રાજકોટ : ભાઈ-બહેનનો પ્રેમ એક દાયકાનો એકાંતવાસ કેમનો બની ગયો?
“મારા ભાઈને નવડાવશો નહીં, એને શરદી થઈ જશે. એના વાળ ન કાપો એને વાગી જશે, મમ્મી નથી તો એની સંભાળ કોણ રાખશે?”
દસ વર્ષથી એકમેકને સાચવવા ઘરમાં પુરાઈ રહેલાં ત્રણ ભાઈબહેનોને બચાવનારી સામાજિક સંસ્થાના લોકો જ્યારે બે ભાઈને સ્નાન કરાવીને તેમનાં વાળ કાપી રહ્યા હતા, ત્યારે માતાના અવસાન બાદ ભાઈઓને પ્રેમ આપનારાં મેઘના મહેતા ચીસો પાડીને એમને રોકવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં.
મનોવિજ્ઞાનીઓ માટે પણ કેસ સ્ટડી સમાન આ ઘટનાના રાજકોટમાં મહેતા પરિવાર સાથે ઘટી છે.
આ પરિવારનાં ત્રણ મુખ્ય પાત્રો છે અને આશ્ચર્યની વાત એ છે કે મેઘના પોતે મનોવિજ્ઞાનમાં અનુસ્નાતક છે.
આ ઘટનાની શરૂઆત થાય છે ત્રણેયનાં માતા ચંદ્રિકાબહેન મહેતાથી.
મેઘના જન્મ્યાં ત્યારથી જ ચંદ્રિકાબહેનની તબિયત ખરાબ રહેતી હતી. મેઘના સમજણાં થયાં ત્યારે તેમણે જોયું કે તેમના મોટા ભાઈ અમરીશ માતાની ખૂબ સેવા કરે છે.
એ દસમા ધોરણમાં આવ્યાં ત્યારે માતાની તબિયત વધુ લથડી. ત્રણેય ભાઈબહેન વર્ષ 1995થી માતાની સારવારમાં લાગેલાં હતાં. 2010માં ચંદ્રિકાબહેનનાં અવસાન બાદ એ ત્રણેયે પોતાની જાતને ઘરમાં પૂરીને બહારની દુનિયા સાથેનો સંપર્ક તોડી નાખ્યો.
સંસ્થાને કેવી રીતે જાણ થઈ?
મેઘનાના પિતા નવીનભાઈ મહેતા સરકારી નોકરી કરતા હતા અને બાળકોની સંભાળ ચંદ્રિકાબહેન રાખતાં હતાં.
નવીનભાઈએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, “મારી પત્ની માટે એનું વિશ્વ હું અને મારાં સંતાનો હતાં અને મારા સંતાનો માટે એમની માતા જ કેન્દ્રસ્થાને હતી.”
“બાળકોને સામાન્ય છીંક આવે તો પણ ચંદ્રિકા આખી રાત જાગતી હતી. તેની બીમારી સમયે મેં જેટલી કાળજી રાખી, એનાથી વધારે કાળજી બાળકોએ રાખી હતી. તેના અવસાન પછી મારાં બાળકો સાવ ગુમસુમ રહેવાં લાગ્યાં. ધીમેધીમે એ લોકો એટલાં અંતર્મુખ થઈ ગયાં કે ઘરની અંદર રહેવાં લાગ્યાં, બહાર નીકળવાનું જ બંધ કરી દીધું.”
'સાથ’ નામની એક સામાજિક સંસ્થાના જાણમાં આવ્યું કે કોઈ બંધ મકાનમાં ત્રણ જણને વર્ષોથી ગોંધી રાખવામાં આવ્યા છે.
સંસ્થાની ટીમ આ માહિતીને પગલે એ ઘરમાં પહોંચી ગઈ અને તેમને જે દૃશ્ય જોવા મળ્યું એ અકલ્પનીય હતું.
