• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સૌરાષ્ટ્રને આગામી ૧૦૦ વર્ષ સુધી પાણીની સમસ્યામાંથી મુક્તિ મળશે: નરેન્દ્ર મોદી

By Kumar Dushyant
|

ગાંધીનગર, 6 મે: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્‍દ્ર મોદીએ આજે સૌરાષ્‍ટ્ર જલધારા ટ્રસ્ટ આયોજિત નર્મદા જળ અવતરણ મહાયજ્ઞમાં આવેલી સૌરાષ્‍ટ્રની વિરાટ કિસાનશક્તિના પાણી માટેના આ અભિયાનને અનોખી સામાજિક ક્રાંતિ તરીકે ગણાવ્યું હતું. સૌરાષ્‍ટ્રને આગામી ૧૦૦ વર્ષ સુધી પાણીની અછતના સંકટમાંથી મુક્તિ અપાવવાનો સહિયારો નિર્ધાર વ્યકત કરતાં તેમણે જણાવ્યું કે જળસંચય અને જળસિંચન એ રાજકીય આટાપાટામાં અટવાવા જોઇએ નહીં. સૌરાષ્‍ટ્રના દરિયાકાંઠે એક નવું ગુજરાત ઝડપથી આકાર લઇ રહ્યું છે ત્યારે સૌરાષ્‍ટ્રમાં પાણીના પ્રબંધ માટે સર્વગ્રાહી વ્યૂહરચના અમલમાં મૂકી છે તેની રૂપરેખા તેમણે આપી હતી.

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં દેવડા નજીક ભાદર ડેમનાં વિશાળ પટમાં સૌરાષ્‍ટ્ર નર્મદા જળ અવતરણનો આ પ્રજાયજ્ઞ અનોખા અભિગમથી સૌરાષ્‍ટ્ર જલધારા ટ્રસ્ટે યોજ્યો હતો. સૌની યોજના- સૌરાષ્‍ટ્ર નર્મદા અવતરણ ઇરીગેશન- દ્વારા મુખ્યમંત્રીએ રૂા.૧૦,૮૬૧ કરોડના ખર્ચે સૌરાષ્‍ટ્રના તમામ ૧૧૫ જળાશય બંધો નર્મદાની સૌરાષ્‍ટ્ર શાખા નહેરમાંથી ચાર લિંકઝોન પાઇપલાઇન પાથરીને ભરી દેવાનો મહત્વાકાંક્ષી પ્રોજેકટ હાથ ધર્યો છે તેમાં ગ્રામસમાજને સહભાગી બનાવવા ૧૧૫ ડેમોના નામે યજ્ઞકૂંડો તૈયાર કરવામાં આવ્યા હતા. ધોમધખતી ગરમીમાં પણ બધા જ સાત જિલ્લાના ૪,૮૦૦ ગામોમાંથી વિરાટ કિસાનશક્તિએ હવનમાં ભાગ લીધો હતો અને નર્મદાના જળ અવતરણથી સૌરાષ્‍ટ્રની ખેતી અને ધરતીને હરિયાળી બનાવવાનો સમૂહ સંકલ્પ કર્યો હતો.

નરેન્‍દ્ર મોદીએ જણાવ્યું કે સમાજહિત અને દેશહિતમાં સરકાર અને સ્વૈચ્છિક સંગઠનો સહિયારો પુરૂષાર્થ કરે તો કેવી સામાજિક ક્રાંતિ આવી શકે તેનું ઉત્તમ ઉદાહરણ મથુરભાઇ સવાણીના નેતૃત્વમાં છેલ્લા બે દાયકાથી કાઠીયાવાડની કિસાનશક્તિએ જળસંચયના અદ્દભૂત સફળ પરિણામોથી પુરૂ પાડ્યું છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે નર્મદા યોજના અને પાણી અંગે કોઇ જ રાજકીય આટાપાટા આડે આવવા જોઇએ નહીં, કમનસીબે, નર્મદાનો વિરોધ કરનારા તત્વોની એક ફાઇવ સ્ટાર એન.જી.ઓ. ટોળકીની દેશ અને દુનિયામાં વાહવાહી થાય છે. ગુજરાત વિરોધી અને નર્મદા વિરોધીઓના આવા કારસ્તાનો વચ્ચે સૌરાષ્‍ટ્ર જલધારા ટ્રસ્ટે બે દાયકાથી જળસંચયની અદ્દભૂત સામાજિક ક્રાંતિ કરી છે તેની સકારાત્મકતા અને પ્રજાકીય પુરૂષાર્થની નોંધ ભવિષ્‍યમાં જરૂર લેવાશે જ એમ તેમણે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું.

