• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સાણંદ : દરબાર જેવી જ અટક હોવાના લીધે દલિતને માર પડ્યો

By BBC News ગુજરાતી
|
Google Oneindia Gujarati News

"મારાં માતાપિતા ખેતમજૂરી કરે છે પણ એમનું સપનું છે કે અમે ત્રણ ભાઈબહેનો ભણીગણીને આગળ આવીએ. એટલે મારાં માબાપ પેટ કાપીને અમને ભણાવી રહ્યાં છે."

"લૉકડાઉનથી કૉલેજ બંધ છે એટલે બે પૈસા કમાવા હું સૌરાષ્ટ્રથી સાણંદ આવ્યો હતો. ફેટકરીમાં મજૂરી કરતો હતો પણ મને ખબર નહોતી કે મારી અટક અને શર્ટનું એક બટન ખુલ્લું રાખવાની ટેવ મને એવી ભારે પડી જશે કે મારે નોકરી પણ છોડવાનો વારે આવશે"

આ શબ્દો છે 21 વર્ષના દલિત યુવાન ભરત જાદવના છે. ભરત જાદવને પોતાની અટક બદલ કથિત ઉચ્ચ જ્ઞાતિના લોકોએ માર માર્યો હોવાની ઘટના ઘટી છે.

આ મામલે અમદાવાદ નજીક સાણંદ જીઆઈડીસી પોલીસસ્ટેશનમાં ફરિયાદ કરાઈ છે.


શું છે મામલો?

ભરત મૂળ વેરાવળના ભેટાડી ગામના છે અને થોડા સમયથી સાણંદની એક ફેકટરીમાં નોકરી છે.

તેમના પિતા બાબુભાઈ જાદવ વેરાવળમાં ખેતમજૂરી કરે છે. પોતાનાં સંતાનોને ભણાવીને સક્ષમ બનાવવા બાબુભાઈનું સપનું છે અને આ સપનાને સાકાર માટે ભરત સાણંદમાં નોકરી કરે છે.

દસમા ધોરણ બાદ ભરતે મિકૅનિકલ ઍન્જનિયરિંગ કર્યું છે અને રાજકોટમાં આગળનો અભ્યાસ કરે છે. આ દરમિયાન નાનુમોટું કામ કરીને પરિવારને મદદ કરે છે.

બીબીસી સાથેની વાતચીતમાં ભરતે જણાવ્યું, "લૉકડાઉનથી શાળાકૉલેજો બંધ છે એટલે હું ઘરે બેઠો હતો. ત્યાં મારા એક મિત્રએ મને કહ્યું કે સાણંદની એક કંપનીમાં વર્કર તરીકેની નોકરી છે અને કૉન્ટ્રેક્ટ પર નોકરી મળી રહી છે."

"મને થયું કે આમ પણ ભણવાનું તો ઑનલાઇન જ છે તો કૉલેજ ના ખુલ્લે ત્યાં સુધી કેમ નોકરી ન કરું? એટલે કૉન્ટ્રેક્ટરની મદદથી હું આ સાણંદમાં નોકરીએ લાગ્યો."

"મારી શિફ્ટ બપોરની હતી એટલે સવારે ઑનલાઇન ભણીને એક વાગ્યે હું નોકરીએ પહોંચી જતો હતો. સાણંદમાં અમે ત્રણચાર જણાએ ભેગા થઈને એક રૂમ રાખ્યો હતો. મૉલ્ડિંગના પાર્ટ ચેક કરવાનું મારું કામ હતું અને મને મહીને રૂપિયા 9,200નો પગાર મળતો હતો. એમાંથી થોડા પૈસા બચાવી બાજુએ રાખતો હતો. જેથી ભણવામાં કામ લાગે."

ભરત ઉમેરે છે કે "પહેલી તારીખે હું કંપનીના ગેટ પર પહોંચ્યો તે વખતે હર્ષદભાઈ નામના એક માણસે મને દાખલ થતાં જ ગાળ બોલીને કહ્યું કે શર્ટનું પહેલું બટન કેમ ખુલ્લુ રાખે છે? તું અહીનો દાદો છે? "

"મેં ગભરાઈને તરત જ કહ્યું કે મોટાભાઈ તમને ન ગમતુ હોય તો હું બટન બંધ કરી દઉ છું. એમ કહીને હું અંદર નોકરીએ જતો રહ્યો."

"રિસેસમાં હર્ષદભાઈએ મારી અટક અને જાતિ પૂછી, મેં કહ્યું કે, મોટાભાઈ હું દલિત છું અને વેરાવળનો છું. એટલે તરત જ એમણે મને કહ્યું કે, દરબારોની અટક રાખી એટલે તું મને ભાઈ ના કહી શકે. આજ પછી ફરી સામે દેખાતો નહીં. "

"મે સારૂં કહીને વાત પર પડદો પાડી દીધો પણ મને ખબર ન હતી કે નોકરી પત્યા પછી મારી શામત આવશે."

ભરતના જણાવે છે, "નોકરી પતાવીને હું બસસ્ટેન્ડ પર બસની રાહ જોઈ રહ્યો હતો ત્યારે હર્ષદભાઈ પાંચ છ જણાને લઈને આવ્યા અને ગાળો બોલીને મને કહેવા માંડ્યા કે, દલિત થઈને દરબારની અટક રાખે છે, બટન ખુલ્લા રાખીને બાદશાહ થઈને ફરે છે. એમ કહીને એમણે મને લાફા ઝીંકી દીધા."