સંસ્થાનાં અધ્યક્ષ જલ્પા પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, “અમારી સંસ્થા રસ્તે રખડતા બિનવારસી લોકો, માનસિક અસ્થિર લોકોની મદદ કરે છે. અમને માહિતી મળી કે રાજકોટના કિસનપરા વિસ્તારમાં એક બંધ મકાનમાં ત્રણ જણાને વર્ષોથી ગોંધી રાખવામાં આવ્યા છે અને કોઈ વૃદ્ધ વ્યક્તિ તેમને સવારસાંજ ટિફિન આપી જાય છે.”
“અમારી ટીમ ત્યાં પહોંચી ત્યારે 80 વર્ષથી ઉપરની વય ધરાવતા એક ભાઈ ત્યાં ટિફિન આપવા આવ્યા હતા. અમે એમને પૂછ્યું કે તમે કોણ છે ? તેમણે કહ્યું કે એમનાં ત્રણ બાળકો ઘરમાં બંધ છે અને તેઓ રોજ એમને ખાવાનું આપવા આવે છે.”
બહારની દુનિયાથી અલિપ્ત
બહારની દુનિયાથી સંપૂર્ણ અલિપ્ત થઈ ગયેલાં ભાઈબહેને રૂમમાં ગોંધાઈને પોતાની દયનીય હાલત કરી નાખી હતી અને જ્યારે એનજીઓની ટીમ અંદર ઘૂસી ત્યારે તેઓ ડરી ગયાં હતાં.
જલ્પા આ અંગે જણાવે છે, “અમે તેમના પિતાને કહ્યું કે તમે દરવાજો ખોલાવો, પરંતુ ત્રણેય જણા ઘરનો દરવાજો ખોલતા નહોતાં. એના પિતાએ મને કહ્યું કે હું ટિફિન મૂકી જાઉં પછી એ લોકો તેમની મરજી હોય ત્યારે દરવાજો ખોલીને ટિફિન અંદર લઈ લે.”
“અનેક પ્રયાસો પછી પણ તેમણે ઘરનો દરવાજો ન ખોલ્યો, એટલે અમે પાડોશીના ધાબા પરથી એમના ઘરમાં ગયા, તો બંને ભાઈઓ અઘોરી જેવી અવસ્થામાં હતા અને બહેન બીજા રૂમમાં હતી. અમને જોઈને બૂમો પાડવા લાગી કે મારી માતાની જેમ મારા ભાઈઓને ક્યાંય ના લઈ જશો.”
અનેક માનસિક અસ્થિર લોકોની મદદ કરી ચૂકેલાં જલ્પા પટેલ કહે છે કે, “આ ત્રણેય ભાઈબહેનની સમસ્યા અમારા માટે સાવ નવી હતી.”
“કોઈ એકબીજાથી દૂર થવા માગતું નહોતું. એમને સતત એમ લાગતું હતું કે ચારથી વધુ માણસો ઘરમાં આવ્યા છે એટલે તેમની માતાની જેમ તેમનામાંથીથી એક ને કયાંક લઈ જશે. ઘર નકરો ઉકરડો હતું.”
“ચારે તરફ એઠવાડ અને છાપાંની ઢગલાબંધ પસ્તી વચ્ચે એક રૂમમાં બે ભાઈ અને બીજા રૂમમાં એની બહેન રહેતી હતી. મેં પૂછ્યું કે આ છાપાં કેમ? તો એમના પિતાએ કહ્યું કે રોજ એમને છાપાં જોઈએ. ત્રણેય જણ ડબલ ગ્રૅજ્યુએટ છે. મોટો દીકરો અમરીશ એલ.એલ.બી. કરીને ઍડવોકેટ થયો છે, બીજો દીકરો ભાવેશ ગ્રૅજ્યુએટ છે અને દીકરી મેઘના સાયકૉલોજીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલી છે.”
એકમેકની કાળજી લેવા અન્ય સાથે સંપર્ક તોડી નાખ્યો
ત્રણેયના પિતા નવીનભાઈએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, “અમરીશ, સારો ઍડવોકેટ હતો. એની માતાના અવસાન પછી એ ગુમસુમ રહેવા લાગ્યો. મેઘના એનું ધ્યાન રાખતી હતી.”
