપલટાનો સામનો કરી રહી છે. ગત 4 દિવસ પહેલાં કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોતવાલ- જેઓ એક પ્રમુખ આદિવાસી નેતા છે, તેઓ વિધાનસભામાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ગયા હતા.