ગુજરાતમાં વાવાઝોડાની આગાહીને પગલે સમીક્ષા બેઠક યોજાઈ!
રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદી સ્થિતી અને પવનની ગતિને કારણે સર્જાયેલી હળવા દબાણની પરિસ્થિતીની સમીક્ષા માટે બેઠક યોજી હતી. આ બેઠકમાં પોરબંદર, જુનાગઢ, ભાવનગર, અમરેલી ભરૂચ સહિતના વિસ્તારોમાં થયેલા વ્યાપક વરસાદ અને ઝડપી પવનથી કોઇ મોટું નુકશાન કે જાનહાનિ ના થાય તે માટેની સંબંધિત જિલ્લા તંત્રો અને રાજ્ય સરકારના વિભાગોની સજ્જતા સતર્કતા અંગે મુખ્યમંત્રીએ જાણકારી મેળવી હતી.
મુખ્યમંત્રીએ પોરબંદર અને જુનાગઢ જિલ્લાના કલેકટરો સાથે ટેલિફોનિક વાતચીત કરીને તેમના જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોના લોકોની સ્થિતી, જરૂર જણાયે સલામત સ્થળે સ્થળાંતર કરવા આશ્રયસ્થાન તેમજ ભોજન પ્રબંધ, પવનની ગતિ વગેરેની વિગતો મેળવી આદેશ આપ્યા હતા.
આ બેઠકમાં મુખ્ય સચિવ પંકજકુમાર, શહેરી વિકાસના અધિક મુખ્ય સચિવ મૂકેશ પૂરી, મહેસૂલના અધિક મુખ્ય સચિવ કમલ દયાની, માર્ગ-મકાન સચિવ સંદીપ વસાવા અને એનડીઆરએફના મત્સ્યોદ્યોગ, રાહત કમિશનર અને ગૃહ સચિવ વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દરિયાકાંઠાના પ્રવાસન સ્થળો, બિચ ઉપર કોઇ પર્યટક ન જાય તે માટે તેમજ દરિયામાં માછીમારી માટે ગયેલા સાગરખેડૂઓ સલામત પરત આવી જાય તે માટે જરૂરી સૂચનાઓ અને પ્રબંધ કરવા પણ બેઠકમાં સૂચનો કર્યા હતા. રાજ્યમાં અત્યારની સ્થિતીએ સૌરાષ્ટ્રના ૯ જિલ્લાઓમાં એનડીઆરએફની ૧૮ ટિમ સ્થાનિક તંત્ર સાથે સંકલનમાં રહી તૈનાત કરવામાં આવી છે તેમજ બે ટિમ સ્ટેન્ડ બાય તરીકે રાખવામાં આવી છે.