“માતાના અવસાન પછી અમરીશ ડિપ્રેશનમાં આવી ગયો હતો. મેં એની સારવાર પણ કરાવી. અમરીશની હાલત જોઈને ધીમેધીમે મેઘના પણ ડિપ્રેશનમાં આવી ગઈ. એને સતત ડર રહેતો હતો કે એના ભાઈની કાળજી રાખનાર મારી માં નથી તો હવે તે એની જવાબદારી છે.”
“એણે લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો અને ભાઈની કાળજી રાખવા માટે ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું. બંને ભાઈબહેનની કાળજી રાખવા મારો બીજો દીકરો ભાવેશ પણ ઘરમાં રહેવા લાગ્યો.”
“આ રીતે ત્રણેય ભાઈબહેને એકમેકની કાળજી રાખવામાં બીજા લોકો સાથેના સંબંધો તોડી નાખ્યા. હું સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયો હતો. મારી સાથે પણ તેઓ વાત કરતા નહોતા.”
ત્રણત્રણ સંતાનોની આવી અસાધારણ હરકતથી પિતા વ્યથિત થાય એ સ્વાભાવિક છે. વયોવૃદ્ધ પિતાએ બાળકોને આ માનસિક બીમારીમાંથી બહાર લાવવા કોઈ કસર છોડી નહોતી.
નવીનભાઈ કહે છે, “મેં સાઇકિયાટ્રિસ્ટ પાસે તેમની સારવાર કરાવી. પણ કોઈ ફાયદો ના થયો. કોઈ એમને બોલાવતું નહીં અને એ લોકો કોઈને બોલાવતા નહોતાં. પોતાને ઘરમાં બંધ કરી ને રહેવા લાગ્યા. હું પણ લાચાર હતો.”
“એમના માટે રોજ ટિફિન આપી જાઉં છું. 82 વર્ષે દીકરા મારા ઘડપણની લાકડી બને એના બદલે હું એમનો સહારો બનવાનો પ્રયાસ કરી રહ્યો છું.”
ત્રણેય ભાઈબહેનને બંધ મકાનમાંથી મુક્ત કર્યા બાદ સામાન્ય સ્થિતિમાં લાવવાં કપરું કામ છે. તેમને છોડાવ્યાં બાદ સંસ્થાએ તેમને હળવાં કરવાના પ્રયાસ કર્યા.
જલ્પા પટેલ કહે છે કે, “અમે ત્રણેય ભાઈબહેન સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. અમરીશ કોઈ વાત કરવા તૈયાર નથી.”
“ભાવેશ સારો ક્રિકેટર હતો એટલે અમે તેની સાથે ક્રિકેટ રમ્યા. ફિલ્મોમાં જેમ બને છે તેમ તેણે પોતાના દોસ્તોને યાદ કર્યા. અમે તેના પિતા પાસેથી મિત્રોના નંબર લઈને મળવા બોલાવ્યા.”
“ભાવેશને સતત એવું લાગી રહ્યું હતું કે, લોકો તેના ભાઈ અને બહેનને પાગલ ગણી એમની પાસે આવતા નથી. એટલે એ એમની સંભાળ રાખવા ઘરે રહેતો હતો. તેને લાગતું હતું કે જો એ ઘરની બહાર જશે તો કોઈ એમને હેરાન કરશે.”
“મેઘના એકની એક વાતનું રટણ કરે છે પણ બે દિવસ એને સતત સાંભળ્યા પછી અમે એટલું સમજી શક્યા છીએ કે એને એના ભાઈઓ માટે ખૂબ પ્રેમ છે અને એમને તકલીફ ના પડે અને કોઈ એમને પાગલ ગણીને હેરાન ન કરે એટલા માટે એ ઘરમાં રહેતી હતી.”
“ચાર માણસથી વધારે લોકોને જુએ તો એને ડર લાગે છે કે એની માતાની જેમ લોકો ભેગા થઈને એના ભાઈને લઈ જશે તો એ કયારેય પરત નહીં આવે.”