ફોન પર ધમકી

https://www.youtube.com/watch?v=LpzvEftsg2U

"મેં બે હાથ જોડીને કહ્યું કે મોટાભાઈ હું તો એક નાનકડો વિદ્યાર્થી છું. ભણવા માટે મજૂરી કરવા આવ્યો છું. કૉલેજ ખૂલશે એટલે પાછો જતો રહેવાનો છું. કાલથી હું બટન બંધ કરીને જ આવીશ પણ તરત જ હર્ષદભાઈએ તાડૂકીને કહ્યું કે દલિત થઈને મને મોટાભાઈ કહે છે? એમ કહીને મને માર મારવામાં આવ્યો."

"રાતે સાડા દસ વાગ્યે મને બચાવવનાર પણ કોઈ નહોતું. મને એટલી હદ સુધી માર્યો કે મારાં કપડાં ફાટી ગયાં. ત્યાં સામેથી એક બસ આવતી દેખાઈ હું જેમ તેમ કરીને તે લોકોના હાથમાંથી છટકીને ભાગ્યો અને બસમાં ચડી ગયો."

"મારી હાલત જોઈ કંડક્ટરે મને કહ્યું કે શું થયું. મે એમને વાત કરી તો એમણે મને સાણંદ પોલીસ સ્ટેશનની ટિકિટ આપીને પોલીસ ફરિયાદ કરવા કહ્યું."

"હું સાણંદ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગયો ત્યારે પોલીસે આ કેસ સાણંદ જીઆઈડીસીનો હોવાનું કહી મારી ફરિયાદ ના નોંધી. એટલે હું મોડી રાત્રે સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશન પહોંચ્યો અને ત્યાં મેં ફરિયાદ લખાવી પણ એ દિવસે અમને કોઈ મળ્યું નહીં."

"બીજા દિવસે પણ કોઈ કાર્યવાહી ના થઈ અને હું પણ ફેકટરીએ ન ગયો. આ દરમિયાન મને ફરિયાદ પાછી ખેંચી લેવા અનેક લોકોના ધમકીભર્યા ફોન આવવા માંડ્યા કે દરબારની અટક રાખીને દરબાર સામે કેમ પડે છે."

એ બાદ ડરી ગયેલા ભરત સાથે એમના મિત્રો અને સાણંદ વણકરવાસમાં રહેતા કેટલાક લોકો સાણંદ જીઆઈડીસી પોલીસસ્ટેશનમાં પહોંચ્યા અને તેમના કહેવા અનુસાર એ બાદ પોલીસ હરકતમાં આવી.


પોલીસનું શું કહેવું છે?

https://www.youtube.com/watch?v=XmBXCbms9P0

આ અંગે સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધતાં તપાસ કરી રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર ધીરૂભા વાઘેલા જણાવે છે, "છોકરો અમને મળ્યો ત્યારે ખૂબ જ ગભરાયેલી હાલતમાં હતો. એ એક જણ સિવાય બીજા કોઈને ઓળખતો નહોતો."

"અમે એને મારનાર મુખ્ય માણસને પકડી કેટલાક લોકોને રાઉન્ડ અપ કર્યા છે, એમાંથી ઓળખ પરેડ કરાવી ત્રણ જણાની ધરપકડ કરી એમની સામે ઍટ્રોસિટીનો ગુનો નોંધી જેલના હવાલે કરી દીધા છે. જ્યારે બાકીના આરોપીઓને શોધી રહ્યા છીએ."

પોલીસ ઇન્સપેક્ટરે મામલે ઢીલું ન મૂકવાની અને ભરતને પોલીસરક્ષણ આપવાની પણ વાત કરી છે.

આ કેસમાં પોલીસે ત્રણ લોકો ધરપકડ કરી છે. જોકે, ભરત જાદવ એટલા ડરી ગયા છે કે તેઓ સાણંદ છોડીને પોતાના ગામ પરત જવાનું નક્કી કરી લીધું છે.

તેઓ જણાવે છે, "હું બે પૈસા કમાઈને મારાં ગરીબ માબાપની મદદ કરવા માગતો હતો. મારો ભાઈ પણ આ રીતે ખર્ચો ઉપાડવા મજૂરી કરે છે. "

"મારા પર ધમકીભર્યા કૉલ આવે છે અને મને ઘરની બહાર નીકળતા પણ ડર લાગે છે. સાણંદમાં રહેવું મને હવે મુશ્કેલ લાગે છે એટલે હવે હું પાછો મારા ગામ જઉં છું. રાજકોટની આજુબાજુ ક્યાંક કામ મળે તો શોધી લઈશ પણ સાણંદ પરત નહીં આવું."

બીબીસીએ આ મામલે આરોપી હર્ષદ રાજપુતના પરિવાર સાથે વાત કરી પણ તેમણે કાનૂની પ્રક્રિયા ચાલી રહી હોઈ, કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

https://www.youtube.com/watch?v=cMAygdZfkDk

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Sanand: Dalit was beaten because he had the same surname as Darbar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X