સૌરાષ્‍ટ્રમાં પાણીના પ્રબંધ માટે પણ કેટલાક સ્થાપિત અને રાજકીય હિતો ધરાવતા તત્વોએ છેલ્લા કેટલાક દિવસોથી સૌની યોજના અને સૌરાષ્‍ટ્રમાં નર્મદા જળ અવતરણના આવા પવિત્ર કાર્યને રોકવાનું પાપ કર્યું છે તેને ચેતવણી આપતા નરેન્‍દ્ર મોદીએ જણાવ્યું કે મુખ્યમંત્રી સામે વ્યક્તિગત રીતે બદનામ કરવાના જે જુઠાણાં ચલાવવા હોય તે ચલાવો પણ સૌરાષ્‍ટ્રની જનતાને માટે પાણીના પ્રબંધમાં રાજકીય આટાપાટાના ખેલ ખેલશો નહીં. જો સૌરાષ્‍ટ્રની ગ્રામશક્તિ અને જલાધારા ટ્રસ્ટ જેવા સમાજસેવી સંગઠનોએ સરકાર ઉપર ભરોસો મૂકીને જળસંગ્રહનું જળ અભિયાન સફળ બનાવ્યું ન હોત તો આજે સૌરાષ્‍ટ્રની શી દુર્દશા થઇ હોત?

આજનો સમાજક્રાંતિની દિશાનો આ મહાયજ્ઞ સરકારે પાસે કશું માંગવાનો નથી, પણ આવતીકાલના ગુજરાતની સમૃદ્ધિ અને સૌરાષ્‍ટ્રને પાણીની સમસ્યાથી મુક્ત કરવાનો મહાન પ્રજાયજ્ઞ છે એમ તેમણે ઉમેર્યું હતું. મારું સપનું છે, ગુજરાતનો ખૂણેખૂણો પાણીદાર બને, ગુજરાતની ધરતી પુરેપુરી લીલીછમ બને, આજે આટલી વિરાટ જનશક્તિએ પરસેવો પાડીને સરકારમાં વિશ્વાસ મૂક્યો છે તેનાથી અમારી શક્તિ અનેકગણી વધી ગઇ છે. સૌની યોજના પુરી કરવામાં જનતાનો આ ભરોસો સૌથી તાકાતવાન પ્રેરણાસ્ત્રોત છે એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

નરેન્‍દ્ર મોદીએ પાણીની સમસ્યામાંથી કાયમીધોરણે બહાર આવવાના નિર્ધારરૂપે નદીઓનું પાણી, વરસાદનું પાણી, દરિયાનું પાણી, ભૂગર્ભ જળસ્ત્રોતો ઉપરાંત કલ્પસર અને વેસ્ટવોટર ટ્રીટમેન્ટ દ્વારા શુધ્ધ પાણીના સ્ત્રોતો સાથેની વ્યૂહરચના અમલમાં મૂકી છે તેની ભૂમિકા આપી હતી.

મુખ્યમંત્રીએ કલ્પસર પ્રોજેકટના અમલમાં રાજય સરકાર યોજનાબધ્ધરીતે આગળ વધી રહી છે તેની વિગતો આપી હતી. તેમણે જણાવ્યું કે સૌરાષ્‍ટ્ર અને ભરૂચ વચ્ચે ખંભાતના અખાતમાં કલ્પસર પ્રોજેકટ દુનિયાનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર બનવાનું છે. પ્રોજેકટના ફિઝીબીલીટી(શક્યતાદર્શી) અહેવાલોનું ૮૦ ટકા કામ પુરું થઇ ગયું છે. આ વર્ષના અંત સુધીમાં નર્મદાના પાણીનું ભરૂચ દરિયાકાંઠા નજીક ભાડભૂત બેરેજમાં રૂા.૩,૪૦૦ કરોડના ખર્ચે જળાશય બનાવવાનું કામ શરૂ કરવું છે. આ જળાશયમાંથી નર્મદાનું પાણી સંગ્રહિત કરીને કલ્પસર પ્રોજેકટ સાથે જોડી દેવાશે.

સૌરાષ્‍ટ્રના દરિયાકાંઠે નવા ગુજરાતનું નિર્માણ ઝડપથી આકાર લઇ રહ્યું છે ત્યારે નવા નગરો અને ઉદ્યોગો માટે દરિયાના ખારા પાણી ડિસેલીનેટ કરીને ઉદ્યોગો અને વિકાસ માટે શુધ્ધ પાણીનો પ્રબંધ કરાશે. આ ઉપરાંત શહેરોના ગંદા પાણી-વેસ્ટવોટરનું ટ્રીટમેન્ટ કરીને તથા સોલીડ વેસ્ટમાંથી ખાતર બનાવીને શહેરોની આસપાસના ગામોમાં ખેડૂતોને તે અપાશે જે બાગાયતી ખેતીની સમૃદ્ધિ વધારશે.

દસ વર્ષમાં જળસંચય માટે ગુજરાતની ગ્રામશક્તિએ કરેલી ક્રાંતિનો ગૌરવસહ ઉલ્લેખ કરી મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ વરસે ચોમાસું નબળું જતાં આપત્તિ આવી પણ તેને અવસરમાં પલટાવવાનો આપણે વિરાટ પુરૂષાર્થ કર્યો છે. રાજય સરકારે નદીઓ, જળાશયો અને ડેમોમાંથી, મોટા ચેકડેમો, હયાત પાણી સ્ત્રોતોમાં વરસોથી જામી ગયેલા કાંપનો નિકાલ કરવાની ઝૂંબેશ ઉપાડી છે. અત્યાર સુધીમાં ૪ર કરોડ ઘનમીટર કાંપ-માટી કાઢીને ખેડૂતોના ખેતર માટે આપી છે. આપણે હયાત ડેમો, નહેરો, નદીઓ અને તળાવો સુકાઇ જતાં કાંપ કાઢીને તેને ચોખ્ખા-ઉંડા કરીને પાણીની ક્ષમતા વધારવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે જેના આગામી ચોમાસામાં અદ્દભૂત પરિણામો મળશે જ.