'રેર ઑફ ધ રૅરેસ્ટ’
https://www.youtube.com/watch?v=6GYMOM7Y6-o
આ અંગે રાજકોટના સમાજસુરક્ષા અધિકારી મેહુલ ગોસ્વામીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે , “અમે સામાજિક સંસ્થા દ્વારા રૅસ્ક્યુ કરાયેલાં ત્રણેય ભાઈબહેનની સાઇકિયાટ્રિસ્ટ પાસે તપાસ કરાવી. ત્રણેય વચ્ચે અતૂટ પ્રેમ છે પણ સિવિયર ડિપ્રેશનના કારણે સ્કિઝોફ્રેનિક થઈ ગયાં છે.”
“અમે એમની સારવાર કરાવીશું. ત્રણેય ભાઈ બહેન સારૂં ભણેલાં છે એટલે સારવાર બાદ ઝડપથી સજા થઈ જશે એવું અમારૂં માનવું છે.”
જાણીતા સાઇકિયાટ્રિસ્ટ પાર્થ વૈષ્ણવે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, “આવી ઘટના ભાગ્યે જ બને કે એક જ ઘરમાં ત્રણ વ્યક્તિને માનસિક બીમારી હોય અને એ પણ આવી ગંભીર.”
“વાસ્તવમાં આ 'રેર ઑફ ધ રૅરેસ્ટ’ કેસ છે. 'શૅડ ઈલ્યુઝન’માં આવી ગયેલા લોકો સાથે આવું થઈ શકે છે. હજારોમાં એક કેસ આવો જોવા મળે છે.”
આ પ્રકારનું પગલું ભરવા પાછળનું મનોવિજ્ઞાન સમજાવતા પાર્થ વૈષ્ણવે જણાવ્યું, “ભાઈબહેનના અતૂટ પ્રેમને કારણે નાની બહેનને લાગતું હતું કે તેના મોટા ભાઈની માનસિક સ્થિતિ કાબૂમાં નથી અને તેને પણ માતાની જેમ કંઈક થઈ જશે.”
“આવો ભય સતાવતો હોવાથી ભાઈને જ પોતાની દુનિયા બનાવી લીધી. ભાઈનું ધ્યાન રાખવામાં તેણે બીજા જોડે સંબંધ કાપી નાખ્યો. માતાની જેમ ભાઈને ગુમાવવાના મનમાં છુપાયેલા ડરને કારણે એ પણ એના ભાઈની જેમ વર્તવા લાગી હોય.”
“આ બંનેની હાલત જોઈને લોકોએ એમને ધુત્કારવાનું શરૂ કર્યું હોય એટલે એનો બીજો ભાઈ બંને ભાઈબહેનની કાળજી રાખવા માટે ઘરે રહેવા લાગ્યો હોય. સમાજ સાથે સંબંધો કપાઈ ગયા પછી એ પણ પોતાના બંને ભાઈબહેનના જેમ વર્તવા લાગ્યો હોય તો સંભવ છે કે ત્રીજા ભાઈને પણ આ અસર થઈ હોય.”
દસ વર્ષ સુધી બંધ ઓરડાના અંધારામાંથી બહાર આવ્યા બાદ શું તેઓ સામાન્ય જીવન જીવી શકશે?
પાર્થ વૈષ્ણવ કહે છે, “ધીરજપૂવર્કની સારવાર તેમને ઝડપથી સજા કરી શકે છે. પણ એક વાત છે કે ભાઈબહેનના આ પ્રેમને કારણે તેઓ આવી માનસિક પરિસ્થિતિમાં એટલે મુકાયા કે તેમની સંભાળ રાખનાર કોઈ નહોતું.”
“દુનિયાથી સંબંધ કાપ્યા પછી એમની દુનિયા આ ત્રણ જણાની થઈ ગઈ હતી પરંતુ જો સમયસર સારવાર મળી હોત તો ત્રણેય ભાઈબહેન આ સ્થિતિમાં મુકાયાં ન હોત.”
- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=i_dW9nttIXE
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો