
ડોક્ટર સામે 2 વર્ષ નોંધાયો ગુનો, ધરપકડ બાદ જામીનથી હોબાળો
રાજકોટમાં ફરી એક વાર અંધાપાકાંડ થયો હતો. જેમાં સાધુ વાસવાણી હોસ્પિટલમાં ડોક્ટરે કરેલા મોતિયાના ઓપરેશન બાદ કેટલાક દર્દીઓની આંખોની દ્રષ્ટિ જતી રહી હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં પોલીસે મુખ્ય આરોપી ડોક્ટર હેતલ બખાઈ સહિતના 3 લોકોની ધરપકડ કરી છે. જોકે હજુ પણ બે મહિલાઓ ફરાર છે. આ સમગ્ર ઘટનામાં ધરપકડ બાદ થોડી વારમાં આરોપીઓ જામીન પર મુક્ત થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના રાજકોટ શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની હતી. તે બાદ ડોક્ટરને જામીન મળતા ભોગ બનેલા લોકોએ હોબાળો મચાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે એકતા સોસાયટીમાં 25 વારિયા મકાનમાં રહેતા અને મોતિયાના ઓપરેશનમાં દ્રષ્ટિ ગુમાવનાર રજાકભાઇ ઇબ્રાહીમભાઇની ફરિયાદ પરથી હોસ્પિટલના તબીબ ડૉ. હેતલ બખાઇ, ડૉ. માધવી આર. પંડયા અને સંગીતાબહેન નંદલાલ છંદાણી, અલીઝાબેથ જેમ્સપત અને કોકીલાબહેન નારણભાઇ ધામેચા સામે બેદરકારી સહિતના આરોપસરનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે, આ ઘટના બે વર્ષ અગાઉની છે. જેમાં ફરિયાદમાં એવું જણાવાયું છે કે, બે વર્ષ પહેલા તા. 19-12-15ના રોજ જંકશન પ્લોટમાં આવેલ સાધુ વાસવાણી હોસ્પિટલમાં આંખની સારવાર અને મોતિયા અંગેનો કેમ્પ રાખવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ડૉ. હેતલ બખાઇ દ્વારા રજાકભાઇની આંખની તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ તેમણે જમણી આંખમાં મોતિયો હોવાનું અને તા. 21-12ના રોજ આવવા જણાવ્યું હતું. તા. 21મીએ રજાકભાઇની આંખના મોતિયાનું ઓપરેશન ડૉ. બખાઇ, ડૉ. માધવી પંડયા અને તેના સ્ટાફના સંગીતાબહેન, એલીઝાબેથ, કોકીલાબહેન દ્વારા કરવામાં આવ્યું હતું. બીજા દિવસે આંખમાં ટીપા નાખતાં દુ:ખાવો ઉપડયો હતો અને આંખમાંથી પાણી નિકળવા લાગ્યું હતું અને દેખાવાનું બંધ થઇ ગયું હતું. તા. 23મીએ ફરી હોસ્પિટલે જતાં બીજા દર્દીઓ પણ ત્યાં આવ્યા હતાં અને તેને ડૉ. હેતલ બખાઇએ ઇન્ફેકશન થવાથી રીએક્સન આવ્યુ છે. તેમ જણાવીને વિદ્યાનગર પર આવેલા તબીબ પાસે જવાનું કહ્યું હતું. ત્યાં જઇને આંખની તપાસ કરાવતાં દ્રષ્ટિ જતી રહ્યાનું જાણવા મળ્યું હતું. આ કેમ્પમાં ઓપરેશન કરાવનાર 25માંથી 12ને તકલીફ થઇ હતી. જેમા સાત લોકોએ એક આંખ ગુમાવી હતી.