આ સંદર્ભમાં, નરેન્‍દ્ર મોદીએ આ ચોમાસા પહેલાં ગામેગામ સ્થાનિક ચેકડેમો અને તળાવોમાં સામુહિક શ્રમકાર્ય કરીને કાંપ દૂર કરવા અને તેનો ઉપયોગ ખેતીની જમીનને ફળદ્રુપ કરવા માટે અભિયાન ઉપાડવા અનુરોધ કર્યો હતો.

હવે આપણે જળસંચય સાથોસાથ જળસિંચન માટે પણ વૈજ્ઞાનિક અભિગમ અપનાવ્યો છે અને પાણીના વૈજ્ઞાનિક વપરાશ માટે પ્રત્યેક ખેડૂત ટપક સિંચાઇ પધ્ધતિ અપનાવે તેવું પ્રોત્સાહક વાતાવરણ ઉભું કર્યું છે. ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતો હવે જળસિંચન માટે ટપક સિંચાઇથી ખેતી કરતાં થયા છે અને બનાસકાંઠાના સૂકા પ્રદેશમાં કિસાનોની ખેતી ટપક સિંચાઇથી જ ઉત્તમ ખેતી બની ગઇ છે તેનું દ્રષ્‍ટાંત તેમણે આપ્‍યું હતું.

narendra-modi

‘‘પાણી એ પરમાત્માનો પ્રસાદ છે. પાણી માટે કોઇ રાજકારણ હોઇ શકે જ નહીં, પાણી સૌની જરૂરિયાત છે અને પાણી એ સૌની જવાબદારી પણ છે'' એમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમમાં નર્મદાના પાણીનો પુરેપુરો ઉપયોગ થાય અને ગુજરાત જ નહીં, ચારેય ભાગીદાર રાજયો તથા વિશેષ કરીને વીજળીની કાયમી અછત ભોગવતા મહારાષ્‍ટ્રને નર્મદાના વીજ પ્રકલ્પમાંથી વીજળી મળી રહે તે માટે સરદાર સરોવર ડેમ ઉપર હવે માત્ર ૩૬ જેટલા જંગી દરવાજા મુકવાનું કામ બાકી છે અને ગુજરાત સરકારે આ ઇજનેરી કૌશલ્ય માટેની પુરી તૈયારી ત્રણ વરસથી કરી લીધી છે તેની વિગતો આપી હતી અને દરવાજા મુકવામાં ત્રણ વરસ લાગવાના છે તેમ છતાં કેન્દ્ર સરકાર આ માટેની મંજૂરી આપતી નથી. વડાપ્રધાન સમક્ષ જયારે રજૂઆતો કરી ત્યારે તેમણે આ અંગે આશ્ચર્ય વ્યકત કરેલું પરંતુ હજુ સુધી કેન્દ્ર સરકારે દરવાજા મુકવાની મંજૂરી આપેલ નથી તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ નર્મદા ડેમ ઉપર સરદાર સરોવર ડેમના સાનિધ્યમાં સરદાર વલ્લભભાઇ પટેલની દુનિયામાં સૌથી વિરાટ એવી સ્ટેચ્યુ ઓફ યુનિટિ પ્રતિમા મુકવાની ભૂમિકા પણ આપી હતી. આ નર્મદા જળ અવતરણના મહાયજ્ઞમાં ઉપસ્થિત રહેલાં સ્વામી સચ્ચિદાનંદજી મહારાજે નર્મદા માતાની ગુજરાતમાં પરિક્રમાથી સમૃદ્ધિ આવવા માટેનું મહાભગીરથ અભિયાન ઉપાડવા માટે મુખ્યમંત્રી અને સમાજશક્તિને અભિનંદન આપ્‍યા હતાં.

સૌરાષ્‍ટ્ર જલધારા ટ્રસ્ટના પ્રમુખ મથુરભાઇ સવાણીએ જળસંચય અને નર્મદા યોજના માટે સૌરાષ્‍ટ્રની સમાજશક્તિની તાકાતનો પરિચય આપતાં ટ્રસ્ટની પાણી માટેની ઝૂંબેશો અને સંકલ્પની રૂપરેખા આપી હતી.આ પ્રસંગે મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, અન્ય મંત્રીઓ, પ્રદેશ ભાજપા અધ્યક્ષ રણછોડભાઇ ફળદુ, સાંસદો, ધારાસભ્યો, સંતો-મહંતો તથા સહકારી અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

English summary
Narendra Modi attends Saurashtra Narmada Jal Avtaran Jan Jagruti Mahayagya organized by the Saurashtra Jaldhara Trust.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more