હાર્દિક પટેલને પાટીદાર આંદોલન કેસમાં SCમાંથી રાહત, અટકાયત પર 6 માર્ચ સુધી રોક
વર્ષ 2015માં થયેલા પાટીદાર આંદોલન કેસમાં સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને મોટી રાહત આપી છે. કોર્ટે હાર્દિક પટેલની અટકાયત પર 6 માર્ચ સુધી રોક લગાવી દીધી છે. સાથે જ સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની અરજી પર ગુજરાત સરકાર પાસે જવાબ માંગ્યો છે. આ પહેલા 17 ફેબ્રુઆરીએ ગુજરાત હાઈકોર્ટે આ કેસમાં હાર્દિક પટેલની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી.
જસ્ટીસ ઉદય ઉમેશ લલિત અને વિનીત સારનની બેંચે ગુજરાત સરકારને આ નોટિસ જારી કરી.
ગુજરાત સરકારને ફટકાર લગાવીને કહ્યુ કે કેસ 2015માં નોંધવામાં આવ્યો હતો અને આ કેસમાં તપાસ હજુ પણ પેન્ડીંગ છે. તમે આ કેસને પાંચ વર્ષ સુધી દબાવીને ન રાખી શકો. વાસ્તવમાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે વર્ષ 2015ના વિસપુર હુલ્લડ કેસમાં તેને દોષી ગણવાના ચુકાદા પર રોક લગાવવાની અરજી ફગાવવાના ગુજરાત ઉચ્ચ ન્યાયાલયના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.
આ કેસ 25 ઓગસ્ટ, 2015નો છે. અમદાવાદના જીએમડીસી મેદાનમાં પાટીદાર અનામતની સમર્થનમાં વિશાળ રેલી થઈ હતી. આ દરમિયાન રાજ્યવ્યાપી તોડફોડ અને હિંસા માટે અહીંની ક્રાઈમ બ્રાંચે હાર્દિક પટેલ પર એ વર્ષે ઓક્ટોબરમાં કેસ નોંધ્યો હતો. આમાં ઘણી સરકારી બસો, પોલિસ ચોકીઓ અને અન્ય સરકારી સંપત્તિઓને આગના હવાલે કરવામાં આવી હતી તેમજ આ દરમિયાન એક પોલિસકર્મી સહિત લગભગ ડઝનેક લોકો માર્યા ગયા હતાજેમાંથી ઘણી પોલિસફાયરિંગના કારણે માર્યા ગયા હતા. પોલિસે આરોપપત્રમાં હાર્દિક અને તેમના સહયોગીઓ પર ચૂંટાયેલી સરકારને પાડવા માટે હિંસા ફેલાવવાનુ ષડયંત્ર કરવાનો આરોપ લગાવ્યો હતો.